લવ, લાઇફ અને લાફ્ટરસભર વાતો…

એક ગુજરાતી ગૃહિણી સંતાનોના ઉછેર-પરિવારની જવાબદારીના લીધે અભેરાઇએ ચડાવેલી લેખનની પેશનને પુસ્તકરૂપે ફરીથી જીવંત કરે ત્યારે એમની ઢંકાયેલી અને મૌન રહેલી પ્રતિભા બહાર આવે છે. વાત એક એવાં ગુજરાતી મહિલાની…

  • કેતન ત્રિવેદી (નવી દિલ્હી) 

————————————–

હવે તો નવી દિલ્હીમાં ગુજરાતીઓનો દબદબો છે એવું કોઇને કહીએ તો સામેવાળી વ્યક્તિ એમ જ સમજે કે, વાત રાજકારણ અને નરેન્દ્ર મોદી-અમિત શાહની થઇ રહી છે. રાજકીય રીતે દિલ્હીમાં આજે ગુજરાતીઓનો દબદબો છે એની ના નહીં, પણ રાજકારણ સિવાયના અન્ય ક્ષેત્રોમાં ય ગુજરાતીઓ રાજધાનીમાં પોતાનું નામ કમાતા આવ્યા છે એ વાત પણ ભૂલવા જેવી નથી, હોં!

હમણાં રાજધાનીમાં ફરતાં ફરતાં અમારી મુલાકાત આવા જ એક પ્રતિભાસંપન્ન ગુજરાતી દંપતિ સાથે થઇ. એક સમયે ભારતીય જનતા પક્ષના ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય અને જનસંઘ સમયથી પક્ષની થિન્કટેન્ક રહી ચૂકેલા પ્રફુલ્લ ગોરડિયાને તો બધા ઓળખતા જ હોય, પણ આજે વાત કરવી છે એમના પત્નિ નયનાબહેનની. સંતાનોના ઉછેર અને પરિવારની જવાબદારીની કારણે નયનાબહેનની હમણાં સુધી લગભગ ઢંકાયેલી અને મૌન રહેલી વ્યક્તિગત ઓળખ અને પ્રતિભા લોકો સુધી બહાર નહોતી આવી, પણ એ હવે બહાર લાવવામાં કારણભૂત બન્યું છે એમનું જ એક પુસ્તક.

હા, ‘ધ મિડલ’ નામનું અંગ્રેજીમાં લખાયેલું એમનું એક પુસ્તક આજકાલ ચર્ચામાં છે. ન જાણતા હો તો જાણી લો કે, નયનાબહેન એક સમયે બહુ જાણીતા કોલમ લેખક હતા. ધ મિડલ નામની એમની કટાર પ્રતિષ્ઠિત અંગ્રેજી દૈનિક ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા માં આવતી. એ પછી ધ સ્ટેટ્સમેન, ધ ઇલેસ્ટ્રેટેડ વિક્લી ઓફ ઇન્ડિયા, ધ હિન્દુસ્તાન ટાઇમ્સ જેવા અગ્રણી અખબાર-સામયિકોમાં લખતા રહ્યા. લોર્ડ કર્ઝનઃ લાસ્ટ ઓફ ધ બ્રિટીશ મુઘલ્સ નામનું એમનું પુસ્તક તો દુનિયાભરની યુનિવર્સિટીઓ-પ્રકાશનોમાં ખૂબ ચર્ચાયું છે. અંગ્રેજોએ કોલકાતાથી રાજધાની દિલ્હી ખસેડી અને દિલ્હી દરબાર ભરાયો એના પર નાનકડું પણ મહત્વનો ઘટનાક્રમ આલેખતું પુસ્તક દિલ્હી દરબાર પણ અહીંની પાવર ગેલેરીમાં જાણીતું બન્યું હતું.

