વેડમી પુરી અને બટેટાનું શાક

દિલ્હી, મથુરા તેમજ વૃંદાવનની પ્રખ્યાત સ્ટ્રીટ ડિશ છે વેડમી પુરી સાથે બટેટાનું રસાદાર શાક! જેનો સ્વાદ એકદમ ચટપટો સ્વાદસભર છે!

સામગ્રીઃ

  • ઘઉંનો લોટ 1½ કપ
  • રવો ½ કપ
  • અજમો ½ ટી.સ્પૂન
  • કસૂરી મેથી 1 ટે.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • મોણ માટે ઘી 2 ટે.સ્પૂન
  • તેલ તળવા માટે

પુરીના પૂરણ માટેઃ

  • અળદની દાળ 50 ગ્રામ
  • આખા ધાણા 2 ટે.સ્પૂન
  • વરિયાળી 1 ટે.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • કાળા મરી 6-7
  • સૂકું લાલ મરચું 1
  • લીલું મરચું 1
  • આદુ 1 ઈંચ
  • આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન
  • કસૂરી મેથી 1 ટી.સ્પૂન

આલુ સબ્જી માટેઃ

  • બાફેલા બટેટા 6
  • લવિંગ 3
  • કાળા મરી 4-5
  • મોટી એલચી 2
  • જીરૂ 1 ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • ધાણાજીરૂ પાઉડર 2 ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • વરિયાળી 1 ટી.સ્પૂન
  • આમચૂર પાઉડર 1 ટી.સ્પૂન
  • કસૂરી મેથી 1 ટી.સ્પૂન
  • ટામેટાં 3
  • આદુનો ટુકડો 2 ઈંચ
  • લીલા મરચાં 2
  • ચણાનો લોટ 1 ટે.સ્પૂન
  • ઘી 1 ટે.સ્પૂન
  • ગરમ મસાલો 1 ટી.સ્પૂન
  • સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન

રીતઃ ઘઉંના લોટમાં અજમો, કસૂરી મેથી, સ્વાદ પ્રમાણે મીઠું મેળવીને હાથેથી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ઘીનું મોણ આપો. મોણ આપ્યા બાદ થોડો લોટ મુઠ્ઠીમાં લઈ વાળતા સહેજ ગોળા જેવો બંધાય એટલે તેમાં થોડું થોડું પાણી (લગભગ 2 ટે.સ્પૂન) ઉમેરીને પુરી જેવો લોટ પણ સહેજ નરમ બાંધો. તેમાં રહેલા રવાને કારણે પાણી શોષાઈને લોટ કઠણ થશે. બાંધેલો લોટ થોડીવાર માટે એકબાજુએ રાખી મૂકો.

અળદની દાળ ધોઈને પંખા નીચે એક કાપડ ઉપર પાથરીને કોરી કરી લો. તેને મિક્સીમાં પલ્સ મોડ ઉપર કરકરી પીસી લો. એ જ મિક્સીમાં આખા ધાણા, વરિયાળી, જીરૂ, કાળા મરી, સૂકું લાલ મરચું અધકચરા પીસી લો.

એક પેનમાં 1 ટે.સ્પૂન તેલ ગરમ કરી તેમાં આ દળેલો મસાલો 1 મિનિટ સાંતળીને તેમાં લીલું મરચું સમારીને, આદુ ખમણીને મેળવો. હીંગ તથા સ્વાદ પ્રમાણે મીઠું મેળવો. 1 મિનિટ સાંતળી લીધા બાદ તેમાં અળદની દળેલી દાળ મેળવો. 1 મિનિટ બાદ તેમાં અડધો કપ પાણી મેળવીને ગેસની ધીમી આંચે દાળ ચઢવા દો. તેમાંનું પાણી સૂકાવા આવે એટલે ગેસ બંધ કરીને દાળને ઢાંકીને રાખી મૂકો.

આલુ સબ્જીઃ લવિંગ, કાળા મરી, વરિયાળી, મોટી એલચીના દાણાને અધકચરા વાટી લો.

ટામેટાંની પ્યુરી કરી લો. અથવા ખમણી લો. આદુ-મરચાંને ઝીણાં ટુકડામાં સમારી લો.

એક કઢાઈમાં તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી દો અને તેલમાં જીરૂનો વઘાર કરી, ઉપર વાટેલો મસાલાનો અધકચરો ભૂકો ઉમેરો. સમારેલાં આદુ-મરચાં ઉમેરો. 2 મિનિટ બાદ તેમાં હળદર, મરચાં પાઉડર, ધાણાજીરૂનો વઘાર કરી ટામેટાંની પ્યુરી મેળવીને સાંતળો. તેલ છૂટું પડે એટલે ગેસ થોડીવાર માટે બંધ કરી દો.

એક વઘારીયામાં ઘી ગરમ કરીને ગેસની ધીમી આંચે ઘીમાં ચણાનો લોટ થોડો ગુલાબી રંગનો સાંતળીને ટામેટાંની ગ્રેવીમાં મેળવી દો અને 1 ગ્લાસ જેટલું પાણી મેળવીને ગેસ ફરીથી ચાલુ કરીને ગ્રેવી ઉકળવા દો. ગ્રેવી ઉકળવા આવે એટલે તેમાં બાફેલા બટેટાને હાથેથી તોડીને બટેટાનો થોડો ભૂકો તેમજ થોડા મોટા ટુકડા કરી ગ્રેવીમાં મેળવો. હવે તેમાં આમચૂર પાઉડર તથા ગરમ મસાલો મેળવીને ગેસની આંચ તેજ કરીને શાક ઉકળવા દો. 5-7 મિનિટ બાદ કોથમીર ભભરાવીને કઢાઈ ઢાંકીને ગેસ બંધ કરી દો.

પુરી બનાવવા માટે લોટના લૂવા બનાવી લો. પુરણના પણ ગોળા વાળી લો. લોટનો લૂવો થોડો ચપટો કરી અથવા વણીને તેમાં પુરણનો ગોળો ભરીને લૂવો વાળીને બંધ કરી દો. આ પુરી વણવા માટે પાટલા ઉપર થોડું તેલ લગાડીને પુરી વણવી.

કઢાઈમાં તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરી લો. કઢાઈમાં 1 થી 2 પુરી નાખીને ગેસની મધ્યમ આંચે જ પુરી તળવી.

તૈયાર પુરી ગરમાગરમ રસાવાળા બટેટાના શાક સાથે પીરસો.