આ પરોઠા સ્વાદિષ્ટ તો બને જ છે. પાલકના લીલા રંગને લીધે અલગ દેખાતા આ પરોઠા બાળકો પણ હોંશે હોંશે ખાવા માંગશે!

સામગ્રીઃ
- બટેટા બાફેલા 4
- કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
- શેકેલા જીરા પાઉડર 2 ટી.સ્પૂન
- આમચૂર પાઉડર ½ ટી.સ્પૂન
- લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
- ધાણાજીરૂ 1 ટી.સ્પૂન
- કસૂરી મેથી 2 ટી.સ્પૂન
- અજમો ½ ટી.સ્પૂન
- ચાટ મસાલો 1 ટી.સ્પૂન
- સમારેલી કોથમીર 1 કપ
- ખમણેલું આદુ 1 ટી.સ્પૂન
- લીલા મરચાં 3-4
- ચીઝ ક્યુબ 2
- કાળું મીઠું 2 ચપટી
- વરિયાળીનો અધકચરો ભૂકો 2 ટી.સ્પૂન
પાલક પ્યુરીઃ
- પાલકના પાન ધોયેલા 1½ કપ
- આદુનો ટુકડો 2 ઈંચ
- લીલા મરચાં 3
રીતઃ ધોયેલા પાલકના પાન એક મિક્સીમાં લો. તેમાં આદુ તેમજ મરચાંના ટુકડા ઉમેરીને પાલકની પ્યુરી બનાવી લો.
એક મોટા વાસણમાં લોટ લઈ તેમાં સહેજ મીઠું ઉમેરી પાલકની પ્યુરી વડે લોટ બાંધી લો. તેલનું મોણ દઈ ઢાંકીને લોટ 15 મિનિટ માટે રાખી મૂકો.
બાફેલા બટેટાને ખમણી લો. તેમાં સ્વાદ મુજબ મીઠું, 2 ચપટી કાળું મીઠું, કાળા મરી પાઉડર, શેકેલા જીરા પાઉડર, આમચૂર પાઉડર, લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ, કસૂરી મેથી, અજમો, ચાટ મસાલો, સમારેલી કોથમીર, વરિયાળીનો ભૂકો, ખમણેલું આદુ, લીલા મરચાં સમારીને તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરો. હવે તેમાં ચીઝ ક્યુબ ખમણીને મેળવી દો.
હવે પરોઠા બનાવવા માટે લૂવો લઈ તેને થોડો વણી લીધા બાદ બટેટાનું પૂરણ ભરીને કિનારીઓ વાળીને લૂવો પેક કરી લો. લૂવો હાથેથી થોડો થાપી લીધા બાદ વેલણથી હળવે હળવે વણી લો.
પરોઠા માટે રોટલી ગોળ વણી લઈ તેમાં પૂરણ મધ્યમાં મૂકીને રોટલીની સામસામી બંને બાજુ વાળી લઈને તમે ચોરસ પરોઠું પણ વણી શકો છો. તે જ રીતે ત્રિકોણાકાર પણ આપી શકો છો.
ગેસની આંચ તેજ કરીને તવો ગરમ કરી લીધા બાદ આંચ મધ્યમ કરીને પરોઠું તવા ઉપર શેકવા મૂકો. 1-2 મિનિટ બાદ તેના ઉપર ઘી અથવા તેલ લગાડીને ઉથલાવી દો. એ જ રીતે બીજી બાજુ પણ શેકી લો.
આ પરોઠા અથાણાં અથવા દહીં સાથે સારાં લાગે છે.





