કલાકારોઃ સિદ્ધાર્થ મલ્હોત્રા, પરીણિતી ચોપડા, સંજય મિશ્રા, અપારશક્તિ ખુરાના
ડાયરેક્ટરઃ પ્રશાંતસિંહ
અવધિઃ આશરે અઢી કલાક
★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત
ફિલ્મોમીટર રેટિંગઃ
★★
આજથી 8-9 વર્ષ પહેલાં લેખક-દિગ્દર્શક સુશીલ રાજપાલે બિહાર તથા ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારોમાં લાયક મુરતિયાનું અપહરણ કરી એનાં જબરદસ્તીથી લગ્ન કરાવી દેવાના વિષય પર ફિલ્મ બનાવેલીઃ ‘અંતરદ્ધંદ્ધ’, જેને ‘બેસ્ટ ફિલ્મ ઑન સોશિયલ ઈશ્યૂ’ની કેટેગરીમાં નેશનલ એવૉર્ડથી સમ્માનિત કરવામાં આવેલી. હવે, લેખક-દિગ્દર્શક આ જ જોરજબરીનાં લગ્નના વિષય પર ડિરેક્ટર પ્રશાંતસિંહ ‘જબરિયા જોડી’ લઈને આવ્યા છે, જે કહેવા માગે છે કે પ્રેમ હોય કે વિવાહ, જબરદસ્તી ચાલે જ નહીં. જો કે ‘જબરિયા જોડી’ જોતી વખતે આપણને સવાલ થાય કે શું ડિરેક્ટર પાસે કોઈએ જબરદસ્તીથી આ ફિલ્મ બનાવડાવી હશે? કેમ કે આવા ગંભીર વિષયની આમ મજાક ઉડાડવા ખરેખર હિંમત જોઈએ. ફિલ્મની વાર્તા એટલી વિચિત્ર છે કે એમાંથી કોઈ અર્થ કે તર્ક શોધવા એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું છે. વાર્તા, એની પૃષ્ઠભૂ બિહાર છે એવું સિદ્ધ કરવા ‘જિલ્લા હિલેલ્લા’.. ગીત-નાચ દેખાડવામાં આવે છે પછી અચાનક પંજાબી ‘કી હોંધા પ્યાર…’ આવી જાય છે ને એન્ડ ટાઈટલ્સ વખતે ભાંગડાગીત વાગવા માંડે છે. ફિલ્મની વાર્તા કંઈ આવી છેઃ
અભયસિંહ (સિદ્ધાર્થ મલ્હોત્રા) એના બાપા હુકુમ દેવસિંહ (જાવેદ જાફરી) સ્થાનિક બાહુબલી છે. એમના કહેવાથી અભયસિંહ લાયક મુરતિયાનાં અપહરણ કરી એના જબરદસ્તીથી લગ્ન કરાવે છે. દીકરીના બાપ તરફથી પેમેન્ટ મળે એટલે નવું કિડનેપિંગનું કામકાજ શરૂ. બસ. જો કે બાપાનું કહેવું છે કે જેમની દહેજ આપવાની તેવડ નથી એમની દીકરીને આવા મુરતિયા સાથે (જબરદસ્તીથી તો જબરદસ્તીથી) પરણાવીને આપણે સમાજસેવા કરી રહ્યા છીએ. પહેલી નજરે આ ખરા અર્થમાં સમાજસેવા લાગે, પણ પછી બત્તી થાય કે કોઈ પેલી કન્યાને તો પૂછતું જ નથી કે એને કેવું લાગે છે, એની શું ઈચ્છા છે. ખેર. એ પછી, અભયસિંહ જ્યારે એની બાળપણની ભેરુ બબલી યાદવને પંદર વર્ષ પછી મળે છે ત્યારે અચાનક એનું હૃદયપરિવર્તન થાય છે…
કથા-પટકથા જેવી અનેક સમસ્યા ઉપરાંત ફિલ્મનો મોટો પ્રોબ્લેમ છેઃ મુખ્ય જોડી. ‘હંસી તો ફંસી’ જેવી એક સ-રસ ફિલ્મની બહેતરીન જોડી સિદ્ધાર્થ મલ્હોત્રા-પરીણિતી ચોપરા કોઈ એંગલથી અહીં બિહારી, દેહાતી લાગતાં નથી. બન્નેનાં કપડાં, એક્સેસરી, મેકઅપ, વગેરે જોતાં એવું લાગે કે આ બે ચૉકલેટી કેરેક્ટર્સ અહીં ક્યાંથી? એમના પાત્રાલેખન-લૂક્સ-વેશભૂષા, વગેરે ધ્યાન આપવાની કોઈએ તસદી લીધી નથી.
ફિલ્મના આરંભથી અંત સુધી, એવો એક પણ સીન નથી, જેમાં ડિરેક્ટરની આ વિષય હાથ ધરવા માટેનું કન્વિક્શન દેખાય. ડિરેક્ટર પ્રશાંતસિંહ અને સ્ટેન્ડઅપ કોમેડી માટે સ્ક્રિપ્ટ-ડાયલોગ્ઝ લખતા રાજ શાંડિલ્યનું એકમાત્ર ફોકસ વનલાઈનર પર છે. “મુઝે બિસ્તર મેં નહીં, કુરસી મેં ઈન્ટરેસ્ટ હૈ”… “સોચો દિમાગ સે નિભાઓ દિલ સે”… “યે પાન બનાયે હો યા જાપાન બનાયે હો”? વગેરે.
આ ટોટલ છબરડામાં ઝળકી ઊઠે છેઃ બબલીના પિતા તરીકે સંજય મિશ્રા, બબલીના ફ્રેન્ડ સંતોષ પાઠકના પાત્રમાં અપારશક્તિ ખુરાના તથા અભયસિંહના સાઈડકિક ગુડ્ડુના પાત્રમાં ચંદન રૉય સાન્યાલ. બાકી જબરિયા જોડી વિશે વધું કંઈ કહેવાપણું નથી.
(જુઓ ‘જબરિયા જોડી’નું ટ્રેલર)