છેલ્લાં બે મહિનામાં ઓમાનના અખાતમાં, ઈરાન અને સાઉદી અરબ વચ્ચે આવેલી, અરબી સમુદ્ર અને હોર્મુઝની સામુદ્રધૂની વચ્ચેના દરિયામાં બે વાર ઓઇલ ટેન્કર પર હુમલા થયા છે. અખાતના દેશોમાંથી બહાર જતા અનેક ટેન્કરો અહીંથી પસાર થાય છે. ટેન્કર પર હુમલા વધે તે ચિંતાનું કારણ છે. વધારે ચિંતા એટલા માટે થાય કે અમેરિકા ઇરાન સામે નવાજુની કરવાની તાકમાં છે ત્યારે વધુ એક વાર બે ટેન્કરો પર હુમલો ટેન્શન વધારે તેમ છે.
બે ટેન્કરો પર હુમલો થયો તેમાંથી એક જાપાની માલિકીનું છે અને બીજું નોર્વેની માલિકીનું. ગયા મે મહિનાની 12મી તારીખે પણ સાઉદી અરબ અને નોર્વેની માલિકીના ચાર ટેન્કરો પર હુમલો થયો હતો. ગયા ગુરુવારે હુમલો થયો તે પછી અમેરિકાએ ઇરાન સામે આંગળી ચીંધી છે. ઇરાનની બોટ હુમલાની નજીક જોવા મળી હતી તેવો દાવો અમેરિકાનો છે. જોકે ઇરાને હુમલો કર્યાનો ઇનકાર કર્યો છે. પણ બે મહિનામાં બીજા હુમલા પછી ક્રૂડના ભાવમાં ઉછાળો આવ્યો છે અને શિપિંગ ઇન્સ્યૂરન્સમાં પણ રાતોરાત વધારો થઈ ગયો છે.
અખાતનો આ દરિયાઇ વિસ્તાર ખનીજ તેલથી ભરપૂર છે અને દુનિયાભરમાં અહીંથી નિકાસ થતી રહે છે. સાઉદી અરબ ઉપરાંત ઇરાન, ઈરાક, કુવૈત, કતાર, ઓમાન, બહેરીન અને સંયુક્ત આરબ અમીરાતના દેશો માટે આ જ મુખ્ય દરિયાઈ માર્ગ છે. અખાતમાંથી બહાર નીકળતા જહાજો ઓમાનની સામુદ્રધુની પાસે પહોંચે ત્યારે દરિયો સાંકડો થઈ જાય છે. ટેન્કરોએ ત્યાંથી જ પસાર થવું પડે. ઉત્તરમાં ઇરાન સાવ નજીક, જ્યારે દક્ષિણમાં સાઉદી અને ઓમાનની હદ પડે છે. બંને વચ્ચે માત્ર 34 કિમીનો જ દરિયો છે.
આ વિસ્તારમાંથી થતી નિકાસ થતું ત્રીજા ભાગનું ક્રૂડ ઓઇલ અહીંથી જ ટેન્કરોમાં ભરાઈને બહાર જાય છે. એક અંદાજ પ્રમાણે અહીંથી રોજ બે કરોડ બેરલથી થોડું ઓછું ખનીજ તેલ લઈને ટેન્કરો પસાર થાય છે. કતાર વિશ્વનો સૌથી મોટો લિક્વિફાઇડ નેચરલ ગેસનો નિકાસકાર દેશ છે. તે એલએનજીના ટેન્કરો પણ અહીંથી જ પસાર થાય છે.
આ સાંકડી સામુદ્રધુનીમાં ટેન્કર પર હુમલા થતા રહે અને યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થાય તો શિંપિંગ અટકી પડે કે ધીમું પડે. તેની સીધી જ અસર દુનિયાભરની ઉર્જાની માર્કેટ પર પડી શકે છે. ખનીજ તેલ અને કુદરતી ગેસની નિકાસ ઓછી થઈ જાય, તેના ભાવ વધે અને તેની અસર અર્થતંત્ર પર થાય. ક્રૂડનો ભાવ 80 ડૉલરે પહોંચ્યો ત્યારે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવો વધવા લાગ્યા હતા અને મોંઘવારીની બૂમરાણ મચી હતી તે યાદ કરો.
આ વિસ્તારમાં યુદ્ધ થાય તો શું થાય તેનો નમૂનો ઇરાન અને ઈરાક વચ્ચેના ખાડીના યુદ્ધ વખતે મળ્યો હતો. ઓમાનની સામુદ્રધુનીથી દૂર ઇરાન-ઈરાક સરહદે લડાઈ થઈ હતી, તેમ છતાં અખાતમાંથી પસાર થતા વહાણો અને ટેન્કરો ઘટી ગયા હતા અને ચાર વર્ષ સુધી તેની અસર વિશ્વભરને થઈ હતી. 1980ના દાયકામાં ઇરાન અને ઈરાક એકબીજાના ટેન્કરોને અને જહાજોને અખાતમાં ડૂબાડી દેતા હતા. 1981માં ઈરાકે ઇરાનના કેટલાક જહાજો પર હુમલો કર્યો હતો. ત્રણ વર્ષ પછી ઇરાને સામી કાર્યવાહી કરીને ઈરાકના ટેન્કરોને ડૂબાડી દેવાનું શરૂ કર્યું હતું.
