બહેરીનનું 200 વર્ષ જૂનું મંદિર ભાટિયા વેપારીઓએ સ્થાપેલું

હેરીનના મનામા ખાતે આવેલું શ્રીનાથ મંદિર 200 વર્ષ જૂનું છે. તેનો જિર્ણોદ્ધાર ભવ્ય રીતે થશે તે સમાચારોએ ઘણાને કૂતુહલ થયું હશે કે ગલ્ફના દેશોમાં આટલું જૂનું મંદિર ક્યાંથી. હકીકતમાં બીજું એક 100 વર્ષ જૂનું મંદિર દુબઈમાં પણ છે. મનામામાં શ્રીનાથ મંદિરની નજીકમાં જ ચાલીને જવાય એટલે દૂર સ્વામીનારાયણ મંદિર પણ બનેલું છે. શ્રીલંકાનું સાંસ્કૃત્તિક કેન્દ્ર પણ આસપાસમાં જ છે. ચર્ચ પણ છે અને યહુદીના સ્થાનો પણ છે.

બહેરીનમાં આવું જોઈને નવાઈ ના લાગવી જોઈએ, કેમ કે સદીઓથી બહેરીન અને ગલ્ફના દેશો વેપારના કેન્દ્રો રહ્યા છે. અરબી વેપારીઓ આખી દુનિયામાં ફરતા હતા. ભારતના વેપારીઓ, સિંધ અને કચ્છના વહાણવટીઓ આખી દુનિયામાં ફરતા હતા. આખી દુનિયા એટલે ત્યારે પૂર્વમાં ઇન્ડોનેશિયા અને મલેશિયાથી આગળ વધીને ચીન સુધી અને પશ્ચિમમાં અરબ દેશો અને આફ્રિકા સુધી. આ જ વહાણવટું આગળ વધીને યુરોપ સુધી પહોંચ્યું હોત તો કદાચ વિશ્વના સામ્રાજ્યનો ઇતિહાસ જુદો હોત. દરિયા માર્ગે આ વેપાર ઉપરાંત સિલ્ક રૂટ તરીકે ઓળખાતા જમીન માર્ગે પણ ભારત અને ચીનનો વેપાર યુરોપ સુધી પહોંચતો હતો. વેપારીઓ વેપાર કરવા સાથે વિશ્વના જુદા જુદા સ્થળોએ સ્થાયી પણ થવા લાગ્યા હતા. તેના કારણે જ સિંધમાંથી વેપાર કરવા માટે બહેરીન ગયેલા ભાટિયા સમાજે આ મંદિર 200 વર્ષ પહેલાં સ્થાપ્યું હતું.

મનામા સૉક એવી રીતે આ વિસ્તારને ઓળખવામાં આવે છે. સૉક એટલે બજાર અથવા વેપારનું કેન્દ્ર. શ્રીનાથ મંદિર અને સ્વામીનારાયણ મંદિરની આસપાસ ભારતીય સોનીઓ અને ઝવેરીઓના ગોલ્ડ સૉક આવેલા છે. મૂળે તો બહેરીનના મોતીનો વેપાર કરવા માટે ભાટિયા વેપારી ત્યાં ગયા હતા. સાથે જ સોનાનો પણ વેપાર કરતા થયા હતા. થટ્ટાઇ ભાટિયા સમાજનું ટ્રસ્ટ મંદિર ચલાવે છે. થટ્ટાઇ ભાટિયા એટલે કરાચી પાસે આવેલા થટ્ટા ગામના ભાટિયા. સિંધ અને કચ્છથી ભાટિયા વેપારીઓ અહીં મોતીનો વેપાર કરવા સ્થાયી થઈ હતા. આ વેપારી કોમની જહેમતને કારણે બહેરીનનો વેપાર વધ્યો હતો. તેના કારણે તે વખતના શાસકો શેખ અબ્દુલ્લા બિન અહમદ અલ ખલિફા, શેખ સલમાન બિન અહમદ અલ ખલિફા અને શેખ ખલિફાન બિન સલમાન અલ ખલિફાએ કૃષ્ણનું મંદિર બનાવવાની પરવાનગી આપી હતી.

