રાજસ્થાની પારંપરિક કાંદાનું શાક

ગરમીનું પ્રમાણ સખત વધી ગયું છે. ગરમીથી રાહત માટે કોઈકને કોઈક ઘરગથ્થૂ ઉપાય વડીલો સૂચવતા હોય છે. કહેવાય છે કે, ગરમીમાં કાંદાના ઉપયોગથી લૂ નથી લાગતી. બને તેટલો વધુ કાંદાનો ઉપયોગ ગરમીને કારણે થતી તકલીફોમાં રાહત આપે છે. અહીં રાજસ્થાની પારંપરિક કાંદાના શાકની રીત એટલે જ આપવામાં આવી છે. 

સામગ્રીઃ

  • નાની સાઈઝના કાંદા અડધો કિલો
  • બે મોટી સાઈઝના કાંદા
  • આમલી 1 ટે.સ્પૂન
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ધાણાજીરુ 2 ટી.સ્પૂન
  • હળદર પાઉડર ½ ટી.સ્પૂન
  • કાશ્મીરી મરચાં પાઉડર 1½ ટી.સ્પૂન
  • તેલ 2 ટે.સ્પૂન
  • કલૌંજી ½ ટી.સ્પૂન
  • જીરુ 1 ટી.સ્પૂન
  • વરીયાળી 1 ટી.સ્પૂન
  • કળી પત્તાના પાન 7-8
  • હીંગ 2 ચપટી
  • આદુ 1 ઈંચ
  • લીલા મરચાં 2
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
  • કાંદા તળવા માટે તેલ

રીતઃ નાની સાઈઝના કાંદાને છોલીને ધોઈ લો. આ કાંદાના ચપ્પૂ વડે ચાર કાપા પાડવા. આ કાપા કાંદાના અડધા ભાગ સુધી જ કરવા, જો આખા કરશો તો કાંદાના ટુકડા થઈ જશે.

મોટા બે કાંદાને એકદમ બારીક ઝીણા સમારી લો અથવા ચોપરમાં બારીક કરી લો. આમલીને અડધા કપ પાણીમાં અડધા કલાક માટે પલાળી રાખો. આદુને લાંબી પાતળી ચીરીમાં સુધારી લો. લીલા મરચાં ગોળ મોટા ટુકડામાં સમારી લો.

એક વાટકીમાં ધાણાજીરુ, હળદર પાઉડર¸ કાશ્મીરી મરચાં પાઉડર તેમજ મીઠું સ્વાદ મુજબ લઈ તેમાં અડધો કપ પાણી રેડીને પલાળી રાખો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં નાના કાંદા ગેસની મધ્યમ આંચે કાચા પાકા લગભગ 4-5 મિનિટ સુધી તળીને કાઢી લો. વધારેનું તેલ એક વાટકીમાં કાઢી લઈ બે ટે.સ્પૂન જેટલું તેલ લઈ તેમાં જીરુ, વરીયાળી તેમજ કલૌંજીનો વઘાર કરી કળી પત્તા તેમજ હીંગ ઉમેરી દો. ત્યારબાદ બારીક સમારેલા કાંદા ઉમેરી દો અને કાંદા પારદર્શી દેખાવા લાગે એટલે તેમાં આદુની ચીરી અને ત્યારબાદ ગોળ સમારેલાં મરચાં ઉમેરી દો. 2 મિનિટ બાદ તેમાં મસાલાવાળું પાણી ઉમેરી દો. ગેસની આંચ મધ્યમ રાખવી. મસાલા ચઢી જાય અને કઢાઈમાં તેલ છૂટું થવા લાગે એટલે આમલીના પાણીમાંથી પલ્પ તૈયાર કરીને તેમાં રેડી દો.

આ ગ્રેવી ઉકળે એટલે તળેલા નાના કાંદા ઉમેરી હળવેથી તવેથા વડે ગ્રેવીમાં મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને ગેસની ધીમી આંચે 3-4 મિનિટ થવા દો. ત્યારબાદ કોથમીર ભભરાવીને ગેસ બંધ કરી દો.

આ શાક રોટલી તેમજ ભાત સાથે પણ સારું લાગે છે.