ચીનમાં ઇલોન મસ્કની કારના ભાવ ઘટાડાનો ભારે વિરોધ

કારનો ભાવ ઓછો કરવામાં આવે તો ગ્રાહકો રાજી થાય. તેમાં પણ ઇલોન મસ્કની કાર હોય તો લોકો વધારે રાજી થવા જોઈએ. ઇલોન મસ્ક અમેરિકામાં ગાજતું નામ છે. સ્ટીવ જોબ્સ પછી બીજો એવો ઉદ્યોગપતિ અમેરિકાને મળ્યો છે, જે મોટા પાયે પરિવર્તન લાવી રહ્યો છે. પીસી અને મોબાઇલની દુનિયા સ્ટીવ જોબ્સે કબજે કરી હતી તે રીતે ઇલોન મસ્ક ઇલેક્ટ્રિક કારની દુનિયા કબજે કરવાના પ્રયાસોમાં લાગ્યો છે. ઇલોન મસ્કની ટેસ્લા કાર કંપની આધુનિક ઇલેક્ટ્રિક કાર બનાવે છે અને ચીનમાં પણ તેણે પ્રવેશ કર્યો છે.
ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર બહુ ઝડપથી લોકપ્રિય બની રહી છે. તે જોઈને હવે દુનિયાની બધી કામમેકર્સ કંપની ઇલેક્ટ્રિક કાર બનાવવામાં લાગી છે. ભારતમાં પણ આગામી બે વર્ષમાં એકથી વધારે ઇલેક્ટ્રિક કારના નવા મોડલ લોન્ચ થવાના છે. અત્યારે મહિન્દ્રાની ઇલેક્ટ્રિક કાર વેચાઈ રહી છે, પણ તે માત્ર શોખની વસ્તુ રહી છે. ઇલોન મસ્કે ટેસ્લા કાર શોખની વસ્તુ ના રહે, પણ રોજબરોજની વપરાશની વસ્તુ બને તે રીતે ટેસ્લા કારના જુદા જુદા મોડેલ બનાવ્યા છે. જોકે વધારે સસ્તી કાર બનાવવાની તેની કોશિશ હજી એટલી સફળ રહી નથી. પેટ્રોલ કાર જેટલી સસ્તી ઇલેક્ટ્રિક કાર હજી મળતી નથી, કેમ કે ઇકોનોમી ઓફ સ્કેલ હજી પ્રાપ્ત થયું નથી.

