ચણાના લોટ, રવો અને બાફેલા બટાટાનો ઈન્સ્ટન્ટ બની જતો આ હાંડવો સ્વાદિષ્ટ પણ છે.
સામગ્રીઃ
- 1 કપ રવો
- 1 કપ ચણાનો લોટ
- 2 બટેટા બાફીને છીણેલા
- ½ કપ દહીં
- 1 ગાજર ખમણેલું
- 1 ટી.સ્પૂન ચિલી ફ્લેક્સ
- 1 ટી.સ્પૂન આદુ ખમણેલું
- 1 ટી.સ્પૂન માખણ
- ¼ ટી.સ્પૂન હળદર
- ¼ ટી.સ્પૂન મરચાં પાવડર
- 2-3 લીલા મરચાં ઝીણાં સુધારેલા
- ચપટી હીંગ
- મીઠું સ્વાદ મુજબ
- 2 ટે.સ્પૂન કોથમીર ધોઈને ઝીણી સુધારેલી
વઘાર માટેની સામગ્રીઃ
- ½ ટી.સ્પૂન ઈનો સોડા પાવડર
- 2 ટે.સ્પૂન તેલ
- ½ ટી.સ્પૂન રાઈ
- 1 ટી.સ્પૂન તલ
- 5-6 કળીપત્તા
- 2 ચપટી મરચાં પાવડર
રીતઃ
એક બાઉલમાં ચણાના લોટ, રવો, ચિલી ફ્લેક્સ, ખમણેલું આદુ, ઝીણાં સુધારેલા લીલા મરચાં, હીંગ, મરચાં પાવડર તેમજ સ્વાદ મુજબ મીઠું મેળવી લો. ત્યારબાદ તેમાં દહીંને વલોવીને મિક્સ કરી લો. જરૂર હોય તો પાણી ઉમેરીને ઢોકળાના ખીરા જેવું ખીરુ બનાવવું. આ મિશ્રણને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.
10 મિનિટ બાદ મિશ્રણમાં બાફીને ખમણેલા બટેટા, ખમણેલું ગાજર તેમજ ઝીણી સમારેલી કોથમીર મિક્સ કરી દો. હવે તેમાં ½ ટી.સ્પૂન ઈનો સોડા પાવડર મિક્સ કરીને એકબાજુ રાખો.
બીજી બાજુ પેનમાં 2 ટે.સ્પૂન તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ તતડાવો. ત્યારબાદ તલ નાખીને કળીપત્તા પણ વઘારમાં નાખી દો. હવે હાંડવાનું મિશ્રણ હળવેથી પેનમાં રેડીને એકસરખું ફેલાવી દો. ઉપર 2 ચપટી મરચાંની ભૂકી છાંટીને પેન ઢાંકી દો. ગેસની આંચ મધ્યમ રાખવી.
4-5 મિનિટ બાદ ચેક કરીને હાંડવાને હળવેથી ઉથલાવી દો. પેનને ફરીથી ઢાંકીને 4-5 મિનિટ બાદ ચેક કરો હાંડવો તૈયાર થવા આવ્યો હોય તો ઉપર 1 ટે.સ્પૂન માખણ નાખીને ફરીથી 1 મિનિટ થયા બાદ ગેસ બંધ કરીને હાંડવો નીચે ઉતારી લો. હાંડવાના પીસ કરીને ટોમેટો સોસ જોડે પીરસો.
હાંડવાને બદલે તમે પૂડલા પણ ઉતારી શકો છો.