ફિલ્મઃ ગલી બૉય
કલાકારોઃ રણવીરસિંહ, આલિયા ભટ્ટ, સિદ્ધાંત ચતુર્વેદી, વિજય રાઝ
ડાયરેક્ટરઃ ઝોયા અખ્તર
અવધિઃ 153 મિનિટ
★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત
ફિલ્મોમીટર રેટિંગઃ
★★★1/2
એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતી મુંબઈની ધારાવીમાં દસ બાય દસની ઓરડીમાં છ જણનો પરિવાર વસે. પરિવારના મોભી (વિજય રાઝ) કોઈ અમીરના ઘરે ડ્રાઈવર છે. એક દિવસ એને ખબર પડે છે કે મોટો દીકરો મુરાદ શેખ (રણવીરસિંહ) કંઈ સંગીત-બંગીતનું કંઈ કરે છે. એ ગુસ્સાથી લાલપીળો થઈ એક અડબોથ ઝીંકે છે મુરાદનેઃ “સાલા, હું અહીં તનતોડ મહેનત કરીને તને ભણાવું છું ને તું અલ્તાફ રાજા બનતો ફરે છે”. તો બીજા એક સીનમાં મુરાદની મામી એને કહે છેઃ “તને ગાવાનો એટલો જ શોખ હોય ગઝલ ગા”…
‘ગલી બૉય’માં મુરાદ (રણવીરસિંહ)ના મામાની ભૂમિકા ભજવતા સુપર ટેલન્ટેડ ઍક્ટર વિજય મૌર્ય (જેને તમે ‘તુમ્હારી સુલુ’માં એફએમ રેડિયોના સ્ટુડિયોમાં હિંદી રેડિયોપ્રોગ્રામના લેખકની ભૂમિકામાં જોયો હશે)ના આવા સંવાદ ફિલ્મનું એક સબળ પાસું છે. આશરે અઢી કલાકની ગલી ‘બૉય’ જોઈને થિયેટરની બહાર નીકળતી વખતે મોંમાંથી અચૂક ઉદગાર સરી પડેઃ ‘ઝોયા અખ્તર કા ટાઈમ આ ગયા’. કેમ કે વાંકદેખાઓનું કહેવું છે કે ઝોયાની ફિલ્મો (‘ઝિંદગી ના મિલેગી દોબારા’, ‘દિલ ધડકને દો’) માત્ર અપરમિડલ ક્લાસ અથવા શહેરી ઑડિયન્સ સાથે જ કનેક્ટ થાય એવી ટ્રાવેલ એજન્સીની જાહેરાત જેવી જ છે. ‘ગલી બૉય’એ ઝોયાનાં વાંકદેખાઓનાં મોઢાં બંધ કરી દીધાં છે.
મુંબઈના જાણીતા રૅપર, હિપ-હોપ આર્ટિસ્ટ નેઝી અને ડિવાઈનનાં જીવનથી પ્રેરિત ‘ગલી બૉય’માં ધારાવીમાં રહેતા મુરાદની વાત છે, જેને અમેરિકન રૅપર નાસ જેવા બેસ્ટ રૅપર બનવું છે. બાય ધ વે, નાસ પોતે ‘ગલી બૉય’નો સહનિર્માતા છે. ફિલ્મમાં એક સીન છેઃ ધારાવીમાં ગરીબીની ટૂર પર આવેલા ધોળા ટુરિસ્ટો મુરાદની ખોલીમાં જાય છે. એક ટુરિસ્ટે નાસનું ટીશર્ટ પહેર્યું છે. જે જોઈને મુરાદ પ્રભાવિત થયેલો જોઈને પેલો ધોળિયો કહે છેઃ “હી ઈઝ નાસ, ધ રૅપર”… એટલે મુરાદ એને બોલતો અટકાવે છેઃ “ખબર છે હવે”…. પછી એ નાસનું એક રૅપ સોંગ ગાઈ સંભળાવે છે. જો કે એ વિશે ઝોયાબહેનને કોઈ છોછ નથી. નાસ ઉપરાંત હોલિવૂડની ફિલ્મ ‘8 માઈલ’ સાથેની સરખામણી પણ ટાળી શકાતી નથી. 