Tesla’s Model 3

પરંતુ પેટ્રોલ કારનું એક મોડેલ લાખોની સંખ્યામાં વેચાય અને કંપની તેની કિંમત નીચે લાવી શકે તે રીતે ઇલેક્ટ્રિક કારનું એક મોડેલ લાખોમાં વેચાતું થાય ત્યારે જ તેની કિંમત તેની સરખામણીએ નીચી લાવી શકાય. આમ છતાં ચીનમાં ઇલોન મસ્કે કારની કિંમત ઘટાડવાનું નક્કી કર્યું ત્યારે ભારે વિરોધ થયો. ઇલોન મસ્ક મુર્દાબાદના નારા ચીનમાં અત્યારે ટેસ્લાના શોરૂમની સામે લાગી રહ્યા છે. ચીનમાં તેનું પોતાનું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ છે, તેમાં ઇલોન મસ્ક અને ટેસ્લાની નિંદાનો મારો ચાલી રહ્યો છે.
કારના ભાવ ઘટે અને કંપનીની ટીકા થાય ત્યારે નવાઈ લાગે તેવી વાત છે, પણ વાત સમજીએ ત્યારે સમજાય કે વિરોધ થવો સ્વાભાવિક છે. વિરોધ હકીકતમાં એવા ગ્રાહકો તરફથી થઈ રહ્યો છે, જેમણે કાર ખરીદી લીધી હતી અને બીજા અઠવાડિયે ભાવ ઘટાડો આવ્યો.
વેઇબોના સોશ્યલ મીડિયામાં એક ગ્રાહકે કટાક્ષ કર્યો કે ઇલેક્ટ્રિક કાર ખરીદવી એ શેર લેવા કરતાંય વધારે રોમાંચક છે. (ક્યારે તેનો ભાવ તળિયે જાય કહેવાય નહિ). એક ગ્રાહકે આવી રીતે બળાપો કાઢ્યો છેઃ “મેં ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર મોડેલ એક્સ ખરીદી. પાંચ દિવસ ચલાવી ને મને ખબર પડી કે કંપનીએ ભાવમાં પોણા બે લાખ યુઆન (રૂપિયા જ સમજોને) ઘટાડી દીધા છે. વીમો, રજિસ્ટ્રેશન ફી, લોનનું વ્યાજ વગેરે ગણું તો મને પાંચ દિવસમાં બે લાખ યુઆનની અડી ગઈ.”
તમે પણ વિચાર કરો કે ગુરુવારે સારા દિવસે કાર ખરીદીને લાવો, શનિ રવિમાં ફેમિલીને એક આંટો મરાવો અને પછીના સોમવારે કંપની પોણા બે લાખ રૂપિયા ભાવમાં ઘટાડો કરે તો તમને કેવું લાગે? કારની કિંમતમાં ઘટાડો થતો હોય છે તે આપણે જાણીએ છીએ, પણ તે ઓછો હોય છે અને જૂના મોડેલમાં હોય છે. દાખલા તરીકે હાલમાં વેગનઆર નવી આવી રહી છે ત્યારે તેના જૂના મોડેલમાં મોટું ડિસ્કાઉન્ટ ડિલરો આપતા હતા તેવી ચર્ચા છે.
પરંતુ ઇલેક્ટ્રિક કારનો મામલો જુદો છે. ઇલેક્ટ્રિક કાર ભવિષ્યનું વાહન છે, પણ તેની લોકપ્રિયતા જેટલી ઝડપથી વધવી જોઈએ તેટલી ઝડપથી વધી રહી નથી. અમેરિકામાં પણ વચ્ચે એવું લાગતું હતું કે ઇલોન મસ્કે લીધેલું રિસ્ક તેને ભારે પડી જશે. તેણે પેપાલમાંથી થયેલી પોતાની તમામ કમાણી ટેસ્લામાં લગાવી દીધી હતી. કારની કિંમત નીચે લાવવા કોશિશો છતાં સફળતા મળતી નહોતી. અમેરિકન સરકાર ઇલેક્ટ્રિક કારમાં સબસિડી આપે છે, પણ તેય પુરતી નથી. ભાવ ઓછો કરવામાં આવે તો વેચાણ વધે તેમ છે, પણ તેમાં બે પ્રકારનું જોખમ છે. એક ભાવ ઓછો કરીને ખોટ વધારવામાં આવે કંપનીએ ટકી જવા માટે વધુ મૂડીની જરૂર પડે. પૂરતી મૂડી ના હોય તો કંપની જ ખોટવાઇ જાય. બીજું સતત ભાવઘટાડો થાય તો કારનું વેચાણ વધે જ નહિ.
કેવી રીતે સમજો. ગ્રાહકોને એવું લાગે કે ઇલેક્ટ્રિક કારના ભાવ તો સતત ઘટતા જ રહે છે, તો કાર ખરીદવાનું ટાળતા રહે. દિવાળી પર કાર લેવાનું વિચાર્યું હોય તો તેને ટાળી દેવામાં આવે. ઉત્તરાયણ સુધીમાં ભાવ ઘટશે ત્યારે લઈશું તેમ નિર્ણય ટાળી દેવામાં આવે. ઉત્તરાયણે ભાવ ઘટે પછી ખરીદીનો કોઈને વિચાર આવે તેને પણ લાલચ થાય કે હજી થોડા મહિના કાઢી નાખો, જન્માષ્ટમી આવશે ત્યારે ખરીદીશું.
ટેસ્લા માટે ભારે કસોટી થઈ રહી છે. કંપની ભારત અને ચીનમાં પ્રવેશવા માગતી હતી. રાબેતા મુજબ ભારતમાં સરકારી ઢીલી નીતિને કારણે હજી નિર્ણય લેવાયો નથી. તેની સામે ચીનમાં કંપનીનું કામકાજ ચાલવા લાગ્યું છે. કંપનીએ પોતાના આઠે આઠ મોડેલ ચીનમાં ઉતાર્યા છે. સાથે જ થોડી સ્થિરતા આવી તે સાથે ભાવમાં 15 હજારથી પોણા બે લાખનો ઘટાડો પણ કર્યો છે. તેના કારણે થોડો વિરોધ થયો છે, પણ ઇલોન મસ્કને આશા છે કે ભાવ ઘટાડા પછી હવે ગ્રાહકોની સંખ્યા વધશે. પણ પેલો સવાલ તો ખરો જ… લોકો વધારે ભાવઘટાડાની આશામાં રાહ જોયા કરે તો વેચાણ ઘટી જશે કે કેમ? અમેરિકાના ગ્રાહકોની વાત જુદી છે, ચીન અને ભારત જેવા દેશોમાં ગ્રાહકોનો મીજાજ કંઈક જુદો હોય છે. એટલે જોઈએ હવે ઇલોન મસ્ક આ અનુભવમાંથી શું શીખે છે અને ભવિષ્યમાં ભારતમાં આવશે તો ભાવની બાબતમાં કેવી સ્ટ્રેટેજી ઘડે છે. એક સૂચન આપડું… કંપનીએ અગાઉથી જ જાહેરાત કરી રાખવાની કે જો વેચાણનો આંકડો અમુક સમયમાં એક લાખને વટાવશે તો દરેકને 10,000 રૂપિયા પાછા, બે લાખનો આંક વટે તો 20,000 પાછા. આવું કંઈક કરો તો કોઈ ભાવઘટાડાની રાહ ના જુએ, ઉલટાનું ભવિષ્યમાં પૈસા પાછા મળશે એવી આશાએ ઝડપથી કાર ખરીદી પણ લે! કેમ બાકી, કેવો આઇડિયા છે?