હોંગકોંગની સમસ્યાઃ એકલ નારીએ વધાર્યાં પ્રોપર્ટીના ભાવ

હોંગકોંગ ચીનના કબજામાં આવી ગયું છે, પણ ચીને આ વિસ્તારમાં બહુ મોટા પાયે ફેરફારો નથી કર્યા. આર્થિક ગતિવિધિ અને વેપાર ધંધાનું કેન્દ્ર બની રહે તે માટે હોંગકોંગને પોતાની રીતે ચાલવા દીધું છે. તેના કારણે હોંગકોંગ ઘણા અંશે જૂની ઢબે સચવાઈ રહ્યું છે, પણ શહેરીકરણ અને આધુનિકીકરણની બીજી સમસ્યાઓ તેને નડી રહી છે ખરી. તેમા એક ટિપિકલ સમસ્યા ઊભી થઈ છે મકાનોના વધી રહેલા ભાવો. નાનો એવો ફ્લેટ લેવો પણ મુશ્કેલ બની રહ્યો છે અને જૂની વસતીએ જૂનો વિસ્તાર છોડીને, ઘણા કિસ્સામાં હોંગકોંગ છોડીને ચીનના ઇન્ટિરિયર વિસ્તારમાં રહેવા જતું રહેવું પડે છે.

તેની પાછળના કારણોની તપાસમાં એક રસપ્રદ તારણ એ નીકળ્યું છે કે હોંગકોંગના જૂના વિસ્તારોનું નવીનીકરણ થાય ત્યારે સમગ્ર માહોલ ફરી જાય છે. જૂના રહેવાસીઓની જગ્યાએ વધુ કમાતાં લોકો આવી જાય અને જીવનશૈલી મોંઘી બની જાય. ખાસ કરીને એકલી રહેતી અને સારું કમાતી યુવાન નારીઓ નાના મકાનો ખરીદી લે છે અને તેની ઊંચી લાઇફસ્ટાઇલને કારણે પડોશીઓને પણ અસર થાય. ભારતમાં પણ મુંબઈ, સૂરત, અમદાવાદ જેવા શહેરોમાં એકસમાન શાકભાજીના ભાવો જુદા જુદા વિસ્તારોમાં કેટલા જુદા હોય છે તેનો અનુભવ આપણને છે. એક જગ્યાએ ઇસ્ત્રીવાળો ત્રણ રૂપિયા લે, બીજી જગ્યાએ પાંચ રૂપિયા લે અને કોઈક જગ્યાએ એક કપડાંના 10 રૂપિયા પણ લે તેવું આપણે જોયું છે.

નવીનીકરણ એટલે રિડેવલપમેન્ટ. જૂની ઈમારત તોડી પાડીને તેની જગ્યાએ નવી બિલ્ડિંગ બને. ઝૂંપડપટ્ટી નિવારણ માટે મુંબઈમાં તથા એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ માટે ગુજરાતમાં યોજનાઓ આવી તે પછી સૂરત અને અમદાવાદમાં પણ ઘણી બધી જૂની ઈમારતો તોડી પાડીને તેની જગ્યા નવા મકાનો બને છે. જૂની સોસાયટી બિલ્ડર આખેઆખી ખરીદી લે. કર્મશિયલ બનાવવું હોય તો બધાને મોટી રકમ ચૂકવે અને રહેણાંક સ્કીમ હોય તો જૂના ફ્લેટ માલિકોને નવા અને થોડા મોટા ફ્લેટ મળે. વધારાની એફએસઆઇથી વધારાના ફ્લેટ બન્યા હોય તે સારા ભાવે વેચીને બિલ્ડર નફો કરે.

રિડેવલપમેન્ટને કારણે આખેઆખા વિસ્તારનો નકશો ફરી જાય તેવું હજી આપણે ત્યાં થયું નથી, પણ ભવિષ્યમાં થઈ શકે છે. હોંગકોંગમાં તેવું થવા લાગ્યું છે. જોકે અભ્યાસ દરમિયાન સૌથી રસપ્રદ બાબત એકલી રહેતી અને વધારે કમાતી નારીઓની વાત ધ્યાન ખેંચનારી બની હતી. સિંગાપોરની જેમ હોંગકોંગમાં પણ નવી નવી ગગનચૂંબી ઇમારતો બનતી જાય છે, પણ તેમાં એક બેડરૂમનો ફ્લેટ લેવો પણ મોંઘો બનતો જાય છે. પારીસ પણ એવું જ શહેર છે કે નવી ઇમારતોમાં ફ્લેટ બહુ મોંઘો પડે. અમેરિકામાં જગ્યાની છૂટ છે, છતાં સાન ફ્રાન્સિસ્કોમાં મકાનો મોંઘા બની રહ્યા છે. સરેરાશ કિંમત 15 લાખ ડૉલરની થઈ હોય ત્યારે મકાન ખરીદવું આઇટીના એન્જિનિયર માટે પણ બહુ મોંઘું હોય છે.

