ઘણીવાર પાતરાં વાળીને બનાવવાની મહેનતને લીધે, જેઓ પાતરાં બનાવવા ન માંગતા હોય, તેઓ માટે વાળવાની ઝંઝટ વગરના પાતરાં બનાવવાની આ રીત સહેલી રહેશે!
સામગ્રીઃ ચણાનો લોટ 2 કપ, ગોળ 4 ટે.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, અળવીના પાતરા બનાવવા માટેના પાન 7-8, હળદર ½ ટી.સ્પૂન, લાલ મરચાં પાઉડર 1 ટે.સ્પૂન, આદુ-મરચાંની પેસ્ટ 2 ટે.સ્પૂન, ધાણાજીરૂ 2 ટે.સ્પૂન, અજમો ½ ટી.સ્પૂન, ગરમ મસાલો ½ ટી.સ્પૂન, સફેદ તલ 3 ટે.સ્પૂન, લીંબુનો રસ (અથવા આમલીનું પાણી) 2 ટે.સ્પૂન
રીતઃ અળવીના પાનમાંની નસો કાઢી લઈને તેને ધોઈને કોરા કરી રાખવા.
એક મોટા વાસણમાં ચણાનો લોટ લઈ, તેમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, ધાણાજીરૂ, લાલ મરચાં પાઉડર, ગરમ મસાલો, અજમો, સફેદ તલ, લાલ મરચાં પાઉડર, આદુ-મરચાંની પેસ્ટ ઉમેરો. ગોળને સમારીને લીંબુના રસમાં ઓગાળીને તેને પણ આ મિશ્રણમાં ઉમેરો. હવે થોડું થોડું પાણી ઉમેરતાં જઈને મધ્યમ ઘટ્ટ એવું ખીરું બનાવી લો.
પાતરા બાફવા માટે મોટા વાસણમાં કાંઠો મૂકીને 1 થી 1½ ગ્લાસ જેટલું પાણી ઉકળવા મૂકો.
મુઠીયા બાફીએ તે કાણાંવાળા ઢાંકણને તેલવાળું કરી લો. હવે તેની ઉપર પાતરા માટેનું એક પાન ઉંધું મૂકો. પાનની ઉપર ચણાના લોટનું મિશ્રણ આખા પાન ઉપર લગાડી લો. ત્યારબાદ પાનની ઉપરના બંને છેડાને અંદરની બાજુએ વાળીને ચોરસ જેવો આકાર આવે એમ વાળવું. તેની ઉપર પણ મિશ્રણ લગાડી લો. પહેલાં પાનની ઉપર બીજું પાન વિરુદ્ધ દિશામાં મૂકો તેની ઉપર મિશ્રણ લગાડીને પાનની ઉપરના બહાર નીકળેલા બંને છેડાને અંદરની બાજુ વાળીને તેની ઉપર ચણાનો લોટ લગાડી લો. આ રીતે પાનને ગોઠવતાં, તે ચોરસ આકારનું ગોઠવાશે.
7-8 પાન આ રીતે તૈયાર કરી લીધા બાદ કાણાંવાળું ઢાંકણ, પાતરાં બાફવાના વાસણમાં કાંઠા ઉપર ગોઠવી દો. ઢાંકણ ઢાંકીને તેને ગેસની તેજ આંચે 15 મિનિટ બફાવા દો. ત્યારબાદ ચપ્પૂ વડે તપાસી લો કે પાતરાં બફાયા છે કે નહિં. ચપ્પૂ ચોખ્ખું બહાર આવે એટલે ગેસ બંધ કરીને પાતરાંને બહાર કાઢી લો. તે ઠંડા થાય એટલે તેના ચપ્પૂ વડે ચોરસ ટુકડા કરી લો.
એક કઢાઈ અથવા પેનમાં 2 ચમચાં જેટલું તેલ ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં રાઈનો વઘાર કરીને તેમાં તલ ઉમેરીને 2-3 ચપટી હીંગ ભભરાવીને પાતરાં તેમાં મેળવી દો. ચમચા વડે હલકા હાથે મિક્સ કરી લઈ, ગેસ બંધ કરીને નીચે ઉતારી લો. કોથમીર ભભરાવીને ખાવા માટે પીરસો.





