વરસાદમાં સારા પ્રમાણમાં મળી રહેતી લીલી અમેરીકન મકાઈ (સ્વીટ કોર્ન)નો શાકભાજી સભર નાસ્તો અપ્પે, જે પૌષ્ટિક છે તેમજ ઓછા તેલમાં બની રહે છે!
સામગ્રીઃ રવો 1 કપ, ચણાનો લોટ 3 ટે.સ્પૂન, દહીં ½ કપ, લીલી મકાઈના દાણા 1 કપ તેમજ બાફેલા લીલી મકાઈના દાણા 1 કપ, સિમલા મરચું 1, ગાજર 1, કાંદો 1, આદુના 1 ઈંચના ટુકડા 2, લીલા મરચાં 3-4, કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન, રેડ ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન, પાલક તેમજ કોથમીરના 2-3 પાણીએથી ધોઈને સમારેલા પાન ½-½ કપ, તેલ,
રીતઃ એક બાઉલમાં રવો લઈ તેમાં ચણાનો લોટ તેમજ દહીં મેળવી દો. તેમાં અડધા કપ જેટલું પાણી મેળવીને તેને ઢાંકીને 15 મિનિટ સુધી રહેવા દો.
1 કપ જેટલા કાચાં મકાઈના દાણા લઈ તેમાં આદુ તેમજ મરચાંના ટુકડા ઉમેરી દો. તેને અધકચરા વાટીને દહીંમાં પલાળેલા રવાના મિશ્રણમાં ઉમેરી દો. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું, કાળા મરી પાઉડર, રેડ ચિલી ફ્લેક્સ, સમારેલાં કોથમીર-પાલકના પાન, ઝીઁણાં સમારેલાં ગાજર, સિમલા મરચું, તેમજ કાંદો મેળવી દો. આ મિશ્રણ બહુ ઘટ્ટ થયું હોય તો સહેજ પાણી મેળવી દો. હવે ઈનો તેમાં મેળવીને મિક્સ કરી લો.
ગેસ ચાલુ કરીને અપ્પે પેન તેની ઉપર ગરમ કરવા મૂકો. પેન ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી કરીને અપ્પે પેનના દરેક ખાનાંમાં 2-2 ટીપાં તેલના ઉમેરીને એક મોટી ચમચી વડે ખીરું દરેક ખાનાંમાં ભરી દો અને ઉપરથી તેલના 2-2 ટીપાં રેડીને ઢાંકણ ઢાંકીને 1 મિનિટ અપ્પે થવા દો. ત્યારબાદ ઢાંકણ ખોલીને અપ્પેને ચમચી વડે ઉથલાવીને ઢાંકીને ફરીથી 1-2 મિનિટ થવા દો. ત્યારબાદ ઢાંકણ ખોલીને અપ્પે જોઈ લેવા. જો ચઢી જાય તો એક પ્લેટમાં કાઢી લો. આ જ રીતે બીજાં અપ્પે પણ તૈયાર કરી લો.
આ અપ્પે ઢોસાની ચટણી અથવા લીલી ચટણી કે ટોમેટો કેચ-અપ સાથે પણ પીરસી શકાય.





