ક્રિસ્પી ચીઝી પનીર ટિક્કા ડિસ્ક

આ વાનગીનું નામ જેટલું લાંબુ છે, તેટલી જ વાનગી બનાવવાની રીત પણ થોડી લાંબી છે. પરંતુ વાનગી બને છે મજેદાર હં! બાળકો તેમજ મોટેરાંને પણ ભાવશે આ સ્વાદિષ્ટ નવીનતમ વાનગી!

સામગ્રીઃ

  • તેલ 2  ટે.સ્પૂન
  • કાશ્મીરી લાલ મરચાં પાવડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરુ પાવડર 1  ટી.સ્પૂન
  • ગરમ મસાલો ¼ ટી.સ્પૂન
  • શેકેલા જીરાનો પાવડર ½ ટી.સ્પૂન
  • કાળું મીઠું ¼ ટી.સ્પૂન
  • ચાટ મસાલો ½ ટી.સ્પૂન,
  • આદુ-લસણની પેસ્ટ 1 ટે.સ્પૂન
  • લીંબુનો રસ ½ ટે.સ્પૂન
  • શેકેલો ચણાનો લોટ 1 ટે.સ્પૂન
  • પનીર 150 ગ્રામ
  • સિમલા મરચું 1
  • નાનો કાંદો 1
  • ટામેટું 1
  • ઘટ્ટ દહીં 1 કપ
  • મેયોનિઝ 3 ટે.સ્પૂન
  • લીલી ચટણી 3 ટે.સ્પૂન
  • બ્રેડ સ્લાઈસ

રીતઃ 2  ટે.સ્પૂન તેલમાં કાશ્મીરી લાલ મરચાં પાવડર, ધાણાજીરુ પાવડર, ગરમ મસાલો, શેકેલા જીરાનો પાવડર, કાળું મીઠુ, ચાટ મસાલો, આદુ-લસણની પેસ્ટ, લીંબુનો રસ તેમજ શેકેલો ચણાનો લોટ મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં દહીં પણ મેળવી લો. આ મિશ્રણમાં ઝીણાં સમારેલો કાંદો, સિમલા મરચું, ટામેટું મેળવી દો અને ઢાંકીને 10-15 મિનિટ માટે એકબાજુએ મૂકી દો.

એક બાઉલમાં મેયોનિઝ તેમજ લીલી ચટણી મિક્સ કરીને એકબાજુએ મૂકી દો.

એક વાટકી વડે બ્રેડની ગોળ સ્લાઈસ કરી લો. બીજી એનાથી નાની વાટકી લો અને બ્રેડની ગોળ સ્લાઈસને ફરીથી કટ કરીને બ્રેડની રીંગ કટ કરી લો.

15 મિનિટ થાય એટલે બ્રેડની ગોળ સ્લાઈસ પર લીલી ચટણી ચોપડી દો અને તેની ઉપર બ્રેડની રીંગ ગોઠવી દો. આ તૈયાર થયેલી ડિસ્કમાં પનીરનું તૈયાર કરેલું મિશ્રણ 1-2 ચમચી ભરી દો. ઉપર ચીઝ ભભરાવી દો. તૈયાર થયેલા ટિક્કામાં બ્રેડના તળિયે બટર અથવા ઘી ચોપડી દો.

એક નોન-સ્ટીક કઢાઈમાં મીઠું પાથરીને તેમાં સ્ટેન્ડ મૂકીને કઢાઈ ઢાંકી દો અને ગેસ પર 10 મિનિટ ગરમ થવા દો. ત્યારબાદ તેમાં ફોઈલ પેપરથી કવર કરેલી એક ડીશ લો અથવા ડીશમાં બટર પેપર મૂકીને આ ડીશમાં તૈયાર કરેલા પનીર ટિક્કા આવે એટલા ગોઠવીને ડીશ કઢાઈમાં મૂકી દો. કઢાઈ ઢાંકીને 10 મિનિટ ગરમ થવા દો.

ત્યારબાદ તૈયાર થયેલા ક્રિસ્પી ચીઝી પનીર ટિક્કા ડિસ્કને ટોમેટો કેચઅપ સાથે પીરસો.