ઠંડીની સિઝન બરાબર જમાવટ કરી રહી છે. સ્વેટર, શાલ અને અન્ય ગરમ કપડાં પહેર્યા સિવાય હવે છૂટકો જ નથી. આટલી ઠંડીમાં સ્વાભાવિકપણે જ આપણને કોઈ પ્રસંગમાં કે ઓફિસમાં શું પહેરવું તેવી મૂંઝવણ રહેતી હોય છે, કારણ કે કોઈ પણ સ્ટાઇલિશ કપડાં વિન્ટરવેરની નીચે ઢબૂરાઈ જતાં હોય છે. જોકે ફેશન ઇન્ડસ્ટ્રીમાંથી આવી બાબતોના તોડ મળી જ આવતા હોય છે. એ ઉપરાંત જો તમે થોડું વિચારશો તો તમે પણ અવનવી સ્ટાઇલને અપનાવીને શિયાળામાં પણ સરસ અને સ્ટાઇલિશ ડ્રેસિંગ કરી શકો છો.
કશ્મીરી વર્ક દરેક સ્ત્રીને ગમતું હોય છે. કશ્મીર ફરવા ગયેલી કોઈ પણ સ્ત્રી કશ્મીરી વર્કના આઉટ્ફિટ્સ લીધા વિના પાછી ન આવે તેની ગેરંટી. કચ્છી વર્કની જેમ જ રંગબેરંગી દોરાથી થતી ડિઝાઇન ખૂબ મનમોહક હોય છે. ઉપરાંત કશ્મીરની પશ્મીના શાલ પણ વિશ્વ પ્રખ્યાત છે. હવે તમારે પશ્મીના શાલ નહીં પણ કંઇક નવું જ ટ્રાય કરવું હોય તો પશ્મીના ટ્યૂનિક્સ કે પછી કશ્મીરી વર્ક કરેલા ટ્યુનિક્સતને તમારા શિયાળુ વોર્ટરોબમાં સ્થાન આપી શકો છો. તમને આ વિશે વિગતે જણાવું તો કશ્મીરી ટ્યુનિક્સ એ પ્રમાણમાં ગરમ કાપડ ઉપર બનતા હોય છે.
કશ્મીરમાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે તેથી ત્યાંની સ્ત્રીઓ લાંબા કફતાન જેવા ગરમ ગાઉન પહેરે છે અન તેની પર ભાતીગળ વર્ક કરવામાં આવેલું હોય છે જોકે શહેરોમાં રહેતી સ્ત્રીઓ રોજબરોજ આવા લાંબા ગાઉન ન પહેરી શકે તે માટે તેને ટ્યૂનિક્સ કે ટોપનું રૂપ આપવામાં આવ્યું છે. આ ટ્યુનિક્સ તમને વિવિધ રાજ્યોની કલાકૃતિનું તથા પોશાકનું પ્રદર્શન હોય તેમાં ચોક્કસપણે જોવા મળશે.
આ ઉપરાંત પશ્મીનામાંથી બનતા ટ્યુનિક્સ તો શિયાળા માટે આગવી પસંદ બન રહેશે, કારણ કે પશ્મીના શરીરને ગરમાવો આપે છે. પશ્મીના ટોપ કે ટ્યૂનિક્સ ઉપર કરેલી લાઇટ એમ્બ્રોઈડરી સોબર અને ડિસન્ટ લુક આપે છે. પોન્ચોની જેમ જ આ તમામ આઉટફિટ્સ ડાર્ક રંગમાં વધારે મળે છે. કારણ કે ડાર્ક રંગ હૂંફ અને ઉષ્ણતામાન જાળવી રાખે છે.
ફેશન ડિઝાઇનર તરૂણ તાહિલિયાનીએ આ પ્રકારનું કલેક્શન પણ રજૂ કર્યું છે. જેમા તેણે બધા જ ડાર્ક રંગનો સમન્વય કર્યો છે. તમે પણ શિયાળા માટે ઇચ્છો તો આ પ્રકારનું વિન્ટર કલેક્શન અપડેટ કરી શકો છો. આવા ટ્યૂનિકની સાથે સ્ટોલ, સ્કાર્ફ અને એથનિક જ્વેલરી મેચ કરીને તમને એલિગન્ટ લુક મેળવી શકો છો.
આ ઉપરાતં જાતે સ્વેટર્સ ગૂંથવાનો શોખ હોય તો તમે વૂલનમાંથી પણ આવા લાંબા ટ્યૂનિક્સ બનાવી શકો છે. બસલ ધ્યાન એ રાખવું કે વૂલન સોફ્ટ હોવું જોઈએ તેમજ તેમાં રંગોની પસંદગી સારી રીતે થયેલી હશે તો તમારું વૂલન ટ્યુનિક્સ આ શિયાળામાં ભારે જમાવટ કરી મૂકશે. આ પ્રકારના ટ્યૂનિક્સ તમે લગ્ન જેવા પ્રસંગોમાં મખમલના લેંગિગ્સ કે સિલ્કના લેગિંગ્સ કે પછી ઘેરદાર ચણિયા સાથે પહેરશો તો તેનાથી એકદમ એલિગન્ટ લુક મળશે.