વરસાદના દિવસોમાં બહાર જવાનો મોટે ભાગે કંટાળો આવતો હોય! વળી શાક સરખા ના મળતા હોય! તો ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રી વડે, પૂરણ ભરવાની ઝંઝટ વગર ઝટપટ બની જાય છે કાંદાના સ્વાદિષ્ટ પરોઠા!
સામગ્રીઃ
- મોટી સાઈઝના કાંદા 3-4 (લીલા કાંદા પણ પાન સહિત લઈ શકાય)
- ઘઉંનો લોટ 2 કપ
- લીલા મરચાં 3-4
- કોથમીર ધોઈને સમારેલી 1 કપ
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન
- ચાટ મસાલો 1 ટી.સ્પૂન
- અજમો 1 ટી.સ્પૂન
- સફેદ તલ 3 ટી.સ્પૂન
- તેલ
- ધાણાજીરૂ પાઉડર 1 ટી.સ્પૂન
- જીરુ 1 ટી.સ્પૂન
રીતઃ કાંદાને એકદમ ઝીણાં સમારી લો. તેમાં મીઠું સ્વાદ પ્રમાણે લઈને આમચૂર પાઉડર, ચાટ મસાલો, સફેદ તલ, અજમો, જીરુ, લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ પાઉડર, ચાટ મસાલો, ઝીણાં સમારેલા લીલા મરચાં તેમજ સમારેલી કોથમીર ઉમેરીને મેળવી લો. આ મિશ્રણને 10-15 મિનિટ રહેવા દો. જેથી તેમાંથી પાણી છૂટશે. ત્યારબાદ તેમાં લોટ ઉમેરીને મિક્સ કરી લો. જો જરૂર લાગે તો 1-1 ચમચી જેટલું પાણી ઉમેરીને રોટલીના લોટ કરતાં કઠણ લોટ બાંધી લો.
ત્યારબાદ તેલનું મોણ આપીને તરત પરોઠા વણી લો. કારણ કે, લોટ રાખી મૂકવાથી તેમાંથી પાણી છૂટશે અને લોટ નરમ થશે.
લોટમાંથી લૂવો લઈ તેની ઉપર ઝીણાં સમારેલાં મરચાંના 4-5 ટુકડા તેમજ તલ ભભરાવીને હાથેથી પ્રેશ કરીને લોટમાં રોળવીને પરોઠા વણી લો.
તવો ગેસ ઉપર ગરમ કરી લો. તેની ઉપર તવેથા વડે 1 ચમચી જેટલું તેલ લગાડી લો. હવે ગેસની મધ્યમ આંચ કરીને આ પરોઠા શેકી લો. પરોઠાને તવેથા વડે હળવા પ્રેશ કરીને એકસરખા શેકવા. ફરતે તેલ અથવા ઘી ચોપડી શકાય.
તૈયાર પરોઠા ટોમેટો-કેચ-અપ, લીલી ચટણી અથવા અથાણાં સાથે પીરસી શકાય છે.