ફિલ્મઃ એક લડકી કો દેખા તો ઐસા લગા
કલાકારોઃ સોનમ કપૂર, અનિલ કપૂર, રાજકુમાર રાવ, જુહી ચાવલા
ડાયરેક્ટરઃ શૈલી ચોપડા ધર
અવધિઃ આશરે બે કલાક
★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત
ફિલ્મોમીટર રેટિંગઃ
★★★
ભઈ, એક જમાનો હતો, જ્યારે નવી ફિલ્મની જાહેરખબરમાં એવું છપાતું કે આરંભ ચૂકશો નહીં, અંત કોઈને કહેશો નહીં. ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ ફિલ્મના સર્જકોએ આવી કોઈ ઍડ આપી નથી, પણ ન કહીને એમણે અમારા જેવા સમીક્ષકોને કહી દીધું છે: “પ્રેક્ષકોની રસક્ષતિ થાય એવું (સ્પૉઈલર) લખતા નહીં, ફિલ્મનો પ્લૉટ છતો ન થાય એ જોજો”. ફિલ્મ એક મહિલાએ ડિરેક્ટ કરી છે ને એનાં લેખિકા છેઃ ગઝલ ઢાલીવાલ. ‘વઝીર’, ‘લિપ્સ્ટિક અંડર માય બુરખા’, ‘કરીબ કરીબ સિંગલ’ જેવી ફિલ્મના રાઈટિંગ ડિપાર્ટમેન્ટ સંભાળનાર ગઝલબહેને ફિલ્મની પટકથાસંવાદ લખ્યાં છે.
પંજાબના મોગામાં કપડાં બનાવવાનું કામકાજ કરતા અને મોગા કા મુકેશ અંબાણી બલબીર ચૌધરી (અનિલ કપૂર) લાડલી ઉંમરલાયક, પણ ઈન્ટ્રોવર્ટ દીકરી સ્વીટી (સોનમ કપૂર) માટે યોગ્ય મુરતિયો શોધી રહ્યા છે, એ જફાથી કંટાળી સ્વીટી દિલ્હી જતી રહે છે. દિલ્હીમાં નાટ્યલેખક સાહિલ મિર્ઝા (રાજકુમાર રાવ)ને સ્વીટી ગમવા માંડે છે…
પી.જી. વૂડહાઉસની નવલકથા ‘અ ડેમ્સેલ ઈન ડિસ્ટ્રેસ’થી પ્રેરિત ‘એક લડકી કો દેખા’… જાતજાતની ગેરસમજણની આસપાસ ફર્યા કરે છે. એક ગેરસમજણ સ્વીટીનો મોટો ભાઈ બબલૂ (અભિષેક દુહાન) ઊભી કરે છે. સાહિલ સાથેની મુલાકાતમાં એ કંઈ ભળતું જ સમજી બેસે છે ને એ ડૅડને કહે છે કે “આપણે કંઈ કરવું પડશે, કેમ કે, સ્વીટીને દિલ્હીના મુસલમાન (સાહિલ મિર્ઝા) સાથે પ્રેમ થયો છે”… સાહિલ ઈચ્છે છે કે સ્વીટી પણ પ્યારનો ઈઝહાર કરે, પણ સ્વીટીએ પોતાના વિશેનું એક સત્ય સંતાડીને રાખ્યું છે. એ સત્ય એવું છે, જે ચૌધરીફૅમિલી માટે જીરવવું કપરું છે. સત્ય શું છે એ જાણવા તમારે ફિલ્મ જોવી પડશે. સાહિલના નાટ્યગ્રુપમાં કામ કરતી છત્રો (જુહી ચાવલા) સમયાંતરે કોમિક રિલીફ આપે છે. બલકે, છત્રોની બલબીર સાથેની મુલાકાત ફિલ્મની હાઈલાઈટ બની રહે છે.
કબૂલ કે ફિલ્મની મૂળ વાત ખરેખર સારી, સંવેદનશીલ છે. છોકરો-છોકરી પ્રેમમાં પડે, એમના પ્રેમ આડે જાતજાતનાં વિઘન આવે ને અંતે મળી જાય એવી વાર્તાથી કશુંક ડિફરન્ટ તમને અહીં જોવા મળે છે. તકલીફ છે સ્ક્રીનપ્લેની, જે સડસડાટ વહ્યા કરવાને બદલે વચ્ચે વચ્ચે આડે રસ્તે ફંટાય છે, જેને કારણે પ્રેક્ષક વાર્તા સાથે ઓતપ્રોત થઈ શકતો નથી. ઈમોશન પણ ઉપરછલ્લા લાગે છે. ડિરેક્ટરની પહેલી ફિલ્મ છે ને કહેવું જોઈએ કે એમનો પ્રયાસ પ્રશંસનીય છે, પણ ફિલ્મની મંથર ગતિ કઠે છે.
અભિનયની વાત કરીએ તો, સોનમ સાતત્ય જાળવી શકી નથી છતાં એણે જે રીતે આ અઘરી ભૂમિકા ભજવી છે એ કાબિલ-એ-દાદ છે, જ્યારે અનિલ કપૂર-રાજકુમાર રાવ પરફેક્ટ છે. સ્વીટીની ફ્રેન્ડ કુહુનું પાત્ર ભજવતી રેજિના કસાન્ડ્રાનું બહુ ઓછું કામ છે, પણ પ્રભાવી છે. ચારેક વર્ષ પહેલાં ‘માર્ગરિટા વિથ અ સ્ટ્રૉ’ નામની એક બહેતરીન ફિલ્મ આવેલી, જેમાં મુખ્ય પાત્ર લૈલા (કલ્કિ કોચલીન) પોતાની સેક્સ્યુઅલિટી વિશે કન્ફ્યુઝ છે. જો આ પ્રકારની ફિલ્મ તમને ગમતી હોય તો જસ્ટ ગો ઍન્ડ વૉચ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’.
(જુઓ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’નું ટ્રેલર)
httpss://youtu.be/pKcamCgBvMo