કોલમ લેખક તરીકે નયનાબહેનની કરિયર આ રીતે કદાચ આગળ વધી શકી હોત, પરંતુ કોઇ કારણસર બે દીકરીના ઉછેર, લગ્ન અને પારિવારિક જવાબદારીઓના કારણે બે-અઢી દાયકાથી લખવાનું છૂટી ગયેલું. એમનું પૈતૃક ગામ મોરબી, પણ એમનું મોસાળ જામનગર એટલે જન્મ જામનગરમાં થયો. બાળપણ માતા-પિતાની સાથે કોલંબોમાં વીત્યું. કોલેજકાળ પહેલા મુંબઇ અને પછીથી અમેરિકામાં. પ્રફુલ્લભાઇ સાથે લગ્ન થયા ત્યારે પ્રફુલ્લભાઇ કોલકતામાં ચા ની એક બહુ મોટી ફર્મ સાથે જોડાયેલા હતા એટલે કોલકાતામાં ય રહ્યા. હવે તો વર્ષોથી દિલ્હીમાં જ રહે છે, પણ એ વર્ષોમાં ફરવાનું ખૂબ જ થયું એટલે અનુભવ-સમૃધ્ધિ સતત વધતી રહી.

જો કે આ વર્ષો દરમ્યાન એમની પાસે જૂના લખાણોનો ખજાનો અકબંધ સચવાયેલો એટલે થોડાક સમય પહેલાં પ્રફુલ્લભાઇએ એમને આ લખાણોનો ઉપયોગ કરીને પુસ્તક લખવા માટે આગ્રહ કર્યો. એમાંથી આ પુસ્તક બન્યુઃ ધ મિડલ. નયનાબહેન કહે છે, ‘પુસ્તકમાં મારા જૂના લેખો ઉપરાંત થોડાંક સંસ્મરણો અને મારા કામ માટે જ્યાં ફરી એની યાદગિરીના દસ્તાવેજી ફોટોગ્રાફ્સ પણ છે. લેખો જૂના લાગે, પણ એ ટાઇમલેસ છે. એમાંથી જે તે સમયની દેશની પરિસ્થિતિનો ખ્યાલ આવે છે.’

એમની વાત સાચી છે. એમના નાના ડો. પ્રાણજીવન મહેતા જૂના જામનગર સ્ટેટના ખૂબ વિખ્યાત તબીબ. (એ સમયે સંસ્કૃતના સ્કોલર એવા ડો. પ્રાણજીવનભાઇએ ચરકસંહિતા ગ્રંથનો સંસ્કૃતમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરાવવાનું અત્યંત મહત્વનું કામ કર્યું હતું. આજની આયુર્વેદિક કોલેજ એ એમની જ દેણ.) નયનાબહેનનો જન્મ જામનગરમાં અને મોસાળ કુટુંબને રાજવી પરિવાર સાથે ઘરોબો એટલે એ સમયના રજવાડાંની વાતો આ પુસ્તકમાં છે. બાળપણમાં માતા-પિતા સાથે થોડોક સમય કોલંબો (સિલોન) રહેવાનું થયું એટલે ત્યાંના સ્કૂલ વાતાવરણની વાતો એમાં છે તો પ્રફુલ્લભાઇ સાથે લગ્ન પછી કોલકાતા રહેવા આવ્યા ત્યારના લખાણોમાં બ્રિટીશ રાજના કોલકાતાની ઝાંખી પણ એમના લેખોમાં મળે. એ પછીના વર્ષોમાં દિલ્હી આવ્યા એટલે એના ઉલ્લેખો પણ વચ્ચે વચ્ચે ડોકાયાં કરે.

