‘તમે આવો ને નંદજીના લાલ’ આ પ્રકારના ભજન અહીં અમેરિકામાં સાંભળવા મળે, ત્યારે ખરા અર્થમાં પોતાના વતન પોતાના દેશ અને પોતાની સંસ્કૃતિની યાદ આવે છે. અને એટલે જ અમેરિકામાં વસતા ગુજરાતી મહિલાઓએ પોતાની સંસ્કૃતિ ટકાવી રાખવા ભજન મંડળ શરૂ કર્યું છે.
સામાન્ય રીતે ગુજરાતીઓના ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે ભજન મંડળ બોલાવી, ભજન કિર્તન કરી ભગવાનને યાદ કરવામાં આવે છે. ત્યારે અહીં અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારોમાં કોઈ પણ પ્રસંગ સમયે ભજન કિર્તન કરી શકાય તે માટે શિકાગોમાં ખાસ ‘ગોપી મંડળની’ રચના કરવામાં આવી છે. આ ગોપી મંડળ દ્વારા સમગ્ર શિકાગોમાં રહેતા મૂળ ગુજરાતી પરિવારોના ઘરે જઈને શનિવાર અથવા રવિવારે પ્રસંગોપાત ભજન કરે છે.
ગોપી મંડળ દ્વારા ભજન કિર્તન સમયે આબેહુબ ગોપી અને કૃષ્ણા ના વેશમાં રાસ રમે છે તેમજ કૃષ્ણ ભગવાનને રિઝવવા ‘સાશા કોટીલા’ કરે છે.
ગુજરાતી સમાજ દુનિયાના દરેક ખૂણામાં જોવા મળે છે અને ગુજરાતી સમાજ જ્યાં જ્યાં વસવાટ કરે છે, ત્યાં સાથે પોતાની મૂળ ઓળખ, એટલે કે ગુજરાતી ભોજન અને ગુજરાતી ભજન બંને સાથે લઈ ગયા છે. પશ્વિમના દેશોમાં ભલે ગુજરાતી પરિવારો ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરે, પરંતુ સાથે સાથે પોતાના ઘરમાં સારા-નરસા પ્રસંગોપાત આજે પણ ગોપી મંડળને બોલાવીને ભજન કિર્તન રાખે છે.
ગોપી મંડળની એક ખાસિયત એ પણ છે, કે આ મંડળમાં આવતી તમામ મહિલાઓ ખાસ એક જ પ્રકારની સાડી પહેરી એટલે કે ડ્રેસ કોડ રાખી પ્રશ્ન ભગવાનના ભજન ગાય છે.
આપણે ત્યાં એટલે કે ગુજરાતમાં હવે ભલે ગોપી મંડળના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. ત્યારે પશ્ચિમના દેશોમાં વસતા ગુજરાતીઓએ આજે પણ ગુજરાતી સંસ્કૃતિ અને એમાંય, ગોપી મંડળ દ્વારા કરવામાં આવતા કૃષ્ણ ભગવાનના ભજન કિર્તનની પરંપરા ચાલુ રાખી છે. અને એટલે જ આ ગોપી મંડળની મહિલાઓને ખરા અર્થમાં ગૌરવવંતી ગુજરાતણ કહેવી પડે..
USA થી નીરવ ગોવાણીનો અહેવાલ