2002માં આવેલી ‘8 માઈલ’ અમેરિકન રૅપર એમિનેમનો જે સંજોગમાં (ઝૂંપડપટ્ટીમાં) ઉછેર થયો એની આસપાસ ફરતી ફિલ્મ હતી. ફિલ્મનું શીર્ષક બ્લૅક લોકોની વસતિવાળા ડેટ્રોઈટના વિસ્તાર તથા વ્હાઈટ લોકોના ઑકલેન્ડ કાઉન્ટીની વચ્ચેના એઈટ માઈલ રોડ હાઈ-વેથી પ્રેરિત હતું. ‘ગલી બૉય’માં ધારાવીના પિન કોડ મુંબઈ 17નો અનેક વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કૉલેજસ્ટુડન્ટ મુરાદ ભણતાં ભણતાં ડાયરીમાં કવિતા લખતો રહે છે, જે બહુધા ગરીબી-લાચારી-સામાજિક અસામના વિશે રહેતી. એને આ બધાથી ભાગી છૂટવું છે. એની પારાવાર મુશ્કેલીમાં એક વધારો થાય છેઃ અબ્બા (વિજય રાઝ) એક જુવાન કન્યા સાથે નિકાહ કરી એને ઘરે લઈ આવે છે. મુરાદનું એક સિક્રેટ છેઃ બચપનની પ્રેમિકા સફિના (આલિયા ભટ્ટ). મેડિકલ સ્ટુડન્ટ સફિનાનું જીવન મુરાદની આસપાસ જ ફરે છે. જો મુરાદ તરફ કોઈ છોકરી આંખ ઉઠાવીને જુવે તો એ ને ધોપ્ટી કાઢે છે. લિટરલી. ખેર. મુરાદની લાઈફમાં એક જોરદાર ટર્ન આવે છે, જ્યારે એ એમસી શેર (સિદ્ધાંત ચતુર્વેદી) નામના રૅપરને મળે છે, જે શરમાળ, ધીરગંભીર મુરાદને પોતે લખેલી કવિતાઓ પરફોર્મ કરવા પ્રેરે છે. મુરાદનો એક વિડિયો જોઈને સ્કાય (કલ્કિ કોએચલીન) એની સાથે મીટિંગ કરે છે. સ્કાય બોસ્ટનની એક મ્યુઝિક સ્કૂલમાં ભણે છે ને મુરાદ ‘ગલી બૉય’ સાથે મ્યુઝિક પ્રોજકેટ કરવા માગે છે. આ પ્રોજેક્ટ ‘ગલી બૉય’ની હાઈલાઈટ છેઃ ધારાવીની ગલીકૂંચીમાં, મુરાદ તથા એના જેવા અડધો ડઝન જેટલા સ્ટ્રગલર રૅપર સાથે શૂટ થયેલો વિડિયો. આ સાથે જાતજાતની સુવર્ણ તક મુરાદની ખોલીનાં બારણાં ખટખટાવે છે, પણ મુરાદ પર પ્રેશર છેઃ ગ્રેજ્યુએટ થઈ એક સેફ નોકરી કરવી. પણ મુરાદ જવાબદારીની જંજિર તોડવા માગે છેઃ “શબ્દોં કા જ્વાલા મેરી બેડિયોં કો પિઘલાયેગા… અપના ટાઈમ આયેગા”.
આ ફિલ્મ એક સરસમજાની અંડરડૉગ સ્ટોરી છે. દિલમાં કંઈ કરી નાખવાનો જ્વાળામુખી ભભૂકતો હોય તો કંઈ પણ શક્ય છે એવું કહેતી આ ફિલ્મ વિશે ઝાઝું કંઈ નહીં, એટલું જ કહેવાનું કે, જસ્ટ ગો ઍન્ડ વૉચ ઈટ નાઉઃ બોલે તો ભીડુ, ગલી બૉય દેખને કા ટાઈમ આ ગયા.
(જુઓ ‘ગલી બૉય’નું ટ્રેલર)
httpss://youtu.be/JfbxcD6biOk