યોગાનુયોગ જૂઓઃ પ્રફુલ્લભાઇના ગ્રાન્ડફાધર જૂના મોરબી રાજ્યના દીવાન હતા એ જ મોરબી રાજ્યમાં નયનાબહેનના દાદા ક્લર્ક હતા! પ્રફુલ્લભાઇને એ મળ્યા જો કે મુંબઇમાં. કેવી રીતે એ બન્ને મળ્યા એની વાત પણ પુસ્તકમાં એમણે લખી છે. આમ તો એ એમની અંગત કહાની હોઇ શકે, પણ વાચક તરીકે આપણને એ સમયના સગાઇ-લગ્ન માટેની પારિવારિક પરંપરા અને યુવાનોની વિચારસરણી વિશે ઘણું જાણવા મળે એ રીતે આખું પ્રકરણ આલેખાયેલું છે.

નયનાબહેને આ પુસ્તકના ટાઇટલ સાથે ‘અ સ્ટોરી ઓફ લવ, લાઇફ એન્ડ લાફ્ટર’ એવી ટેગલાઇન આપી છે. અને, પુસ્તકમાં એ બરાબર જોવા મળે છે. કોલકાતાની એક સીધીસાદી ગૃહિણી તરીકે એમને કઇ રીતે લોર્ડ કર્ઝનમાં રસ પડ્યો, કઇ રીતે વર્ષો સુધી એમણે લાઇબ્રેરીઓની રઝળપાટ કરી, લોર્ડ કર્ઝનના વારસદારોને મળવા છેક લંડન સુધી ગયા અને અથાગ જહેમત પછી કઇ રીતે આ વિષય પર એમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી એની નિખાલસ વાત એમણે લખી છે, જે મોટી ઉંમરે શરૂઆત કરવા માગતી કોઇપણ ગૃહિણી માટે પ્રેરણાદાયી છે. કુતૂહલતાથી પ્રેરાઇને કર્ઝન પર વધારે સંશોધન કરવાના હેતુથી એ કોલકાતાની પ્રેસિડેન્સિ કોલેજના પ્રો. હિરેન ચક્રવર્તીને મળવા ગયા ત્યારે એ અધ્યાપક વિદ્વાનનું પણ પહેલું રિએક્શન એવું જ હતું કે, આ હાઇ પ્રોફાઇલ સોસાયટીમાંથી આવતી ગૃહિણી વળી કર્ઝન પર શું કામ કરી શકે?! એમણે તો કદાચ વાત ટાળવાના હેતુથી નયનાબહેનના હાથમાં બ્રિટીશ સમયના ચાલીસેક પુસ્તકોના થોથાંનું લિસ્ટ પકડાવી દીધું.

જો કે આ એક ગુજરાતી ગૃહિણીની જીદ હતી. નયનાબહેને થોથાંઓ ઉથલાવી નાખ્યા લોર્ડ કર્ઝન પર. સતત સાત વર્ષ સુધી એમના પર જે કાંઇ માહિતી અને સંદર્ભો મળ્યાં એના પર કામ કરતા ગયા. ઇંગ્લેન્ડમાં ડર્બીશાયરમાં આવેલી કર્ઝનની પારિવારિક જાગીરમાં જઇને લેડી મોરી કર્ઝને લખેલા પત્રો મેળવ્યાં. પેરિસમાં સર એન્થની ગ્લિને એમના ગ્રાન્ડમધર એલિનોર ગ્લિનના કર્ઝન સાથેના પ્રેમ પ્રકરણની રોમાંચક વાતો કહી. આ બધામાં બન્ને દીકરાના બ્રેકફાસ્ટ અને હોમવર્ક કે પરિવારના કામકાજ ય પૂરતું ધ્યાન અપાતું નહોતું. નયનાબહેન હસતાં હસતાં કહે છે, ‘કર્ઝન માટે મેં જે રીતે કામ કર્યું એ જોઇને પ્રફુલ્લ ઘણીવાર મજાકમાં કહેતા કે કર્ઝન મારી જિંદગીમાં આવેલો અન્ય એક પુરુષ છે!!’

