દિવાળીમાં બનાવેલા નાસ્તા કે મિઠાઈ હવે પૂરા થવા માંડ્યા હશે! પરંતુ દિવાળી તો હજુ પૂનમ સુધી છે! એટલે દિવાળીનો મૂડ પણ તો છે જ! તો બનાવી લો દેવ દિવાળી માટે ઈન્સ્ટન્ટ ચોકલેટ બરફી!
સામગ્રીઃ
- 500 મિ.લી. દૂધ
- 1 કપ સાકર
- 4 ટે.સ્પૂન ઘી
- 1 ટે.સ્પૂન બારીક રવો
- 2 ટે.સ્પૂન કોકો પાવડર
- 3-4 ટે.સ્પૂન દૂધ
રીતઃ એક જાડા તળિવાવાળી કઢાઈમાં 500 મિ.લી. દૂધ, સાકર, ઘી તેમજ રવો મિક્સ કરીને ગેસની તેજ આંચ પર એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો મિશ્રણને ઝારા વડે સતત હલાવતા રહો. એક ઉભરો આવે એટલે ગેસની આંચ ધીમી કરીને મિશ્રણને 20 મિનિટ સુધી એકસરખું ઝારાથી હલાવતા રહેવું. મિશ્રણ ઢોસાના ખીરા જેવું ઘટ્ટ થવું જોઈએ.
હવે એક વાટકીમાં 3-4 ટે.સ્પૂન દૂધ લઈ તેમાં કોકો પાવડર મિક્સ કરીને કઢાઈના મિશ્રણમાં ઉમેરી દો. હજુ 5-10 મિનિટ સુધી મિશ્રણને હલાવ્યા બાદ તે ઘટ્ટ થવા માંડે એટલે ગેસ બંધ કરી દો.
ઘી ચોપડેલી ટ્રે અથવા ડિશમાં આ મિશ્રણ રેડીને એકસરખું ફેલાવી દો. તેને 15 થી 20 મિનિટ સુધી ઠંડુ થવા દો. ત્યારબાદ તેના ચોસલા પાડી શકો છો.
ચોકલેટ મિઠાઈ એરટાઈટ કન્ટેનરમાં ભરી દો. આ મિઠાઈ 3-4 દિવસ સુધી ફ્રિજમાં રાખ્યા વગર પણ બહાર સારી રહે છે.