નિર્દેશક કપિલ કપૂરની ફિલ્મ ‘યે વાદા રહા’ (૧૯૮૨) માં બે અભિનેત્રીઓ પૂનમ ધિલ્લોન અને ટીના મુનીમ હોવા છતાં એમને ત્રીજી જ હીરોઈને અવાજ આપ્યો હતો. પૂનમ એક વખત જાપાન ગઈ ત્યારે એરપોર્ટ પરથી લેખક ડેનિયલ સ્ટીલની નવલકથા ‘ધ પ્રોમિસ’ વાંચવા લીધી હતી. એ વાંચીને પૂનમને થયું કે આ વિષય પર આજ સુધી ફિલ્મ બની ન હોવાથી બનવી જોઈએ. પૂનમે જેમની ફિલ્મ ‘ત્રિશૂલ’ (૧૯૭૮) થી અભિનયમાં પ્રવેશ કર્યો હતો એ નિર્દેશક યશ ચોપડાને કહ્યું કે એણે એક સરસ પુસ્તક વાંચ્યું છે અને એનો વિષય સારો હોવાથી તમારે એના પર ફિલ્મ બનાવવાનું વિચાવું જોઈએ.
યશજી પાસે ત્યારે સમય ન હતો એટલે પત્ની પામેલા ચોપડાને એ પુસ્તક વાંચીને વાર્તા સંભળાવવાનું કામ સોંપ્યું હતું. પામેલાએ વાર્તા વાંચીને જ્યારે યશ ચોપડાને સંભળાવી ત્યારે એમણે પહેલી જ વારમાં ના પાડી દીધી હતી. એમાં એક એવી સ્ત્રીની વાર્તા હતી જેને અકસ્માત થાય છે અને પ્લાસ્ટિક સર્જરીથી એનો ચહેરો બદલાઈ જાય છે. ચહેરો બદલાયા પછી એ પોતાનું નામ પણ બદલી નાખે છે. પૂનમે વાર્તા પસંદ ન આવવાનું કારણ પૂછ્યું ત્યારે યશજીએ ઉદાહરણ આપીને કહ્યું હતું કે હેમામાલિની જો ઝીનત અમાન બની જાય તો લોકો એને કેવી રીતે સ્વીકારી શકે? પૂનમે દલીલ કરી જોઈ પણ એમણે કહ્યું કે આ વાર્તાને દર્શકો સ્વીકારી શકશે નહીં.
આ વાતને પાંચ વર્ષ વીતી ગયા પછી નિર્માતા રમેશ બહેલ પાસે વિષય પહોંચ્યો. ત્યાં સુધી પ્લાસ્ટિક સર્જરીથી ચહેરો બદલાવાના આ વિષય પર કોઈ ફિલ્મ આવી ન હતી. એમણે કપિલ કપૂરને નિર્દેશન સોંપી પૂનમ ધિલ્લોન અને ટીના મુનીમને રિશી કપૂરની હીરોઈન બનાવી. પૂનમે પહેલો રોલ પસંદ કર્યો હતો. અકસ્માત બાદ ચહેરો બદલાયો એ રોલ ટીના મુનીમે કર્યો હતો. ફિલ્મનું શુટિંગ જ્યારે પૂરું થઈ ગયું ત્યારે રમેશ બહેલ એક બાબતે મૂંઝવણમાં મુકાઇ ગયા. વાર્તામાં એક જ મહિલાની વાત હતી અને બે અભિનેત્રીઓ હતી. તેથી ગૂંચવાડો ના થાય અને વાર્તા વાસ્તવિક લાગે એ માટે અવાજ કોઈ એકનો જ રાખવો પડે એમ હતો.
જો પૂનમનો રાખે તો ટીનાને સારું ના લાગે અને ટીનાનો અવાજ રાખે તો પૂનમને ના ગમે એમ બની શકે. તેથી વચ્ચેનો રસ્તો કાઢ્યો અને ત્રીજી જ અભિનેત્રીનો અવાજ રાખવાનું નક્કી કર્યું. એમણે જયા બચ્ચનને વાત કરી અને એ પોતાનો અવાજ આપવા તૈયાર થઈ ગયા એટલે એમના અવાજમાં બંને હીરોઈનો માટે ડબિંગ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું આર.ડી. બર્મનનું સંગીત પસંદ કરવામાં આવ્યું હતું. એમાં ત્રણેય મુખ્ય કલાકારો સાથેનું ‘તૂ તૂ હૈ વહી, દિલને જિસે અપના કહા’ એની કોરિયોગ્રાફી સાથે બહુ લોકપ્રિય રહ્યું હતું.