કહેવાય છે કે, હનુમાન દાદાને મીઠી બુંદી પ્રસાદમાં બહુ ભાવે છે. મીઠી બુંદીનો પ્રસાદ ઘરમાં બનાવવો બહુ જ સહેલો છે. તો આ હનુમાન જયંતિ નિમિત્તે ઘરે જ બનાવી લો મીઠી બુંદીનો પ્રસાદ!
સામગ્રીઃ
- ઝીણો દળેલો ચણાનો લોટ 1 કપ
- સાકર ¾ કપ
- ખાવાનો સોડા 1 ચપટી
- એલચી પાઉડર ½ ટી.સ્પૂન
- કેસરના તાંતણા 10-11
- લીંબુનો રસ ¼ ટી.સ્પૂન
- તળવા માટે ઘી અથવા તેલ,
- કાજુ-બદામ-પિસ્તાની કાતરી 2 ટે.સ્પૂન
રીતઃ ચણાનો લોટ લઈ તેને બારીક ચાળણીમાં ચાળી લો. તેમાં 1 ચપટી ખાવાનો સોડા મેળવી લો. હવે ચણાના લોટને એક બાઉલમાં લઈ તેમાં પોણા કપ જેટલું પાણી થોડું થોડું ઉમેરતાં જઈ ચમચા વડે હલાવતા જાઓ. તેમાં ગઠ્ઠા ના થવા જોઈએ.
આ મિશ્રણ બહુ જાડુ કે બહુ પાતળુ ન થવું જોઈએ. તેથી પાણી બહુ સાચવીને તેમાં રેડવું.
બુંદી માટેનું મિશ્રણ બરાબર છે કે નહિ તે તપાસવા માટે જે ચમચા વડે મિશ્રણ હલાવતા હો તે ચમચામાંનું મિશ્રણ તે જ વાસણમાં રેડવાથી સહેલાઈથી નીચે રિબીનની માફક પડે અને ચમચો ઉંધો કરવાથી તેમાં ચણાના લોટનું મિશ્રણ ચોંટેલું હોવું જોઈએ. આ ચમચા ઉપર આંગળી ફેરવવાથી તેની ઉપર એકસરખી લીટી પડેલી હોય તો સમજવું મિશ્રણ બરાબર છે. બીજી રીત પ્રમાણે, એક સ્ટીલની વાટકીમાં પાણી લઈ તેમાં ચમચા વડે 3-4 ટીપાં લોટ પાડવાથી તે નીચે બુંદી અથવા લીટી આકાર બને અને તે ચોંટી જાય કે ફેલાઈ નહીં. તો મિશ્રણ બરાબર છે. ટૂંકમાં, લોટનું ખીરું એ પ્રમાણે ઘટ્ટ હોય કે ચમચામાંથી રેડતાં તે સરળતાથી નીચે પડે.
બુંદી પાડવા માટે સ્ટીલનો ઝારો, ચાળણી કે દૂધી ખમણવાની ખમણી લઈ શકાય. ખમણી વધુ સારી રહેશે.
કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ગેસની આંચ મધ્યમ રાખવી. ઘી ગરમ થાય એટલે એક આંગળી લોટના મિશ્રણમાં ડૂબાડીને કઢાઈમાં ઉપરથી અધ્ધર રાખવી. જેથી તેમાંથી લોટના ટીપાં પડે અને બુંદીનો આકાર આવે. જો આ લોટ નીચે ઘીમાં પડતાંની સાથે જ બુંદી બનીને તરત ઉપર આવે તો સમજવું કે ઘી સરખું ગરમ થયું છે. હવે ગેસની આંચ ધીમી કરી દો.
ચોખ્ખી ધોઈને લૂછેલી ખમણી એક હાથ વડે કઢાઈથી 3-4 ઈંચ ઉપર પકડી રાખવી. બીજા હાથેથી ચમચા વડે લોટનું મિશ્રણ ખમણીમાં રેડવું. ખમણી સ્થિર પકડી રાખવી. તેને હલાવવી નહીં. લોટની બુંદી આપમેળે ઘીમાં પડશે. ખમણીમાંનું મિશ્રણ પૂરું થાય એટલે બીજો ચમચો રેડીને બુંદી પાડો.
હવે ખમણી ધીરેથી ખસેડીને બીજી થાળીમાં મૂકી દો. ઝારા વડે બુંદીને ફેરવીને 2-3 મિનિટમાં કાઢી લો. બુંદીને વધુ લાલ નથી કરવી.
બીજીવાર બુંદી બનાવવા માટે ખમણીને એક કપડા વડે આગળ-પાછળથી ચોખ્ખી લૂછી લો. કારણ કે, મિશ્રણ ચોંટેલું હશે તો બુંદી સરખી ગોળ નહિં પડે.
બધી બુંદી તળી લીધા બાદ ગેસ બંધ કરી દો. કેસરના તાંતણાને પા વાટકી જેટલા પાણીમાં પલાળી રાખો.
બીજા એક પેનમાં સાકર લઈ તે ડૂબે તેટલું પાણી રેડી ગેસની મધ્યમ-ધીમી આંચે સાકર ઓગળવા દો. સાકર ઓગળે એટલે ગેસની આંચ તેજ કરીને ચાસણીને હલાવતા રહો. જ્યાં સુધી તે મધ જેવી ચિપચિપી ન થાય. ચાસણી તપાસવા માટે ચમચા વડે ચાસણીનું એક ટીપું પ્લેટમાં રેડીને ઠંડું થાય એટલે બે આંગળીની વચ્ચે લઈ તપાસી જોવું. ચાસણી તૈયાર થવા આવે એટલે લીંબુનો રસ મેળવી દો. થોડીવાર બાદ કેસરવાળું પાણી તેમજ એલચી પાઉડર મેળવી દો. ગેસ બંધ કરી દો. ચાસણી થોડી ઠંડી થાય એટલે તેમાં બુંદી મેળવી. ચમચા વડે મિક્સ કરીને તેમાં ડ્રાય ફ્રુટની કાતરી મેળવીને 3-4 કલાક માટે ઢાંકીને રહેવા દો.
4 કલાક બાદ મીઠી બુંદીમાં ચાસણી પચી જશે અને પ્રસાદ તૈયાર થઈ જશે.
