સાંજે મહેમાન અચાનક આવવાના હોય તો 1 કલાક જેટલા સમયમાં તમે ઓરિસ્સાના આ પ્રખ્યાત પકોડા ટમેટાંની ચટણી સાથે તૈયાર કરીને મહેમાનની આગતા-સ્વાગતા કરી શકો છો!
સામગ્રીઃ
- ચોખા 1 વાટકી
- બાફેલા બટેટા 3
- ચોખાનો લોટ (જરૂર મુજબ)
- લીલા મરચાં 3-4
- કોથમીર ધોઈને સમારેલી ¼ કપ
- જીરૂ 2 ટી.સ્પૂન
- ચિલી ફ્લેક્સ 1 ટે.સ્પૂન
ટમેટાંની ચટણી માટેઃ
- ટમેટાં 3-4
- લસણની કળી 4-5
- તેલ 2 ટી.સ્પૂન
- સૂકા લાલ કાશ્મીરી મરચાં
- કોથમીર ધોઈને મોટા ટુકડામાં કટ કરેલી 1 કપ
- આમલીના 2 ટુકડા
- ગોળ અથવા સાકર 1 ટી.સ્પૂન(optional)
ટમેટાંની ચટણીની રીતઃ એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી તેમાં લસણની કળીઓ સાંતડી લો. ત્યારબાદ તેમાં સમારેલાં ટમેટાં, કાશ્મીરી મરચાં, આમલીના ટુકડા તેમજ ગોળ નાખીને ટમેટાં નરમ થાય ત્યાં સુધી સાંતડી લો. આ મિશ્રણ ઠંડું થાય એટલે તેમાં કોથમીર પણ નાખીને મિક્સીમાં પીસી લો.
પકોડાની રીતઃ ચોખાને સહેજ હૂંફાળા પાણીમાં 1 કલાક માટે પલાળી દો (સમય હોય તો સાદા પાણીમાં 4-5 કલાક પલાળવા). ત્યારબાદ તેમાંનું પાણી નિતારી લઈ તેને મિક્સીમાં એકદમ બારીક પીસી લો. એકવાર મિક્સર ફેરવ્યા બાદ ચોખામાં જરૂરી લાગે તો થોડું પાણી ઉમેરીને બારીક પીસવા. આ મિશ્રણ ઈડલીના ખીરા જેવું ઘટ્ટ રહેવું જોઈએ.
ચોખાના મિશ્રણને એક મોટા બાઉલમાં કાઢી લો. હવે એ જ મિક્સીમાં બાફેલા બટેટા છોલીને તેના મોટા ટુકડા કરીને પીસી લો. ચોખા, બટેટાની પેસ્ટ મિક્સ કરી લો. જો ખીરું પાતળું બને તો તેમાં 1-2 ચમચી ચોખાનો લોટ ઉમેરી દો. આ મિશ્રણને મિક્સ કર્યા બાદ ચમચા વડે એક જ દિશામાં 3-4 મિનિટ માટે હલાવીને મિક્સ કરો.
હવે એમાં લીલા મરચાંને ગોળ સુધારી લઈ ઉમેરો તથા જીરૂ, કોથમીર પણ તેમાં મેળવી દો. મીઠું સ્વાદ મુજબ ઉમેરો. આ મિશ્રણને 10 મિનિટ માટે ઢાંકીને રાખો. 10 મિનિટ બાદ તેમાં ચિલી ફ્લેક્સ મેળવી દો.
એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરી લો. હવે ખીરામાંથી મિડિયમ સાઈઝના પકોડા તેલમાં પાડો. ગેસની આંચ મધ્યમથી તેજ રાખવી. પકોડા તેલમાં નાખ્યા બાદ 1 મિનિટ બાદ ફેરવવા. ત્યારબાદ 1 મિનિટ બાદ ગોલ્ડન રંગના થાય એટલે ઉતારી લેવા.
આ ગરમાગરમ પકોડા ક્રિસ્પી હોવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. ટમેટાંની ચટણી સાથે તેનો સ્વાદ વધી જાય છે!