કલાકારોઃ પ્રનૂતન બહલ, ઝહીર ઈકબાલ
ડાયરેક્ટરઃ નીતિન કક્કર
અવધિઃ આશરે બે કલાક
★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત
ફિલ્મોમીટર રેટિંગઃ
★★1/2
અભિનેત્રી નૂતનની પૌત્રી પ્રનૂતન બહલ અને ઝહીર ઈકબાલ જેવા ન્યૂ-કમર્સને ચમકાવતી ‘નોટબૂક’ની પૃષ્ઠભૂ છેઃ કશ્મીર. ફિલ્મના એક સીનમાં હીરો ઝીલમાં શિકારા ચલાવનારને સવાલ કરે છેઃ “યહાં નેટવર્ક નહીં આતા”? તો એને જવાબ મળે છેઃ “યહાં નેટવર્ક તબ હોતા હૈ જબ મૌસમ ઔર માહૌલ સાફ હો. જો કમ હી હોતા હૈ”.
વૉટ્સઍપ ફોરવર્ડિયાં કે ફેસબુક-ટ્વિટર જેવાં આદત લગાડી દેતાં ઓસડિયાં નહોતા એ સમયની, એટલે કે સન 2000ના કશ્મીરવાળી નોટબૂક પ્રેરિત છે થાઈ ફિલ્મ ‘ટીચર્સ ડાયરી’થી. 87મા એકેડમી એવૉર્ડ્સ માટે થાઈલેન્ડની ઓફિશિયલ એન્ટ્રી તરીકે મોકલવામાં આવેલી (જો કે નૉમિનેટ થઈ નહોતી) નોટબૂક બે-ત્રણ વાત માટે નોંધનીય છેઃ બન્ને નવોદિતના અભિનયનાં ગાંભીર્ય અને થાઈ ફિલ્મનું દેશીકરણ, જે માટે ડિરેક્ટર નીતિન કક્કર અને લેખક શબ્બીર હાશ્મીની પીઠ થાબડવી પડે. સંવાદ પાયલ આશરએ લખ્યા છે. અને ગુલાબના ગોટા જેવાં, પરાણે વહાલાં લાગે એવાં બાળકો.
મૂળ થાઈ ફિલ્મમાં સૂમસામ ટાપુ પરની બોટ-સ્કૂલની વાત હતી તો ‘નોટબૂક’માં ખૂબસૂરત કશ્મીરની વુલર ઝીલ પર આવેલી હાઉસબોટ છે. તો, ક્યારેય નહીં મળેલાં લવર્સની પ્રેમકહાણી કંઈ આવી છેઃ કબીર કૌલ (ઝહીર ઈકબાલ) કશ્મીરી પંડિત છે, જે પોતાનાં મૂળ ખોજવા પરત આવ્યો છે. કોઈ એક સમયે એ ઈન્ડિયન આર્મીનો પૂર્વ સૈનિક રહી ચૂક્યો છે. એના પિતાએ હાઉસબોટમાં શરૂ કરેલી સ્કૂલમાં એ સ્થાનિક બચ્ચાંને ભણાવવાની શરૂઆત કરે છે. ફિરદૌસ (પ્રનૂતન) પણ આ જ સ્કૂલમાં ભણાવતી ટીચર હતી, જે થોડા સમય પહેલાં જતી રહી છે. ઈન ફેક્ટ એની જગ્યાએ જ કબીર આવ્યો છે. એક દિવસ કબીરના હાથમાં ફિરદૌસની ડાયરી આવે છે. એક પછી એક પૃષ્ઠ ખૂલતાં જાય છે ને કબીર જેને ક્યારેય મળ્યો નથી એ ફિરદૌસના પ્રેમમાં પડી જાય છે. ડાયરીમાં ખાસ તો ફિરદૌસે પોતાની અસામાન્ય કહેવાય એવી ટીચિંગ મેથડ વિશે તથા બૉયફ્રેન્ડ સાથેના નાજુક સંબંધ વિશે લખ્યું છે. થોડા દિવસ બાદ કબીરને જવાનું ટાણું આવે છે ને ફરી ફિરદૌસ આવે છે. એ જુવે છે કે પોતાની ડાયરીનાં કોરાં પાનાં કબીરએ ભર્યાં છે… જેમાં એણે ફિરદૌસ માટે પોતાની લાગણી ઠાલવી છે…
ફિલ્મમાં બન્ને નવોદિતના એકસાથે ભાગ્યે જ કોઈ સીન્સ છે. બન્ને ન તો ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે કે ન તો સ્ટારબક્સમાં કે ટકીલા શૉટ્સ સર્વ કરતી લાઉન્જમાં મળે છે. ઈન ફેક્ટ એમની વચ્ચે કમ્યૂનિકેશનનો એકમાત્ર સેતુ છે ડાયરીની લે-આપ, જે આજના ઈન્સ્ટાગ્રામ-ટિકટૉક-ફેસબુકના ઘોર કળિયુગમાં ધીરજની કસોટી કરે છે…
-અને વાત કશ્મીરની થતી હોય તો આતંકવાદ અને લશ્કરી મથક અને સૈનિક અને કશ્મીરી પંડિતોની હિજરત, વગેરે આવે જ. ડિરેક્ટરે આ બધું બખૂબી કથા-પટકથામાં વણી લીધું છે. ફિરદૌસના પિતા કટ્ટરવાદી છે- એ હદ સુધી કે પોતાના સંતાનને આતંકવાદી બનાવવા તૈયાર છે. જો પટકથા-ડિરેક્શનમાં સાતત્ય જળવાયું હોત તો આ એક બહેતરીન ફિલ્મ બની હોત. આમ છતાં જો તમારામાં ધીરજ હોય અને જો તમને વીસેક વર્ષ પહેલાં ધીમી ગતિએ પાંગરતો રોમાન્સ જોવો ગમતો હોય તો જોઈ શકો.
(જુઓ ‘નોટબુક’નું ટ્રેલર)
httpss://youtu.be/SXYxOCLc9-c