પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગબ્બાર્ડ લડશે પ્રમુખપદની ચૂંટણી

વે સત્તાવાર જાહેરાત થઈ છે. તુલસી ગબ્બાર્ડ, હવાઈ ટાપુ પરથી અમેરિકન સંસદમાં જીતનારા પ્રથમ હિન્દુ અને 37 વર્ષની નાની વયના તુલસી ગબ્બાર્ડ સન 2020માં યોજાનારી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં જંપલાવાના છે. ભારતીયો બહુ ખુશ થઈ જાય તે પહેલાં જણાવી દઈએ કે તુલસી ગબ્બાર્ડ મૂળ ભારતીય નથી. તુલસીના માતા ચૈતન્ય મહાપ્રભુ દ્વારા સ્થાપિત સંપ્રદાયના ભક્ત હોવાથી તેમણે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો અને તેમના સંતાનાઓ પણ તે સ્વીકાર્યો છે. નિક્કી હેલી અને બોબી જિન્દાલ તથા જેવા મૂળ ભારતીય પરિવારના સંતાન, પણ ધર્મ બદલીને ખ્રિસ્તી થનારા નેતાઓ પણ છે. કમલા હેરિસ પણ ચૂંટણી લડવાનું વિચારી રહ્યું છે.

આ બધા વચ્ચે તુલસી ગબ્બાર્ડે સીએનએન ટીવી પરના એક કાર્યક્રમમાં કહ્યું કે તેમણે 2020માં પ્રમુખપદની ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે એકાદ અઠવાડિયામાં તેઓ સત્તાવાર રીતે જાહેરાત કરશે.

તુલસી ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય છે. તેઓ જો ચૂંટણી લડે અને જીતે તો પ્રથમ મહિલા અમેરિકન પ્રમુખ બની શકશે. 37 વર્ષના હોવાથી સૌથી યુવાન પ્રમુખ પણ બનશે. સાથે જ પ્રથમ હિન્દુ પ્રમુખ પણ બની શકે છે. જોકે હજી ઘણા જો અને તો છે, કેમ કે ડેમોક્રેટિક પાર્ટીમાંથી તેમના બીજા હરિફો પણ હશે. ભારતીય રાજકારણથી વિરુદ્ધ અમેરિકામાં રાજકીય પક્ષોમાં વધારે આંતરિક લોકશાહી છે. સૌપ્રથમ તો ડેમોક્રેટિક પાર્ટીમાં જ તેમણે પોતાની ઉમેદવારી પાકી કરાવવી પડે. તે માટે પ્રાયમરી યોજાતી હોય છે. પ્રાયમરી એટલે જુદા જુદા રાજ્યોમાં પક્ષની શાખા હોય તેમાં મતદાન થાય. તેમાં એકથી વધુ દાવેદાર હોય. બધા રાજ્યોમાં પ્રાયમરી થઈ જાય, પછી જે દાવેદારને સૌથી વધારે કાર્યકરોનું સમર્થન મળ્યું હોય તે પ્રમુખપદના ઉમેદવાર બને.

તુલસી ગબ્બાર્ડે હવાઇ ટાપુમાંથી ચૂંટાઈને આવ્યા છે. મજાની વાત એ છે કે તેઓ સેનામાં કામ કરી ચૂક્યા છે. ઇરાકમાં યુદ્ધ દરમિયાન તેમણે ત્યાં કામગીરી બજાવી હતી. અમેરિકામાં સેનામાં કામ કરનારા એ વાતનું ગૌરવ લેતા હોય છે અને તેમને વૉર વેટરન તરીકે માન મળતું હોય છે. નાની વયે અમેરિકન સંસદમાં જીતીને તેમણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એટલું જ નહિ તેમને હાલમાં વિદેશી બાબતોની સમિતિમાં સભ્યપદ પણ મળેલું છે. સંસદમાં ચૂંટાતા પહેલાં તેમણે હવાઈમાં સ્થાનિક ધોરણે પણ ચૂંટણી લડવાનો અને જીતવાનો અનુભવ લીધો હતો.

“અમેરિકાના લોકો સામે અત્યારે બહુ બધા પડકાર ઊભા થયા છે. મને તેની ચિંતા થાય છે અને તે સમસ્યાઓના ઉકેલ માટે હું મદદરૂપ થવા માગું છું,” એવું તેમણે સીએનએનના કાર્યક્રમમાં કહ્યું હતું. જોકે તેમની સામે બીજા ઘણા હાઇ પ્રોફાઇલ દાવેદારો ઊભા થવાના છે. તેમાં ઘણા મહિલાઓ નેતાઓ પણ હશે. ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રથમવાર હિલેરી ક્લિન્ટને ઉમેદવારી કરી ત્યારે અમેરિકાને પ્રથમ મહિલા પ્રમુખ મળશે તેવી શક્યતા ઊભી થઈ હતી. જોકે હિલેરી ક્લિન્ટન જીતી શક્યા નહિ.

ટ્રમ્પ પહેલાં ઓબામા જીત્યા ત્યારે પ્રથમવાર અમેરિકામાં બિનગોરા નેતા જીત્યા હતા. તેથી હવે અમેરિકાને દોઢસો વર્ષના ઇતિહાસમાં પ્રથમ મહિલા પ્રમુખ ક્યારે મળે છે તેની રાહ જોવાઈ રહી છે. તેના માટેનું વાતાવરણ બની રહ્યું છે. તેથી જ આ વખતે એકથી વધુ મહિલા દાવેદારો ચર્ચામાં રહેશે.

ડેમોક્રેટ અને રિપબ્લિક બંને પક્ષોમાંથી ઘણા મહિલા નેતાઓ તૈયારી કરવા લાગ્યા છે. નિક્કી હેલી અને કમલા હેરિસ જેવા ભારતીય મૂળના નેતાઓના નામો પણ ચર્ચામાં છે. સેનેટર એલિઝાબેથ વૉરેને પણ દાવેદારી કરી શકાય કે કેમ તેની ચકાસણી માટે સમિતિની રચના કરી છે. એક નાનકડી આડવાત કે ગબ્બાર્ડે 2016માં પ્રાયમરી વખતે હિલેરી ક્લિન્ટનને સમર્થન આપ્યું નહોતું. તેમણે બર્ની સેન્ડર્સને સમર્થન આપ્યું હતું. આ વખતે બર્ની સેન્ડર્સ પણ દાવેદારી કરવાના છે, ત્યારે તુલસી એ હવે તેમની સામે પણ સ્પર્ધા કરવી પડશે.

ચિત્રલેખાએ બે મહિના પહેલાં પણ અહેવાલ આપ્યો હતો કે તુલસી ગબ્બાર્ડ પ્રમુખપદની રેસ માટે તૈયાર કરી રહ્યા છે. તુલસી વિશે વધુ જાણવા આ લેખ વાંચો…

પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડ અમેરિકાના પ્રમુખપદની રેસમાં?

https://chitralekha.com/features/international-features/tulsi-gabbard-considering-to-run-for-american-presidency-in-2020/