ડિજિટલ બેંકિંગ અથવા અન્ય નાણાંકીય વ્યવહારો ઘેર બેઠાં તેમજ દિવસના 24 કલાકમાં ગમે ત્યારે પણ કરી શકાતાં હોવાથી લોકોમાં ઘણાં પ્રિય થઈ રહ્યાં છે. તમારે હવે કોઈ પણ યુટિલિટી બિલ ભરવા માટે સવારમાં ઉઠીને દોડવું નથી પડતું કે કોઈ લાંબી લાઈનમાં ઉભા નથી રહેવું પડતું.
ઘેર બેઠાં તમારા કમ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલ પર આંગળીના ટેરવે અને ગણતરીની સેકંડોમાં તમે તમારું ફોનનું બિલ, લાઈટ બિલ, ગેસનું બિલ કે અન્ય કોઈ પણ બિલ નેટ બેંકિંગ અથવા મોબાઈલ એપથી ભરી શકો છો.
મોટા ભાગના બેંકિંગ વ્યવહારો જેમ કે, તમારા કાર્ડનો પાસવર્ડ બદલવો હોય, ચેકબુક મંગાવવી હોય કે નવું ખાતું ખોલાવવું હોય તો નેટ બેંકિંગમાં એક ક્લિકથી કરી શકાય છે. આધાર કાર્ડ કે પેન કાર્ડમાં તમારી માહિતી અપડેટ કરવી હોય કે ગેઝેટ બનાવવું હોય તે પણ હવે ઘેર બેઠાં શક્ય છે. જો કે આ બધાં કામ ફક્ત પોતાના મોબાઈલ, પીસી કે લૅપટૉપના ઈન્ટરનેટ કનેક્શનથી જ કરવાં. ધ્યાન રહે, અન્ય વાઈ-ફાઈ કનેક્શન જેવાં કે રેલવે, એરપોર્ટ, હોટેલ કે મૉલનાં વાઈ-ફાઈથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન ન કરવાં.
આજે ઘણી બધી સગવડ તેમજ ટ્રાન્ઝેક્શન હાથવગા થવાને લીધે લોકોમાં ડિજિટલ વર્લ્ડ લોકપ્રિય થઈ રહ્યું છે. પણ તે સાથે જ ડિજિટલ ક્ષેત્રે છેતરપિંડી પણ વધી ગઈ છે. જો કે, ઉપર કહેલી તમામ બેંક સહિતની વેબસાઈટોમાં સલામતી ઘણી જ મજબૂત રાખવામાં આવે છે. તે છતાં, સલામતી માટે રાખવામાં આવતાં પગલાં જેમ જેમ મજબૂત કરતાં જઈએ કે અપડેટ કરતાં રહીએ, તેમ તેમ સામે હેકર્સ, છેતરપિંડી કરનાર વધુને વધુ સ્માર્ટ થતાં જાય છે. આપણાં સલામતીના એક પગલાંની સામે એ લોકો છેતરપિંડીના વધુ ચાર રસ્તા બનાવી લે છે.
દર વર્ષે આવી સાયબર ગુનાખોરીનું પ્રમાણ વધતું જ જાય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર કરેલાં આંકડા મુજબ 2017-18 દરમ્યાન 2,059 કેસ સામે આવ્યા. જેમાં 109.6 કરોડ જેટલી નાણાંકીય છેતરપિંડી થઈ હતી. 2016-17માં રકમનો આંકડો 42.3 કરોડ હતો અને 1,372 જેટલાં કેસ હતા.
પરંતુ હવે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) આવી અનેક છેતરપિંડીને પહોંચી વળવા અને એને અટકાવવા હજુ વધુ કડક અને સુરક્ષાત્મક પગલાં લેવાનો પ્લાન કરી રહી છે. જેથી બેંકના ગ્રાહકો પૂરા આત્મવિશ્વાસ સાથે કોઈ પણ જાતના ડર વગર ડિજિટલ બેંકિંગ કરી શકે.