મગની દાળના ઢોકળા

મિક્સ દાળના ઢોકળા તો તમે ખાધા જ હશે! એકલી મગની દાળના ઢોકળા પણ બહુ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે, સાથે તે હેલ્ધી પણ છે. વજન ઘટાડવા માગતા લોકો માટે ડાયેટ માટેનો સારો વિકલ્પ બની શકે છે!

સામગ્રીઃ 1 કપ મગની ફોતરા વગરની દાળ, 1½ ટે.સ્પૂન ચણાનો લોટ, 2 ટે.સ્પૂન દહીં, ¼ ટી.સ્પૂન હળદર, 2 ટી.સ્પૂન ખાવાનો સોડા, 1 ટે.સ્પૂન તેલ, 1 ટી.સ્પૂન સાકર, 2 ટી.સ્પૂન લીલા મરચાંની પેસ્ટ, 1 ટી.સ્પૂન કોથમીર ધોઈને સમારેલી, મીઠું સ્વાદ મુજબ, ચપટી હીંગ

વઘાર માટેઃ 1 ટે.સ્પૂન તેલ,  ½ ટી.સ્પૂન રાઈ, ½ ટી.સ્પૂન તલ, ½ ટી.સ્પૂન જીરૂ, ચપટી હીંગ, લીલા મરચાં કાપા પાડેલા


રીતઃ મગની દાળને 2-3 પાણીએથી ધોઈને 1 કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ દાળને મિક્સીમાં અધકચરી વાટી લો. દાળના મિશ્રણને એક બાઉલમાં કાઢી લો. હવે એમાં મરચાંની પેસ્ટ, સમારેલી કોથમીર, મીઠું, દહીં, ચણાનો લોટ, તેલ, હળદર ઉમેરીને મિક્સ કરી લો.

ઢોકળા બાફવાના વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. તેમાં એક રીંગ મૂકી ઉપર તેલ ચોપડેલી થાળી મૂકી દો.

દાળના મિશ્રણમાં ખાવાનો સોડા ઉમેરીને મિશ્રણને એકરસ ફીણો. જેવો તેમાં ઉભરો આવે એટલે મિશ્રણને થાળીમાં રેડીને વાસણ ઢાંકી દો. 15-20 મિનિટ સુધી ઢોકળાને બાફવા દો. ત્યારબાદ ઢોકળાની થાળીમાં ચપ્પૂ વડે ઢોકળા તૈયાર થયા છે કે નહિ તે જોઈ લો. જો ચપ્પૂ લીસુ નીકળે તો ઢોકળા તૈયાર છે. ગેસ બંધ કરીને હળવેથી થાળી બહાર કાઢી લો. 5 મિનિટ બાદ ઢોકળા થોડા ઠંડા થયા બાદ ચપ્પૂ વડે તેના ચોસલા પાડી લો.

એક વઘારીયા અથવા વાસણમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે જીરૂ અને હીંગ નાખી દો. જીરૂ તતડે એટલે મરચાં હળવેથી નાખીને એકાદ મિનિટ સાંતડીને ગેસ બંધ કરી દો અને હળવેથી તલ ઉમેરો (તલ નાખતી વખતે સંભાળવું. કારણ, તલ તેલમાં નાખતા ફૂટીને ઉડશે). આ વઘાર ઢોકળાની થાળી ઉપર રેડી દો. એક તવેથા વડે એકસરખો ફેલાવી દો. ઢોકળા તૈયાર છે!