હોંગકોંગમાં થયેલા સર્વેમાં એવો ખ્યાલ આવ્યો છે કે મકાનો ખરીદી શકે તેમ ન હોવાથી ઝૂંપડપટ્ટી જેવી સ્થિતિમાં રહેતા પરિવારોની સંખ્યા 90,000ને વટાવી ગઈ છે. મુંબઈમાં લાખો લોકો ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય છે એટલે આપણને નવાઈ ન લાગે, પણ આ આંકડો હોંગકોંગ માટે મોટો છે. હોંગકોંગમાં શહેરીકરણ અને રહેઠાણની સમસ્યાનું સંશોધન કરનારામાંથી કેટલાકને લાગ્યું એક પરિબળ તરફ બહુ ધ્યાન ગયું નથી. તે પરિબળ છે હાલના સમયમાં હોંગકોંગમાં એકલી રહેતી નારીની વધેલી સંખ્યા. કરિયર બનાવવા માગતી યુવતીઓ મોટી ઉંમર સુધી લગ્ન કરતી  નથી. સાંસ્કૃતિક પરિવર્તનોને કારણે વધુ મોટી ઉંમર સુધી કુંવારા રહી શકાય તેવું શક્ય બન્યું નથી. કેટલીક યુવતીઓ કદાચ ક્યારેય લગ્ન નહીં કરે. છૂટાછેડાનું પ્રમાણ પણ વધ્યું છે. જુદા જુદા અભ્યાસોના આંકડાં પરથી એવું તારણ કઢાયું છે કે 1950થી 1990 સુધીમાં રૂઢિચૂસ્ત ગણાતા એશિયામાં પણ એકલી રહેતી યુવતીઓની સંખ્યામાં ચાર ગણો વધારો થયો હતો. 2.2 કરોડથી વધીને 8.2 કરોડ યુવતીઓ એકલી રહેતી હતી તેવો અંદાજ હતો. તે વખતે ચીનના આંકડાં આમાં સમાવાયા નહોતો, કેમ કે સહેલાઇથી આંકડાં ઉપલબ્ધ નહોતા. પરંતુ તેમાં હોંગકોંગના આંકડા હતા ખરા. તે પછી બીજા ત્રણ દાયકા થવા આવ્યા છે, ત્યારે આ સંખ્યા ત્રણગણી કરતાંય વધી હશે તેવું અનુમાન છે.

27 વર્ષની ઉંમર પછીય કુંવારી રહેલી યુવતી માટે હોંગકોંગની ચીની ભાષામાં શબ્દ હતો ‘શેન્ગ નુ’, જેનો અર્થ થાય પરણ્યા વિના ‘રહી ગયેલી નારી’. જમાનો બદલાયો અને કુંવારાપણું સ્વતંત્રતા મનાવા લાગ્યું તે પછી વધારે સારો શબ્દ પ્રચલિત બન્યો હતો – ઝિંગ નુ એટલે કે ખીલી રહેલી નારી. આ ફેરફારોથી માત્ર સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યાં તેવું નથી. આ પરિવર્તનોને કારણે આર્થિક અસરો પણ થઈ છે તેમ સંશોધકોને હવે લાગે છે. ખાસ કરીને હોંગકોંગમાં મકાનો મોંઘા થયું તેનું એક કારણ એકલી અને કમાતી નારી છે તેમ માનવામાં આવે છે.

