આ દૂધીના સ્વાદિષ્ટ મિની મુઠીયા સોફ્ટ બને છે!

સામગ્રીઃ
- દૂધી 300 ગ્રામ
- ઘઉંનો લોટ 1 કપ
- ઘઉંનો જાડો લોટ ½ કપ
- ચણાનો લોટ ½ કપ
- લસણ-મરચાંની પેસ્ટ 1 ટે.સ્પૂન
- જીરૂ 1 ટી.સ્પૂન,
- હીંગ ¼ ટી.સ્પૂન
- દહીં ½ કપ
- વરિયાળી 1 ટી.સ્પૂન
- સફેદ તલ 2 ટે.સ્પૂન
- લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
- ધાણાજીરૂ 1 ટી.સ્પૂન
- હળદર ½ ટી.સ્પૂન
- અજમો ½ ટી.સ્પૂન
- ખાંડ ½ ટી.સ્પૂન
- સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
- કસૂરી મેથી 1 ટી.સ્પૂન
- તેલ 1 ટે.સ્પૂન
- સ્વાદ મુજબ મીઠું
વઘાર માટેઃ
- કળીપત્તાના પાન 7-8
- સફેદ તલ 2 ટી.સ્પૂન
- રાઈ 1 ટી.સ્પૂન
- તેલ 1 ટે.સ્પૂન
- લીલા મરચાં 2-3
- સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન
રીતઃ દૂધીને ખમણી લો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ તેમજ હીંગનો વઘાર કરી લસણ-મરચાંની પેસ્ટ સાંતળીને ખમણેલી દૂધી તેમાં પાણી સૂકાય ત્યાં સુધી સાંતળી લો. ગેસ બંધ કરી દો.
દૂધી ઠંડી થાય એટલે તેને એક બાઉલમાં લઈ તેમાં ઘઉંનો બારીક તથા કરકરો લોટ અને ચણાનો લોટ મેળવો. ત્યારબાદ દહીં, વરિયાળી, તલ, લાલ મરચાં પાઉડર, ધાણાજીરૂ, હળદર, અજમો, ખાંડ, સમારેલી કોથમીર, સ્વાદ મુજબ મીઠું તેમજ કસૂરી મેથી હાથેથી મસળીને તેમાં મેળવીને સહેજ ઢીલો લોટ બાંધી લો.
આ લોટમાંથી નાની સાઈઝના લૂવા લઈ તેને લંબગોળ આકાર આપો. બધા લૂવા આ રીતે તૈયાર કરી, તેલ લગાડેલી સ્ટીલની ચાળણીમાં ગોઠવી દો અને સ્ટીલના વાસણમાં પાણી તેમજ કાંઠો મૂકી તેની ઉપર ચાળણી મૂકીને 40 મિનિટ સુધી ગેસની મધ્યમ આંચે બફાવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી દો.
મુઠીયા ઠંડા થાય એટલે તેને બહાર કાઢી લો.
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ તતડે એટલે કળી પત્તાના પાન ઉમેરી લીલા મરચાંના ફાડા તેમજ ટુકડા કરી વઘારમાં ઉમેરીને સફેદ તલ મેળવી દો અને અને સમારેલી કોથમીર ભભરાવી ગેસ બંધ કરી દો. આ વઘારમાં બફાયેલા મુઠીયા મેળવી દો. ગરમાગરમ મુઠીયા ચા અથવા ચટણી સાથે પીરસો.