ઈરાક અખાતના દૂરના છેડે છે એટલે તેણે હુમલો કરવા માટે વિમાનો મોકલવા પડતા હતા, જ્યારે ઇરાન જમીન માર્ગે હુમલો કરી શકે, કેમ કે સાંકડી 34 કિમીની સામુદ્રધુનીમાંથી બહાર નીકળવા ટેન્કરે ત્યાંથી પસાર થવું જ પડે. ઇરાન દરિયાઇ માઇન્સ, ક્રૂઝ મિસાઇલ્સ અને નેવીના જહાજોમાંથી અને સ્પીડબોટથી તોપમારો કરીને હુમલો કરતું હતું.
1981થી 1987 સુધી અખાતની ખાડીમાં તંગદિલી રહી હતી અને 340 જહાજો પર હુમલા થયા હતા. તેના કારણે 400 નાવિકોના મોત થયા હતા અને 2 કરોડ ટનથી વધારે માલસામાન ડૂબી ગયો હતો. અમેરિકાએ પોતાનું નૌકા દળ 1987માં મોકલીને યુદ્ધને કાબૂમાં લેવાની કોશિશ કરી હતી. 1988માં અમેરિકાના બે જહાજોને પણ ઇરાનની માઇન્સથી નુકસાન થયું હતું. ઇરાનનો દરિયાકાંઠો નજીક જ હોવાથી અહીંથી પસાર થતા કોઈ પણ જહાજ કે ટેન્કરને ડૂબાડી દેવું ઇરાન માટે આસાન હતું. ઇરાન કોઈ પણ દેશોના ટેન્કરો ડૂબાડી દેશે તેવો ભય ઊભો થયો તે પછી જ આખરે વિશ્વના દબાણ સામે ખાડી યુદ્ધનો અંત આવ્યો હતો.
બે મહિનામાં આ જ જગ્યાએ બે વાર ટેન્કરો પર હુમલાને કારણે ફરી 1980ના દાયકાનું ટેન્કર યુદ્ધ ના જાગે તેવી ચિંતા વિશ્વના દેશોએ કરવી પડશે. ભારત ઇરાનથી હજી પણ અમુક પ્રમાણમાં ક્રૂડ આયાત કરે છે. ભારતે જોકે ઇરાનના દરિયાકાંઠે, પણ સામુદ્રધુનીથી બહાર ચાબહર પોર્ટ વિકસાવ્યું છે, પણ અહીં ઊભા થયેલા જોખમની અવગણના કરી શકાય નહિ. ઇરાન સામે અમેરિકાએ ફરીથી પ્રતિબંધો લાદ્યા તે પછી ઇરાનનું વલણ પણ આકરું થઈ રહ્યું છે. ઇરાન ગયા વખતના ટેન્કર યુદ્ધની જેવી જ સ્થિતિ ઊભી કરીને કદાચ અમેરિકા અને તેના સાથી દેશોનું નાક દબાવવા માગે છે. સાઉદી અને ઇરાન વચ્ચે પણ ગરમાગરમી ચાલી રહી છે ત્યારે તેના વધારે ટેન્કરોને ઇરાન નિશાન બનાવી શકે છે. અમેરિકાની હાજરી અફઘાનિસ્તાનમાં પણ હજી છે અને તેના નૌકા દળની હાજરી પણ અહીં વધી શકે છે. તેના કારણે તંગદિલી વધવાની છે.
ઇરાને હુમલો નથી કર્યો તો કોણે કર્યો તે પણ સવાલ છે. અન્ય કોઈ દેશ ટેન્કરો પર હુમલો કરીને ઓમાનની સામુદ્રધુનીના દરિયાઇ માર્ગને જોખમી બનાવે તેનું જોખમ દુનિયાભરના અર્થતંત્ર પર છે. આ બાબતને ધ્યાનમાં રાખઈને જ દબાણ ઊભું કરવા માટે કોઈ દેશ ટેન્કરો પર હુમલા કરી શકે છે. આ દેશની કે દેશોની માગણી શું છે અને ઇરાદો શું છે તે જાણ્યા સિવાય જોખમને ટાળવું પણ મુશ્કેલ છે. ઇરાન દબાણ ઊભું કરવા માગતું હોય તેવું તાર્કિક લાગી શકે છે. ઇરાન પર લાંબા સમયથી આર્થિક પ્રતિબંધોથી તેના વેપાર પર પણ અસર થઈ છે. જોકે અગાઉનો પ્રતિબંધ ઇરાન સહન કરી ગયું હતું અને આ વખતે પણ ભારત, જાપાન, ચીન વગેરે ઇરાનથી વધારે ક્રૂડ આયાત કરવા માગે છે. આ દેશો લાંબો સમય અમેરિકાના પ્રતિબંધોને ચલાવી લે તેમ છે નહિ. તે સંજોગોમાં અરબી સમુદ્રમાં ટેન્કરો પર હુમલા કરીને ઇરાન અથવા અન્ય કોઈ દેશ દુનિયાને મેસેજ આપવા માગે છે તેમ લાગે છે.