શિકાગો-ભારત એક ગરીબ દેશ છે અહીં લોકો ભૂખ્યા અને ગરીબ છે, આ પ્રકારના ડાયલોગ હિન્દી પિક્ચરમાં સાંભળવા મળે છે. પરંતુ હવે આ પ્રકારના ડાયલોગ કદાચ સાંભળવા નહીં મળે, કારણ કે વિદેશમાં વસતાં ભારતીયો હવે પોતાના દેશના ગરીબ બાળકો માટે આગળ આવી રહ્યાં છે અને ભારતના ગરીબ બાળકોને સારું શિક્ષણ અને સારું ભોજન મળી રહે તે માટે વિદેશમાં વસતાં ભારતીય બાળકોને દત્તક લઇ રહ્યાં છે.
અમેરિકા સહિત દુનિયાના ત્રીસ જેટલા વિવિધ દેશોમાં વસતા ભારતીયો ખાસ ‘સેવા’ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ની મદદથી ભારતના ગરીબ બાળકોને દત્તક લઈ તેમને સારું શિક્ષણ અને સારું ભોજન આપી રહ્યાં છે.
સેવા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વર્ષ ૨૦૦૯ થી ભારતના ૪ થી ૧૫ વર્ષના ગરીબ બાળકોને દત્તક લઇ તેમને સારું ભોજન અને સારું શિક્ષણ આપવાનું કાર્ય કરી રહી છે. જેના ભાગરૂપે અત્યાર સુધી સેવા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સંસ્થાએ ભારતના ૩૪૦૦ ગરીબ બાળકોને દત્તક લીધાં છે.
આ સંસ્થા દ્વારા વિદેશમાં વસતાં ભારતીયોને સમજાવીને ભારતના ગરીબ બાળકો માટે ડોનેશન આપવા અનુરોધ કરવામાં આવે છે. સંસ્થા દ્વારા દર મહિને ૨૦ અમેરિકી ડોલર ડોનેશન એક બાળક માટે લેવામાં આવે છે. જેના પગલે વિદેશમાં વસતાં ભારતીયો પોતાના દેશના ગરીબ બાળકોને દર મહિને ૨૦ અમેરિકી ડોલર ખર્ચ કરીને સારું શિક્ષણ અને સારું ભોજન આપી રહ્યાં છે.
સંસ્થાના કોર્ડિનેટર યોગેશ ભાર્ગવ આ અંગે જણાવે છે કે, ભારતમાં કેટલાક રાજ્યોમાં આજે પણ બાળકોને પૂરતું શિક્ષણ નથી મળતું. જેના ભાગરૂપે સેવા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા એક પ્રયાસ શરૂ કરવામાં આવ્યો. જેમાં વિદેશમાં વસતા ભારતીયોને સમજાવીને દેશના ગરીબ બાળકોને દત્તક લઇ તેમને પૂરતું શિક્ષણ આપવામાં આવે.
અત્યાર સુધીમાં આ સંસ્થા દ્વારા કર્ણાટક હૈદરાબાદ મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યોમાં ફૂટપાથ પર વસતાં, તેમ જ રોજિંદું કામ કરીને પોતાનો જીવન નિર્વાહ ગુજારતા એવા ગરીબ લોકોના કુલ ૩૪૦૦ સંતાનોને દત્તક લેવામાં આવ્યા છે. આ દત્તક લીધેલા ગરીબ બાળકો માટે વિદેશમાં વસતાં ભારતીયો પાસેથી દર મહિને માત્ર ૨૦ અમેરિકી ડોલર લેવામાં આવે છે. વિદેશી ભારતીયો પોતાની ઇચ્છા પ્રમાણે બાળકોને દત્તક લઇ ગરીબ બાળકોને સારું શિક્ષણ આપી રહ્યા છે.
આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવો છે. વિદેશની આ સંસ્થા જે ભગીરથ કાર્ય પોતાના ભારત માટે કરે છે. તેને જોતાં ભારતની પણ કંપનીઓ અને સંસ્થાઓ કોઈ ખોટા ઉદ્દેશ અને આશય વગર દેશના ગરીબ બાળકો માટે આવું ભગીરથ કાર્ય કરે, તો આવનારા સમયમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વપ્નનું ભારત સાકાર થશે.
USAથી નીરવ ગોવાણીનો અહેવાલ…