રવામાં તાજા નાળિયેરનો સ્વાદ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે!
સામગ્રીઃ
- તાજું નાળિયેરની છાલ કાઢીને કરેલું છીણ ½ કપ
- ઠંડું દૂધ ½ કપ
- પાણી ½ કપ
- રવો 1 કપ
- મીઠું ¼ ટી.સ્પૂન
સ્ટફિંગ માટેઃ
- પનીર 200 ગ્રામ
- બાફેલા બટેટા 2
- નાની સાઈઝનું સિમલા મરચું 1
- લીલા મરચાં 3
- આદુ ખમણેલું 1 ટી.સ્પૂન
- ચાટ મસાલો 1 ટી.સ્પૂન
- કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
- સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
- સ્વાદ મુજબ મીઠું
- પિઝા સિઝનિંગ 1 ટી.સ્પૂન
રીતઃ મિક્સીમાં તાજા નાળિયેરની છાલ કાઢીને કરેલી છીણ લઈ તેમાં ½ કપ ઠંડું દૂધ, પાણી પણ ½ કપ, રવો, મીઠું મેળવીને બારીક પેસ્ટ બનાવી લો. મિક્સીમાંથી આ મિશ્રણ કાઢ્યા બાદ મિક્સીમાં થોડું પાણી ફેરવીને મિશ્રણમાં આ પાણી રેડી દેવું. ગેસ ઉપર ઘી એક ટે.સ્પૂન ઘી એક પેનમાં ગરમ કરવા મૂકો. તેમાં રવાનું મિશ્રણ ધીમા તાપે થવા દો. વચ્ચે વચ્ચે ચમચાં વડે ચારવતાં રહેવું. મિશ્રણ ઘટ્ટ લોટ જેવું બંધાઈ એટલે ગેસ બંધ કરીને તેને ઠંડું થવા દો.
એક બાઉલમાં પનીર ખમણી લો અથવા બારીક ચૂરો કરી લો. તેમાં બટેટા ખમણીને ઉમેરો. સિમલા મરચાં તેમજ લીલા મરચાંને ઝીણાં સમારીને ઉમેરો. સમારેલી કોથમીર, ખમણેલું આદું, ચાટમસાલો, કાળા મરી પાઉડર, પિઝા સિઝનિંગ, સ્વાદ મુજબ મીઠું મેળવી દો.
રવાનું મિશ્રણ ઠંડું થયા બાદ તેને 1 ચમચી ઘી મેળવીને કુણી લો. તેમાંથી 2-3 ભાગ કરીને દરેક ભાગમાંથી જાડો રોટલો વણી લો. તેમાંથી વાટકી અથવા ગ્લાસ વડે પૂરી કટ કરી લો. આ દરેક પુરીને પાટલા ઉપર મૂકી વેલણના વડે વણીને લંબગોળ આકાર આપી દો.
બધી પૂરી વણીને તૈયાર થાય એટલે પનીરનું સ્ટફિંગ લઈ એક પુરી પર ગોઠવી દો. તેની ઉપર બીજી પુરી ગોઠવીને બંને પુરીની કિનારી ઉપર સહેજ પાણી લગાડી લઈ પુરીની કિનારી દાબીને પેક કરી દો.
આ જ રીતે બધી પુરી તૈયાર થાય એટલે તેને તેલમાં તળી લો. અથવા એક ચાળણીમાં ગોઠવીને મુઠીયાની જેમ 15 મિનિટ મૂકીને બાફી લો.
આ પનીર સ્ટફિંગને રવાની પુરીમાં બંધ કરીને ગોળો વાળીને અપ્પે પેનમાં ઓછા તેલમાં શેલો ફ્રાય કરી શકો છો.
આ સ્ટફિંગવાળો નાસ્તો લીલી ચટણી સાથે સારો લાગશે.
