સાબુદાણા ક્રિસ્પી સ્ટીક્સ

નવરાત્રિના વ્રત માટે શક્તિથી ભરપૂર એવા સાબુદાણાનો ક્રિસ્પી નાસ્તો, સાબુદાણા પલાળ્યા વગર તરત બનાવી શકાય છે.

સામગ્રીઃ સાબુદાણા 1 કપ, શીંગદાણા ¼ કપ, બાફેલા બટેટા 3, સ્વાદ મુજબ સિંધવ મીઠું, શીંગદાણાનો અધકચરો ભૂકો ¼ કપ, લીંબુનો રસ 1 ટી.સ્પૂન, કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન, લીલા મરચાં 2-3, આદુનો ટુકડો 1 ઈંચ, શેલો ફ્રાય કરવા માટે તેલ, ધોઈને સમારેલી કોથમીર ½ કપ

રીતઃ સાબુદાણાને મિક્સીમાં કરકરું પીસી લઈ તેને એક બાઉલમાં કાઢી લો. તેમાં અડધો કપ પાણી મેળવીને ઢાંકીને 10 મિનિટ માટે રાખી મૂકો.

10 મિનિટ બાદ તેમાં શીંગદાણાનો અધકચરો ભૂકો, બાફેલા બટેટા છીણીને ઉમેરી દો. હવે તેમાં આદુ ખમણીને તેમજ મરચાં સમારીને મેળવો. ત્યારબાદ કાળા મરી પાઉડર, લીંબુનો રસ, સમારેલી કોથમીર મેળવીને આ મિશ્રણને મિક્સ કરી લો. લોટ જેવું ઘટ્ટ હોવું જોઈએ.

એક થાળી અથવા ટ્રે તેલવાળી કરીને તેમાં આ મિશ્રણ પાથરી દો. ઉપરથી એક તવેથા વડે લેવલ સપાટ કરી લો.

હવે એક ચપ્પૂ વડે તેના લંબચોરસ કે પાતળી લાંબી સ્ટીક્સ જેવા ચોસલા કરી લો. પેનમાં તેલ ગરમ કરીને આ ચોસલા શેલો ફ્રાય કરી લો.

તૈયાર સાબુદાણા ક્રિસ્પી સ્ટીક્સ કોથમીર, શીંગદાણાની ફરાળી ચટણી સાથે પીરસો.