સુનીલ દત્તે શીબાને ખોટી પાડી

સુનીલ દત્તની નિર્દેશક તરીકેની છેલ્લી ફિલ્મ ‘યે આગ કબ બુઝેગી’ (૧૯૯૧) થી હિન્દી ફિલ્મોમાં અભિનેત્રી તરીકે શરૂઆત કરનાર શીબા પછીથી ફિલ્મો કરવાની ન હતી પણ એની અભિનય કારકિર્દી ૨૦૨૩ ની ‘રૉકી ઔર રાની કી પ્રેમકહાની’ સુધી આગળ વધતી જ રહી છે. શીબાનો પરિવાર દુબઈ સ્થિર થયો હોવાથી એક આંતરરાષ્ટ્રીય સ્કૂલમાં એને દાખલ કરવામાં આવી હતી. એ સ્કૂલમાં હતી ત્યારથી જ રજાઓમાં સમય મળે ત્યારે મોડેલ તરીકે કામ કરવા લાગી હતી. એની ઉંમર નાની હતી પણ યુવાન સ્ત્રી જેવી દેખાતી હોવાથી દુબઈમાં સાડીની જાહેરાતોમાં વધારે કામ મળી રહ્યું હતું. અનેક દુકાનોમાં એના સાડીમાં ફોટા જોવા મળતા હતા. એક સાડીની જાહેરાતમાં જ સુનીલ દત્તની નજર એના પર પડી હતી. તે ઘણા સમયથી ‘યે આગ કબ બુઝેગી’ ની સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યા હતા.

એક વખત એક એરલાઇન્સના મેગેઝીનમાં એમણે શીબાનો સાડીમાં ફોટો જોયો અને દહેજની સમસ્યા પર આધારિત પોતાની ફિલ્મના ‘પૂજા’ ના પાત્ર માટે જેવી યુવતીની જરૂર હતી એમાં એ બંધબેસતી લાગી હતી. એમને એક નવી છોકરીનો જેવો નિર્દોષ ચહેરો જોઈતો હતો એવો શીબામાં નજર આવ્યો હતો. એમણે શીબાને મુંબઈ બોલાવી અને પોતાની ફિલ્મ ઓફર કરી. એ માટે શીબાનો કોઈ સ્ક્રીનટેસ્ટ લેવાની પણ જરૂર લાગી ન હતી. પરંતુ એ દુબઈમાં ભણતી હોવાથી એના સ્પષ્ટ હિન્દી ઉચ્ચાર માટે શંકા હતી. એ કારણે એમણે શીબા માટે હિન્દી ભાષા શીખવાના ક્લાસ રાખ્યા હતા. એને કોચ દ્વારા હિન્દીમાં સંવાદ બોલવાનું શીખવવામાં આવ્યું હતું. અને તમામ કલાકારો માટે એક મહિનાનો વર્કશોપ રાખવામાં આવ્યો હતો.

શીબાની હિન્દી ભાષા સારી હોવાથી કોઈ વાંધો આવ્યો ન હતો. શીબાએ અભિનયની કોઈ તાલીમ લીધા વગર ફિલ્મમાં સહજ રીતે અભિનય કર્યો હતો. આ ફિલ્મ જ તેની કારકિર્દી માટે તાલીમવર્ગ બની ગઈ હતી. સુનીલ દત્તે ફિલ્મનું નિર્માણ- નિર્દેશન કરવા ઉપરાંત રેખા સાથે અભિનય કર્યો હતો. શીબાએ એક મુલાકાતમાં કહ્યું છે કે ફિલ્મમાં પહેલાં રેખાની જગ્યાએ ડિમ્પલ કાપડિયા હતી અને એમની સાથે એક ગીત કર્યું હતું. પરંતુ તારીખોની સમસ્યાને કારણે એ આગળ કામ કરી શક્યાં નહીં.

શીબાએ એવું વિચાર્યું હતું કે ‘યે આગ કબ બુઝેગી’ પછી તે આગળ ભણશે. એ સમય પર શીબા ૧૬ વર્ષની હતી અને કોલેજનો અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતી હતી. ત્યારે સુનીલ દત્તે એને કહ્યું હતું કે કોઈ એક વખત ફિલ્મમાં આવી જાય પછી પાછું જતું નથી. ત્યારે શીબાએ દાવા સાથે કહ્યું હતું કે એ આ એક ફિલ્મ પછી આગળ ભણશે. પણ સુનીલ દત્તે ખરેખર સાચું ભવિષ્ય ભાખ્યું હતું. એમની ફિલ્મ કરતી હતી ત્યારે જ રજનીકાંત સાથેની તામિલ ફિલ્મ ‘અધીસીયા પીરાવી’ મળી ગઈ હતી. એમાં કામ કરતી હતી ત્યારે એક પછી એક હિન્દી ફિલ્મો પ્યાર કા સાયા, સૂર્યવંશી વગેરે પણ મળતી રહી અને સુનીલ દત્તની વાત સાચી પડી. એને દુબઈ જઈને ફરી અભ્યાસ કરવાની તક મળી નહીં. સુનીલ દત્તે શીબાને ખોટી પાડી હતી.