કલાકારો જતા રહે છે, પણ એમની ફિલ્મો રહી જાય છે. શ્રીદેવી હયાત નથી એ માનવું આજે પણ અઘરું છે. હવે એ યાદ આવે છે એમનાં અભિનયને કારણે – ‘મિસ્ટર ઈન્ડિયા’ની ‘હવા હવાઈ’, ‘નગીના’ની ‘રજની’થી લઈને ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ અને ‘મોમ’માં એમણે ભજવેલા પાત્રોને કારણે. 13 ઓગસ્ટે આ મહાન અભિનેત્રીનો જન્મદિવસ હતો. એ નિમિત્તે એમની એક મુલાકાતની યાદ ફરી તાજી થઈ.
‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે ‘દીપોત્સવી, ૧૯૯૯’ અંકનો. જેમાં જ્યોતિ વેંકટેશને આપેલી મુલાકાતમાં શ્રીદેવીએ અમુક રસપ્રદ વાતો કરી હતી.
અત્યાર સુધી કરેલી ફિલ્મોમાં તમારો ફેવરિટ રોલ કયો?
શ્રીદેવીઃ હજી આવવાનો બાકી છે.
રિસ્કી ભૂમિકાઓ કરશો?
શ્રીદેવીઃ હાસ્તો. ચૌદ વર્ષની ઉંમરે મેં મલયાલમ ફિલ્મમાં વૃદ્ધાનો રોલ કર્યો હતો. 13મે વર્ષે તમિળ ફિલ્મ મુન્દ્રુમુડીચુમાં મેં રજનીકાંતની સાવકી માની ભૂમિકા ભજવી હતી, જેનું દિગ્દર્શન કે. બાલાચંદરે કર્યું હતું. ખુદાગવાહમાં મેં મા-દીકરી બંનેની ભૂમિકા કરી હતી.
તમે રાજકારણી બની શકો એવું લાગે છે?
શ્રીદેવીઃ ના. મારામાં એવી ક્ષમતા નથી એટલે જિંદગીમાં ક્યારેય હું રાજકારણમાં જોડાઈશ એવો વિચાર સુદ્ધાં નથી કરી શકતી.
જિંદગીમાં તમે જે ઈચ્છ્યું એ તમે મેળવ્યું છે. તો પછી હજી એવી કઈ ઝંખના તમને કામ કરવા માટે ઉશ્કેરી રહી છે?
શ્રીદેવીઃ કોઈ ઝંખના મને ઉશ્કેરતી નથી. અભિનય કરવો મને ગમે છે એટલે કરું છું.
બે વર્ષના ગાળા પછી ફરી અભિનય કરવાનું કેમ નક્કી કર્યું?
શ્રીદેવીઃ આજે મારી પાસે ચિક્કાર સમય છે. પહેલાંની જેમ આજે મારે ગૃહિણી અને મા તરીકે વધુ સમય ફાળવવો નથી પડતો. મા તરીકે જ્હાન્વીના ઉછેરમાં હવે પહેલાંની જેમ સતત ધ્યાન નથી રાખવું પડતું. બીજું, મારા પતિ સમજદાર છે અને ફરી કેમેરા સામે જવાનું પ્રોત્સાહન એમણે જ મને આપ્યું છે.
આ શ્રીદેવીએ માત્ર પાંચ વર્ષની ઉંમરે એક તમિળ ફિલ્મથી કરિયર શરૂ કરી હતી અને 30 વર્ષની વય સુધીમાં 300થી વધારે ફિલ્મો કરી હતી. નિર્માતા બોની કપૂર સાથે લગ્ન કર્યા બાદ એમણે ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું હતું. પદ્મશ્રીથી સમ્માનિત એવા આ મહાન અભિનેત્રી 2018ની 24 ફેબ્રુઆરીએ સહુની વચ્ચેથી કાયમને માટે વિદાય લઈ ગયાં. રહી ગઈ છે માત્ર એમની ફિલ્મો, એમની અદ્દભુત અભિનયશક્તિ.