ઈન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ: જોશ વિનાની સર્જિકલ સ્ટ્રાઈક

ફિલ્મઃ ઈન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ

કલાકારોઃ અર્જુન કપૂર, રાજેશ શર્મા, શાંતિલાલ મુખર્જી

ડાયરેક્ટરઃ રાજકુમાર ગુપ્તા

અવધિઃ 125 મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★

પુણેની એક કેફેમાં લાઈવ ગીતસંગીત ચાલી રહ્યાં છે. એક ટેબલ પર બેઠેલો યુવાન વેઈટરને બિલ લાવવા કહે છે. બસ્સોનું બિલ ચૂકવવા એ યુવાન પાંચસોની નોટ મૂકીને જતો રહે છેઃ ત્રણસો ટિપ. કેફેની બહાર નીકળતી વખતે એ એની બૅકપૅક ત્યાં ‘ભૂલી’ જાય છે. એના બહાર નીકળતાંની સાથે બૉમ્બબ્લાસ્ટ ને પંદરથી વધુનાં મોત…

મુંબઈની લોકલ ટ્રેન (2006)થી લઈને પુણે, અમદાવાદ, હૈદરાબાદ, દિલ્હી જેવાં શહેરોમાં શ્રેણીબદ્ધ બૉમ્બબ્લાસ્ટ કરાવનાર તથા ‘ભારતનો ઓસામા બિન લાદેન’નું બિરુદ મેળવનાર ખૂનખાર ત્રાસવાદી યુસુફ (કલાકારઃ સુદેવ નાયર, જેનું કેરેક્ટર યાસીન ભટકલ પર આધારિત રાખવામાં આવ્યું છે)ને પટણાનો ઈન્ટેલિજન્સ ઑફિસર પ્રભાત (અર્જુન કપૂર) અને એની ટીમ વગર હથિયારે પોખરા (નેપાળ)માંથી ઝડપે છે એની પર આધારિત છે ‘ઈન્ડિયા’ઝ મોસ્ટ વૉન્ટેડ.’ પ્રભાત અને બીજા આઠ અફ્સર બે સ્કોર્પિયોમાં બિહારથી નેપાળમાં પ્રવેશે છે ને ખબરીની ખબરના આધારે મિશન શરૂ કરે છે… મિશનના ભાગ રૂપે બે અફ્સર કાઠમંડુની એક મોંઘી ક્લબમાં વન બિયર-ટુ ગ્લાસનો ઓર્ડર આપે છે ત્યારે કટાક્ષમાં વેઈટ્રેસ કહે છેઃ આના કરતાં ઘરે બેસીને પીધો હોત તો? આ કૉન્ટ્રાસ્ટ ગમી જાય એવો છેઃ પેલો આતંકવાદી ત્રણસો રૂપિયા ટિપમાં આપી દે છે, જ્યારે ભારત દેશની સુરક્ષા કાજે જીવ દાવ પર લગાવી દેનારા જવાનનું બે બિયરની બાટલી ખરીદવાનુંયે બજટ નથી.

બસ, આ ઈન્ટરેસ્ટિંગ કૉન્ટ્રાસ્ટ તથા એકાદને બાદ કરતાં આખી ફિલ્મ કંટાળાજનક, વ્યર્થ વ્યાયામ જેવી બની ગઈ છે. ‘આમીર’થી લઈને ‘નોવન કિલ્ડ જેસિકા’ તથા ‘રેઈડ’ જેવી ફિલ્મના સર્જક રાજકુમાર ગુપ્તાએ ઈન્ટેલિજન્સ વિશેની ફિલ્મ બનાવવામાં ખાસ કોઈ બુદ્ધિ વાપરી નથી. અને ફિલ્મનો પ્રચાર હથિયાર વિનાની સર્જિકલ સ્ટ્રાઈક એ રીતે કરવામાં આવ્યો છે, પણ, કમનસીબે, આ સર્જિકલ સ્ટ્રાઈકમાં કોઈ જોશ નથી. અને લાશ ઢળે છે તો કંટાળાથી ત્રસ્ત પ્રેક્ષકની સહનશીલતાની.

ફિલ્મમાં બે સીન અમેરિકાનાં ઍરપૉર્ટ પર શાહરુખ ખાનની આકરી પૂછપરછના રાખવામાં આવ્યા છે (અલબત્ત, શાહરુખ નથી સીન્સમાં). કેમ કે યુસુફ કોઈ એક સમયે શાહરુખ નામ બદલીને અમેરિકા ગયેલો હોવાનું મનાતું હતું, પણ આનાથી વાર્તામાં ખાસ કોઈ ફરક પડ્યો નથી. દિલ્હીમાં લાલ ફીતાશાહીના રાજમાં અટવાતી દેશની સુરક્ષા, પાકિસ્તાની લશ્કરી સર્વિસની દાંડાઈ તથા ફિલ્મને રસપ્રદ બનાવવા પાકિસ્તાની લશ્કરી ઑફિસરોની ભારતીય અફ્સર સાથેની પકડાપકડીની સિક્વન્સ બધું નબળી પટકથાને લીધે વ્યર્થ સાબિત થાય છે.

વળી એક તો નબળો અર્જુન કપૂર. એમાંયે પટકથાની એ ખૂબી (કે ખામી?) છે કે એને એવી રીતે પેશ કરવામાં આવ્યો છે કે ધી એન્ડ સુધી એ કોઈ હીરોગીરી કરતો જ નથી. અને કોઈ પણ પરિસ્થિતમાં એક જ સરખા હાવભાવ આપ્યે રાખ્યે છે.

(જુઓ ‘ઈન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ’નું ટ્રેલર)

httpss://youtu.be/xmab5E_62og