અલબત્ત, એ કહે છે, ‘લોર્ડ કર્ઝનને ભારતીયો બંગાળના ભાગલા માટે ક્યારેય માફ નહીં કરે. એ જમાનામાં પણ બંગાળમાં કર્ઝન માટે ભારોભાર નફરત પ્રવર્તતી હતી, પણ આ જ કર્ઝને આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આપણા પ્રાચીન વારસાની જાળવણી માટે જે પ્રદાન કર્યું છે એ પણ એટલું જ મહત્વનું છે.’

એની વે, પણ લોર્ડ કર્ઝન પરના એમના આ સંશોધનને દેશ-વિદેશમાં ખૂબ વખાણાયું છે તો ઔરંગઝેબ ઇન અલાસ્કા નામના એમના એક લખાણમાં એમની નિરિક્ષણ શક્તિ અને હાસ્યનો પણ ખ્યાલ આવે. કઇ રીકે મુંબઇમાંથી લીધેલી મોજડીની અમેરિકા ભણવા ગયા ત્યાં કોલેજમાં મજાકનો વિષય બની, કઇ રીતે એમણે એ મોજડી અલાસ્કાથી આવેલી એક સ્ટુડન્ટને આપી અને એ મોજડી પછી કઇ રીતે અલાસ્કામાં ‘ભારતથી આવેલી ઔરંગઝેબની મોજડી’ તરીકે ઓળખ પામી એ બધી વાતો એમની લેખન-ક્ષમતાનો પરિચય આપે છે.

લખવાનું કેમ બંધ કર્યું એની પાછળના કોઇ ચોક્કસ કારણો નથી નયનાબહેન પાસે, પણ એવું ય નથી કે એ વર્ષો સુધી ફક્ત ગૃહિણી તરીકે ઘરમાં બેસી જ રહ્યાં છે. 1996થી દક્ષિણ દિલ્હીમાં કાર્યરત એવી ધ ઇન્ડિયન સ્કૂલને દિલ્હીની કેટલીક શ્રેષ્ઠ સ્કૂલોમાં સ્થાન અપાવવામાં સ્કૂલ સંચાલક મંડળના વાઇસ-ચેરમેન તરીકે એમનો મહત્વનો ફાળો છે. આજે તો સ્કૂલના રોજબરોજના સંચાલનની જવાબદારી એમની દીકરી સંભાળે છે, પણ પ્રફુલ્લભાઇ અને નયનાબહેન માટે આ સ્કૂલ એમની જિંદગીની સૌથી નજીકની અને મહત્વની પ્રવૃત્તિ છે, કેમ કે એનાથી એ ભાવિ પેઢીના ઘડતરનું મહત્વનું કામ કરી રહ્યા છે.

એ અર્થમાં નયનાબહેન પોતાની બન્ને દીકરી ઉપરાંત સ્કૂલમાં ભણતા બાળકોના ઉછેર-ઘડતરના કામમાં પરોવાઇ ગયેલાં એટલે લખવાનું કામ અભેરાઇએ ચડી ગયેલું, પણ આમે ય સમય મળે ત્યારે અભેરાઇએ ચડાવેલી ચીજ-વસ્તુઓને નીચે ઉતારીને એના પર જામેલી ધૂળ ખંખેરવાની આપણી પરંપરા છે એટલે એ ન્યાયે એમણે ધ મિડલ પુસ્તક દ્વારા જૂના લેખો પર જામી ગયેલી સમયની ધૂળ ખંખેરી છે!

ના, આ નયનાબહેનની આત્મકથા નથી. એમાં પારિવારિક તસવીરો અને અંગત સંસ્મરણો હોવા છતાં એ અંગત વર્તુળ માટે બનાવેલી કોફી-ટેબલ બુક પણ નથી. એ એક ચોક્કસ સમયકાળનો દસ્તાવેજ છે. સૌથી મહત્વની વાત એ છે કે, આટલા લાંબા અંતરાય પછી એક ગુજરાતી ગૃહિણી આ રીતે પોતાની લેખનની પેશનને-શોખને પુસ્તકરૂપે જીવંત પણ કરી શકે છે!