એક સમયે મંગળ ગ્રહ આપણી ધરતી પર રહેલાં આર્કટિક મહાસાગર કરતાં પણ વધુ મોટો દરિયો ધરાવતો હતો! તેમજ નદી અને તળાવનું પણ ત્યાં અસ્તિત્વ હતું!
જો કે, મંગળ ગ્રહ અત્યારે વર્તમાન સમયમાં અત્યંત સૂકો અને ઠંડો રણ પ્રદેશ ધરાવે છે! મંગળની જમીન પર સૂકી થઈ ગયેલી નદીની કોતરો તેમજ સરોવરોની સૂકી જમીન જોવા મળી છે. આ કોતરો તેમજ સૂકી જમીન પરથી વહી રહેલાં પવનનો અભ્યાસ એવું સૂચવે છે કે, અબજો વર્ષ પહેલાં મંગળ ગ્રહ પર પાણી હતું! જેમાંથી 10% જેટલું પાણી મંગળ ગ્રહના ધ્રુવીય પ્રદેશની સપાટી પર જામી ગયેલું છે.
કયા કારણે મંગળ ગ્રહ વિશાળ રણપ્રદેશમાં ફેરવાઈ ગયો?
અગાઉના સંશોધનથી એવો સંકેત મળ્યો કે, મંગળ ગ્રહ પર ઉપસ્થિત પાણી અવકાશમાં અલોપ થઈ ગયું છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગને કારણે મંગળ પરના વાતાવરણમાંથી પાણીનું વિઘટન ઓક્સિજન તેમજ હાઈડ્રોજનમાં થઈ ગયું, તેમજ મંગળનું ગુરૂત્વાકર્ષણ બળ ઓછું હોવાથી એટલે કે, પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ બળની તુલનામાં ફક્ત 40% હોવાથી અને હાઈડ્રોજન વાયુ હલકા વજનનો ગુણધર્મ ધરાવતો હોવાથી, તેની ગતિ અવકાશ તરફ થઈ ગઈ.
અમેરિકાની અવકાશ સંશોધન સમિતિ ‘નાસા’એ એના ‘મેવેન’ સ્પેસક્રાફ્ટ દ્વારા (MAVEN – Mars Atmosphere and Volatile Environment spacecraft) મંગળ પર અદ્રશ્ય થયેલાં વાતાવરણ તેમજ પાણી વિશે એક મહત્વનું સંશોધન કર્યું છે.
જેમ પૃથ્વીના ધ્રુવીય પ્રદેશોમાં રાત્રિના સમયે આકાશમાં રંગબેરંગી લાઈટ્સ ઝળકે છે, જેને ‘પ્રોટોન ઓરોરા’ કહે છે. આ લાઈટ્સ ‘નોર્ધન લાઈટ્સ’ તેમજ ‘સધર્ન લાઈટ્સ’ તરીકે પણ ઓળખાય છે. આ ‘પ્રોટોન ઓરોરા’ મંગળ ઉપર પણ ઝળકે છે, એવું વર્ષ 2016માં ‘મેવેન’ દ્વારા સંશોધન થયું.
મંગળ પર ઝળકનારી આ લાઈટ્સ દિવસ દરમ્યાન જ જોવા મળે છે. વળી, આ લાઈટ્સ અલ્ટ્રાવાયલેટ (પારજાંબલી) પ્રકાશ પણ ફેંકે છે. આ અલ્ટ્રાવાયલેટ પ્રકાશ માનવ આંખો જોઈ નથી શકતી. પણ ‘મેવેન’ પર લાગેલા સાધન ‘આઈયુવીએસ’ (Imaging UltraViolet Spectrograph)માં આ લાઈટ્સ ઝીલાઈ ગઈ. જેથી તેના અસ્તિત્વની જાણ થઈ.
યુએસની એમ્બ્રી-રીડલ એરોનોટિકલ યુનિવર્સિટીના એન્ડ્રીઆ હ્યુઝ જણાવે છે કે, ‘મેવેન/આઈયુવીએસ તરફથી મળેલાં આ ડેટાના સંશોધન થકી એક બાબત સામે આવી છે કે, મંગળ ઉપર જેમ જેમ પ્રોટોન ઓરોરાના અસ્તિત્વ તેમજ તીવ્રતામાં વધારો થતો ગયો, તેમ તેમ મંગળ પરનું વાતાવરણ ઘટતું ગયું‘
કોલોરાડો બોલ્ડર યુનિવર્સિટીના પ્લેનેટરી વૈજ્ઞાનિક માઈક ચાફિન કહે છે, ‘સંશોધકોને અંદાજ એમ હતો કે, મંગળ ઉપર પ્રોટોન ઓરોરા ભાગ્યે જ બનતાં હશે. પણ નવા સંશોધનથી જણાયું છે કે, ગ્રહના દક્ષિણ ભાગના ઉનાળામાં દિવસ દરમ્યાન આ ઘટના અવારનવાર બનતી હોય છે.’
આ પરથી એક વાતનું સમર્થન થયું કે, મંગળ પર સૂકી થઈ ગયેલી જમીન પરની ધૂળની રજકણો તેમજ ઉનાળાને કારણે વધતી ગરમીને કારણે પાણીનું બાષ્પમાં રૂપાંતર થવું. તેમજ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગને કારણે એનું ઓક્સિજન તેમજ હાઈડ્રોજનમાં વિભાજન થઈ જવું એ નિયમિત પ્રક્રિયા છે. આ હાઈડ્રોજનના ઘન વાદળા વાતાવરણમાં બનતાં રહે છે. આમ, પ્રોટોન ઓરોરાનું નિર્માણ સતત થતું હોવાને કારણે મંગળની જમીન તેમજ વાતાવરણમાં પાણી ઘટવાની પ્રક્રિયા પણ ચાલી જ રહી છે.
એમ્બ્રી–રીડલ એરોનોટિકલ યુનિવર્સિટીના એન્ડ્રીઆ હ્યુઝ વળી કહે છે, ‘જે દિવસે આંતરગ્રહીય સહેલગાહ યાત્રાઓ શક્ય બનશે. ત્યારે મંગળ ગ્રહના દક્ષિણે ઉનાળાના સમયે સહેલાણીઓ આવીને મંગળ પરની રંગબેરંગી લાઈટ્સ (પ્રોટોન ઓરોરા)ને પહેલી હરોળમાં બેસીને દિવસ દરમ્યાન પણ નિહાળી શકશે! અલબત્ત, અલ્ટ્રાવાયોલેટ-સેન્સિટીવ ગોગલ્સ પહેરીને જ વળી!’