ગપસપ ડોલરિયા દેશની…
દેશમાં તમે જેને કેમિસ્ટની દુકાન કહો છો એને ડૉલરિયા દેશમાં ડ્રગ સ્ટોર કહે છે. ડૉક્ટરે લખેલું પ્રિસ્ક્રિપ્શન તમે ફાર્મસિસ્ટને આપો એટલે તરત જ તમને દવા હાથમાં ન આપે. અહીંના રિવાજો અલગ છે. ફાર્મસિસ્ટ કહે એ સમયે પાછું દવા લેવા જવાનું. તમે જાવ એટલે એ દવા વિશે જરૂરી સૂચના આપે અને પૂછે પણ કે તમને કોઈ સવાલ છે આ દવા વિશે.
મોટા ભાગે દરેક ડ્રગ સ્ટોરમાં ડ્રાઈવ-થ્રુ સેવા હોય છે એટલે કારમાંથી ઊતર્યા વગર જ કામ પતાવી શકો. જો કોઈ કારણસર તમે કાર પાર્ક કરીને ડ્રગ સ્ટોરમાં એન્ટર થાવ તો તમને ચોક્કસ ચોરસ ચક્કર આવે. આવા દરેક સ્ટોરમાં ફાર્મસી ડિપાર્ટમેન્ટ પાછળ હોય. ત્યાં પહોંચવા તમારે આખો સ્ટોર ઓળંગવો પડે. ત્યારે તમારી નજર સ્ટોરમાં ઠવેલી અન્ય વસ્તુઓ પર પડે. જેના પર લખેલાં નામ અને કામ વાંચીને તમારું મગજ ઓવર ટાઈમ કરે.
જેમ આપણાં શાસ્ત્રમાં ભગવાનનાં મલ્ટિપલ નામ હોય છે એમ જ આવા સ્ટોરમાં ઘણી બધી આઈટેમ્સ એકથી વધુ નામે શોભતી હોય છે. અમુક દવા માટે પ્રિસ્ક્રિપ્શનની જરૂર નથી હોતી. તમારે જાતે જ ડૉક્ટર અને ફાર્મસિસ્ટનો ડબ્બલ રોલ કરીને ખરીદી લેવાની હોય છે. જો તમને શરદી થઈ હોય તો એક જ કંપનીની જુદી જુદી ચાર દવા હોય, જેમાં લખ્યું હોય… (૧) શરદી અને ઉધરસ માટે, (૨) શરદી અને ગાળાના દુખાવા માટે, (૩) શરદી અને તાવ માટે, (૪) શરદી અને આંખમાંથી પાણી નીકળતું હોય એ માટે…
તમે ત્યાં ઊભા રહીને વિચારો કે ફક્ત શરદી માટે આમાંથી કઈ સારી? એટલું વિચારતા માથું દુખવા માંડે, પણ શરદી અને માથાના દુખાવાની ભેગી દવા ત્યાં ન હોય અને એકલા માથાનો દુખાવો મટાડવાની દવા શોધવા જઈએ ત્યાં આવો જ નવો અધ્યાય આંખો સામે આવે. માંડ માંડ મગજ ઠેકાણે આવે ત્યારે એ જ દવાઓમાં છુપાયેલાં બીજાં અનેક ઑપ્શન્સ પ્રશ્ર્ન પે આવે, જેમ કે ટેબ્લેટ્સ, કેપ્લેટ્સ, જેલટેબલેટ્સ, કોટેડ કેપ્લેટ્સ, જેલકેપ્લેટ્સ, લિક્વિડ
કે પછી ડ્રોપમાં આવે એમાંથી કઈ દવા જોઈએ છે?!