1800થી જ વસવાટ શરૂ થયો હતો. 60 વર્ષ પછી ગ્વાદર બંદરેથી પણ ઘણા સિંધી વેપારીઓ અહીં આવીને વસ્યા હતા. ગ્વાદર અત્યારે મોટું બંદર બની રહ્યું છે. તે જમાનામાં તેના પર ઓમાનના શેખનો કબજો હતો. બહેરીનમાં રહીને ઇરાક અને યેમન સુધી વેપાર થઈ શકતો હતો એટલે 1900ની શરૂઆતમાં વધારે ભાટિયા પરિવારો અહીં વસી ગયા હતા. આ રીતે વસતિ વધતી રહી હતી. નવાઈ લાગશે કે બહેરીનની બારેક લાખની વસતિ છે, તેમાં ચાર લાખ તો ભારતીયો છે. કેરળના લોકોની વસતિ વધારે છે, પણ ભાટિયા અને સોની પરિવારોની સંખ્યા પણ મોટી છે.

થટ્ટાઇ ભાટિયામાં કેવલરામ અને મુલજીમલ પરિવારોની સંખ્યા વધારે છે. મંદિરના ટ્રસ્ટના ચેરમેન તરીકે પણ મુલજીમલ પરિવારના વારસદાર સુશિલ મુલજીમલ છે. બહેરીન ઉપરાંત બર દુબઈમાં પણ વેપારીઓ વસ્યા હતા. ભારતના વેપારીઓ જ્યાં વસ્યા હતા તે વિસ્તારને સૉક અલ બનિયાં કહેવાતું હતું. વાણિયાઓની બજાર ટૂંકમાં. તે બહુ મોટી કાપડ બજાર બની હતી. 1820ના દાયકા સુધીમાં ભારતીયોની વસાહત ગલ્ફના દેશોમાં ઘણી થઈ ગઈ હતી. તે વખતે હજી ક્રૂડ ઑઈલની શોધ થઈ નહોતી. આવકનું સાધન આ વિદેશ વેપાર હતો. તેના કારણે વેપારીઓને આવકાર મળતો હતો અને તેમને મૂર્તિપૂજા માટે મંદિરોની સ્થાપનાની પણ આ રીતે મંજૂરી મળી ગઈ હતી.

હોળી અને દિવાળી જેવા તહેવારે મંદિરે 10,000થી વધુ શ્રદ્ધાળુઓ એકઠા થતા હોય છે. અલ ખલિફા શેખ પરિવારના રાજવી સભ્યો પણ દિવાળીએ મંદિરની મુલાકાતે આવે છે. તેઓ આસપાસમાં જ વસતા વેપારીઓના ઘરે મહેમાનગતિ પણ માણે છે. ભૂતકાળમાં અટલ બિહારી વાજપેયીએ પણ આ મંદિરની મુલાકાત લીધી હતી. આ વર્ષની શરૂઆતમાં 200મી જયંતિની ઉજવણીની શરૂઆત થઈ ત્યારે બ્રિટનના રાજપરિવારના પ્રિન્સ એન્ડ્રૂ મહેમાન હતા. પ્રિન્સ ચાર્લ્સ સહિત ઘણા વિદેશી મહાનુભાવો મંદિરે આવી ચૂક્યા છે. વિદેશી મહાનુભાવો બહેરીનની મુલાકાતે આવે ત્યારે તેમના પ્રવાસમાં શ્રીનાથ મંદિરનો સમાવેશ થતો હોય છે. મંદિરના ટ્રસ્ટીઓ અને ભક્તોનો વિદેશ વેપાર બહોળો છે. તેના કારણે દેશવિદેશમાં તેમના સંપર્કો હોય છે અને તેથી જ વિદેશી મહેમાનો અહીં આવતા રહે છે. બહેરીનના વર્તમાન શાસકોને પણ આ ગમતી વાત છે અને એટલે જ મંદિરનો વિસ્તાર વધારવા સહિત જિર્ણોદ્ધારની મંજૂરી સહેલાઈથી મળી ગઈ છે.