1986થી 2006 દરમિયાન હોંગકોંગમાં જૂના વિસ્તારોમાં જૂની ઇમારતો પાડીને ત્યાં નવી ઇમારતો બની હોય ત્યાં પણ સર્વે કરવાાં આવ્યા હતા. તેના પરથી ખ્યાલ આવ્યો કે હોંગકોંગના 34 ટકા જેટલા વિસ્તારો રિડેવલપમેન્ટને કારણે તદ્દન બદલાઈ ગયા છે. વિસ્તાર આધુનિક થઈ જાય, પણ ત્યાં વર્ષોથી રહેતા લોકોએ દૂર જતું રહેવું પડ્યું હોય તેવું જોવા મળ્યું છે. જૂના વિસ્તારોમાં ભાડેના મકાનો વધારે રહેતા હતા. નવા વિકાસ પછી માલિકીના મકાનોનું પ્રમાણ વધ્યું હતું. 1986માં આ વિસ્તારમાં 45.5% લોકો મકાનની માલિકી ધરાવતા હતા. 2006માં મકાનની માલિકી ધરાવતા લોકોની સંખ્યા 64.2% થઈ ગઈ હતી.

લોકોના વેપાર રોજગાર પણ બદલાઈ ગયા હતા. 1986માં કારખાનામાં જઈને કામ કરનારા કામદારોની સંખ્યા 1,77,917 હતી, તે 2006માં ઘટીને 73,870ની થઈ ગઈ હતી. નવા રહેવા આવનારા લોકોનો વ્યવસાય પણ જુદો હતો. તેમાં ફાઇનાન્સ, ઇન્સોરન્સ, રિયલ એસ્ટેટ વગેરેમાં કામ કરનારા લોકોની સંખ્યા વધારે હતી. 1986માં આ સેક્ટરમાં રોજગાર મેળવનારા 49,276 હતા, તે 2006માં વધીને 1,50,237 થઈ ગયા હતા.

આ બે દાયકામાં એકલી રહેતી નારીની સંખ્યાામં સૌથી મોટો વધારો દેખાયો હતો – 53.2% ટકાનો. તેની સામે એકલા રહેતો પુરુષોની સંખ્યા ખાસ વધી નહોતી, ફક્ત 15.2%નો વધારો નોંધાયો હતો. છૂટાછેડા લેનારી કે લગ્ન પછીય એકલી રહેતી મહિલાઓની સંખ્યા પણ પુરુષોની સરખામણીએ બે ગણી વધી હતી. આવા વિસ્તારોમાં વસતા કુલ કુટુંબોમાં એકાકી નારીના કુટુંબનું પ્રમાણ 1986માં 25.8%નું હતું, જે પ્રમાણ 2006માં વધીને 47.1%નું થઈ ગયું હતું. એ વાતને પણ એક દાયકાથી વધારે થઈ ગયું છે, ત્યારે હવે અડધોઅડધ પરિવારો અસલ પરિવારો નહીં, પણ એકલી રહેતી નારીના હશે તેવું અનુમાન છે.


જોકે કુંવારા રહેવાનો ટ્રેન્ડ માત્ર હોંગકોંગનો નથી. વિશ્વભરમાં તેવો ચાલ વધતો જાય છે. Pewના અભ્યાસ અનુસાર અમેરિકામાં 25 ટકા યુવાનો 50 વર્ષની ઉંમર સુધી કુંવારા રહેતા જોવા મળી રહ્યા છે. થોડા દાયકા પહેલાં આ પ્રમાણ 10%નું હતું. આઇસલેન્ડમાં 2016માં બાળકો જન્મ્યા તેમાંથી 70% લગ્નબાહ્ય સંબંધોથી બન્યા હતા. 1970 કરતાં આ પ્રમાણ બમણું થઈ ગયું છે.

જોકે અભ્યાસુઓએ એવી સ્પષ્ટતા કરી હતી કે માત્ર એકલી રહેતી નારીને કારણે જ મકાનોના ભાવો વધી ગયા છે તેવું નથી. માટે ઘણી બાબતોમાં નારીને બદનામ કરાય છે, તેમ પ્રોપર્ટી મોંઘી બની તે માટે પણ કુંવારી યુવતીનોને જ માત્ર જવાબદાર ઠેરવવી યોગ્ય નથી. શહેરીકરણ સહિતના ઘણા બધા કારણો તેના માટે જવાબદાર છે. બીજું, મકાનો મોંઘા થાય છે તેના કારણે એકલી રહેતી નારીને પણ મુશ્કેલી તો છે જ. તે પણ ભાડાનું મકાન છોડીને પોતાનું એક નાનકડું સપનાનું ઘર વસાવવા માગતી હોય, પોતાની એકલીનું પ્યારું ઘર, ત્યારે વસાવી શકતી નથી. બહુ મોંઘું પડે છે. અને મકાન ખાતર એકાકીપણાનો આનંદ છોડી દેવો તે વધારે લાગે તેવું છે, તે વાત જુદી છે.