ડ્રગ સ્ટોરનાં દરેક સેક્શનમાં ફરતાં આપણે અમુક દવા અને અમુક શારીરિક પ્રોબ્લેમ વિશે કેટલા અજ્ઞાની છીએ એનું જ્ઞાન થાય. મારા જેવા ભુલક્કડ માટે ત્યાં દવા લેવાની ડબ્બીઓ મળે, જેમાં મન્ડે-ટ્યુસડે, વગેરે લખેલી અઠવાડિયા માટેની સાત ખાનાંની ડબ્બી હોય. મહિના માટેની ૩૧ ખાનાવાળો ડબ્બો પણ હોય (ઘણા લોકો એમાં બુટ્ટીઓ ભરે) પાછા એમાં પણ સેક્શન હોય: સવારે, બપોરે અને સાંજે લેવાની દવા માટે! જેમ ઘરમાં એલેક્સા તમારી સેવામાં હાજર હોય એમ જ હવે દવા માટેનાં મશીન બન્યાં છે, જેમાં અઠવાડિયાની દવા ભરી દેવાની અને ટાઈમ સેટ કરી દેવાનો. બરાબર ટાઈમે એમાં મંદિરની જેમ આખા ઘરમાં સંભળાય એમ ઘંટ વાગે કે દવા લો. પાંચ મિનિટમાં ત્રણ વાર વાગે અને તમે ન લો તો સ્કૂલના પ્રિન્સિપાલ જેવી કડક સૂચના સંભળાય કે દવા લઈ લો. એમ કરતાં પણ દવાની ડબ્બી ન લીધી તો તમારા ઘરના કોઈ બે સભ્યને ફોન જાય કે આમણે આજે દવા લેવામાં ગલ્લાંતલ્લાં કર્યા છે તો તપાસ કરો!
દવા સિવાય પણ ડ્રગ સ્ટોરમાં ઘણું બધું મળે. એ પણ એટલું જ કન્ફ્યુઝ કરે. દાખલા તરીકે, ટુથપેસ્ટ. આપણા દાંત ભલે ૩૨ હોય, પણ ટુથપેસ્ટ અલગ અલગ ૩૬ ગુણોથી ભરપૂર વેચવા મૂકે, જેમ કે દાંત સફેદ કરવાં માટે, સેન્સિટિવ દાંત માટે, બેકિંગ સોડાના ગુણવાળી, ટાર્ટર કન્ટ્રોલ કરે એવી, મોઢાની દુર્ગંધ રોકે એવી, કેવિટીસ ન થાય એવી. તમારા દાંતને મૅચ થાય એવી ટુથપેસ્ટ શોધો ત્યાં બધી ફ્લેવર પર નજર જાય. મિન્ટ, વેનીલા, તજ, લેમન, ઑરેન્જ, આઈસી મિન્ટ, વગેરે ફ્લેવર્સ જોઈને બીજી પાંચ મિનિટ ત્યાં ઊભા રહીને મનમાં દાંતને પૂછીએ કે તને કઈ ફ્લેવર ભાવે છે?
જોઈન્ટ ફૅમિલીમાં રહેતા લોકોને મહિનામાં બે વાર દવા લેવા ડ્રગ સ્ટોરમાં જવાનું થાય ત્યારે એમની હાલત કેવી થતી હશે એનો હિસાબ લગાવો. તાવ, એલર્જી, માથામાં, પેટમાં કે આખા શરીરમાં દુખવાની દવા, ફ્લ્યુ, ડાયેરિયા, કોન્સસ્ટિપેશન, ઊલટી, વગેરેની દવાઓ એ સ્ટોરમાંથી જાતે લેવાની. એનો મતલબ કે સ્ટોરમાં જઈને એ દવા પર પીએચ.ડી. કરવાનું. પછી ઘરે બેઠેલી બીમાર વ્યક્તિને પૂછવાનું: તારા ગળામાંથી કેવા શેપની અને કયા ફ્લેવરની દવા સડસડાટ ઊતરશે? આમ જોઈએ તો ડૉક્ટરે લખી આપેલી દવા લેવી સરળ છે, પણ હજુ સુધી એ નક્કી નથી કરી શકાતું કે ડૉક્ટરની ફીના ડૉલર્સ આપવા સહેલા છે કે સ્ટોરમાં જઈને દવાનું ફૅમિલી-ટ્રી વાંચવું!
ડ્રગ સ્ટોરવાળા આપણને ઘરે જતાં સુધી વિચારોમાં એવા જકડી રાખે કે ઘરે જઈને આપણે પણ એમની અસર હેઠળ બોલવા માંડીએ. રોજ સાદીસીધી રોટલી બનાવીને બધાને આપતા હોઈએ, પણ એ દિવસે અચાનક જ પુછાઈ જાય: કેવી રોટલી લેશો? ઘઉંની, મલ્ટિગ્રેઈનની, ઘીવાળી, ઘી વગરની, જાડી કે પાતળી?!
અહેવાલઃ ધૃતિકા સંજીવ (ન્યુ જર્સી)