લચ્છા પરાઠામાં શાકભાજી ઉમેરી દો તો તે સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ બને છે.

સામગ્રીઃ ઘઉંનો લોટ 1 કપ, મેંદો ½ કપ, ગાજર ખમણેલું 2 ટે.સ્પૂન, લીલા મરચાં 3, કોબી ખમણેલી ½ કપ, કોથમીર ધોઈને સમારેલી ½ કપ, બાફેલા બટેટા 2, લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન, હળદર ¼ ટી.સ્પૂન, ધાણાજીરૂ 2 ટી.સ્પૂન, આદુ-લસણની અધકચરી વાટેલી પેસ્ટ 1 ટે.સ્પૂન, ગરમ મસાલો 1 ટી.સ્પૂન, સ્વાદ મુજબ મીઠું, કાંદા 2, આમચૂર પાઉડર ½ ટી.સ્પૂન, સફેદ તલ 2 ટે.સ્પૂન
વાટેલા મસાલા માટેઃ આખા કાળા મરી 8-10 નંગ, જીરૂ 1 ટી.સ્પૂન, આખા ધાણા 1 ટી.સ્પૂન, વરિયાળી 1 ટી.સ્પૂન, કળી પત્તાના પાન 7-8,
રીતઃ મસાલો વાટવા માટે કળી પત્તાના પાન પેનમાં શેકીને કાઢી લેવા. ત્યારબાદ તેમાં જીરૂ, વરિયાળી, ધાણા અને કાળા મરી થોડાં શેકી લો. તે ઠંડા થાય એટલે કળી પત્તાના પાન સાથે તેને અધકચરા વાટી લો.
કાંદાને પાતળી લાંબી સ્લાઈસમાં કટ કરી લેવા. બાફેલા બટેટાને ખમણી લો.
વાટેલો મસાલો એક બાઉલમાં લઈ તેમાં ખમણેલાં ગાજર, કોબી, સમારેલાં કાંદા, કોથમીર, લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ, હળદર, આદુ-લસણની પેસ્ટ લઈ તેમાં આમચૂર પાઉડર તથા સ્વાદ મુજબ મીઠું મેળવીને પૂરણ તૈયાર કરી લો.
ઘઉંનો લોટ તેમજ મેંદો લઈ તેમાં તેલનું મોણ આપીને લોટ બાંધીને 10 મિનિટ માટે ઢાંકીને રાખી મૂકો.
ત્યારબાદ મોટો લૂવો લઈ તેનું મોટું પરોઠું વણી તેમાં આખામાં પૂરણ લગાડી લો. તેની ઉપર બીજું પરોઠું વણીને સરખું દાબીને ગોઠવી દો. આ પરોઠાના 1 ઈંચ પહોળા કાપા પાડીને તેનો ગોળ રોલ વાળી દો અને પ્રેશ કરીને લોટનું અટામણ આપીને તેનું પરોઠું વણી લો. આ પરોઠાની ઉપર કલૌંજી અથવા કાળા તલ ભભરાવીને પ્રેશ કરી દો અને પરોઠું ગેસની ધીમી મધ્યમ આંચે શેકી લો. ફરતે ઘી અથવા તેલ લગાડી શકો છો.
તૈયાર પરાઠા લીલી ચટણી કે ટોમેટો કેચઅપ સાથે પીરસો.