ગલ્ફ ન્યૂઝ સાથે કામ કરતા સ્થાનિક ભારતીય પત્રકારે મંદિરના પૂજારી સાથે વાત કરી ત્યારે તેમને બીજી પણ એક નવી વાત જાણવા મળી હતી. મંદિરના પરિસરમાં જ મોટો હોલ પણ બનાવેલો છે. અહીં ધાર્મિક તહેવાર હોય ત્યારે ઉજવણી થાય, ઉપરાંત લગ્ન પ્રસંગે વાડી તરીકે પણ આ સ્થળનો જ ઉપયોગ થાય. પૂજારી કહે છે કે દર વર્ષે અહીં બે કે ત્રણ લગ્નો યોજાતા હોય છે. પરંતુ આ મંદિરમાં લગ્ન યોજવા તેને ડેસ્ટિનેશન વેડિંગ ગણવાના ચલણને કારણે ઘણા ભારતીયો બહારથી અહીં આવીને લગ્ન કરે છે. તેના કારણે આ વર્ષે 15 લગ્ન સમારંભ યોજાઈ ચૂક્યા છે. દિલ્હીમાં WOW એવોર્ડમાં બહેરીનના કૃષ્ણ મંદિરને ભવિષ્યનું ડેસ્ટિનેશન વેડિંગનું આકર્ષક સ્થળ ગણાવાયું હતું તેનો પણ ફાયદો થયો  હશે.

નવું મંદિર વધારે મોટું અને નિવાસની સગવડ સાથે તૈયાર થવાનું છે. તેના કારણે દુબઈ સુધી ફરવા આવતા ભારતીયો માટે આ મંદિર અને મનામા સૉક પણ ફરવાનું સ્થળ બની શકે છે. બહેરીનના મોતીના ઘરેણાં વેચતા ભારતીય ઝવેરીઓની અનેક દુકાનો આ વિસ્તારમાં છે. ભાટિયા વેપારીઓ બહેરીન ઉપરાંત સંયુક્ત આરબ અમિરાતના લગભગ બધા મુખ્ય ટ્રેડિંગ સેન્ટરમાં વસ્યા છે. હવે માત્ર મોતીનો વેપાર નથી, પણ કોમોડિટી સહિતની વસ્તુઓનું ટ્રેડિંગ થાય છે. અનાજ, ખાદ્યતેલ, ખાંડ, ટેક્સટાઇલ જેવી વપરાશી વસ્તુઓની માંગ ગલ્ફમાં વધી છે, કેમ કે અહીં કામ માટે આવેલા લોકોની વસતિ ઘણી મોટી થઈ છે. આ બધા વેપારમાં જૂના ભાટિયા અને સિંધી વેપારી અગ્રેસર છે. 200 વર્ષ પહેલાં શ્રીનાથ મંદિર બન્યું, 100 વર્ષ પહેલાં દુબઈમાં હવેલી બની હતી. દુબઈમાં બીજું ગુરુ મંદિર 1958માં બન્યું હતું. છેલ્લા થોડા દાયકામાં સ્વામીનારાયણ મંદિરો પણ બન્યા છે. હવેલી અને ગુરુ મંદિર દુબઈ મ્યુઝિયમની નજીક જ બનેલા છે.

ગલ્ફના દેશોમાં મંદિરોનું આપણે આશ્ચર્ય વ્યક્ત કરીએ ત્યારે એ પણ યાદ રાખવું જોઈએ કે ભારતે સદીઓથી બધા ધર્મના લોકોને પોતાના ધર્મસ્થાનો બાંધવા દીધા છે. ઇસુ ખ્રિસ્તના 12 શિષ્યોમાંથી એક થોમસ કેરળ આવ્યા હતા અને તેમણે અહીં એશિયાનું પ્રથમ ચર્ચ બાંધ્યું હતું. યહુદી ધર્મના મંદિરો ભારતમાં એકથી વધારે સ્થળે છે. પારસી અગિયારીની જ્યોત આજેય ગુજરાતમાં અખંડ છે. અરબ વેપારીઓની મસ્જિદો કેરળમાં અને ખંભાતમાં બની હતી. આ ધર્મસ્થાનો મુસ્લિમ શાસન કે ડચ, વલંદા અને અંગ્રેજોનું શાસન આવ્યું તે પહેલાં બની ચૂક્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]