અમિતાભ બચ્ચને વિપુલ શાહની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘આંખેં’ (2002) ની સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ એની વાર્તાથી પ્રભાવિત થઈને હા પાડી દીધી હતી. વિપુલ શાહે પોતાના નાટક ‘આંધળો પાટો’ પરથી ફિલ્મ બનાવવાનું સપનું જોયું હતું અને એમાં અમિતાભ બચ્ચનને લેવાનો વિચાર કર્યો હતો. એ સમય પર અમિતાભ ‘કેબીસી’ કરી રહ્યા હોવાથી બહુ વ્યસ્ત હતા. એમની સાથે મુલાકાતની તક મળી રહી ન હતી.
એક દિવસ કમાલિસ્તાન સ્ટુડિયોમાં ફિલ્મ ‘અક્સ’ (2001) નું શુટિંગ ચાલતું હતું ત્યારે ઘૂસી ગયા હતા અને એમની વાન પાસે રાહ જોતાં હતા. અમિતાભ સાથે તેમની મુલાકાત છ મહિના પહેલાં ગુજરાતી ફિલ્મના પ્રિમિયર પ્રસંગે થઈ હતી. એ ઓળખી શકશે નહીં એટલે પોતાનો પરિચય કેવી રીતે આપવો એની તૈયારી કરી લીધી હતી. જ્યારે અમિતાભ વાન પાસે આવ્યા ત્યારે વિપુલ શાહને જોઈને ઓળખી ગયા અને પૂછ્યું:‘વિપુલ, તું અહીં શું કરે છે?’ વિપુલ માટે તો આ વાત અકલ્પનીય હતી. એ થોડી ક્ષણો માટે અવાક થઈ ગયા પછી કહ્યું કે તે એક હિન્દી ફિલ્મ બનાવવા માગે છે અને એમને વાર્તા સંભળાવવી છે.
અમિતાભે પૂછ્યું કે કેટલો સમય લાગશે? વિપુલે કહ્યું કે તમે કહો એમ કરીએ. ટૂંકમાં 15 મિનિટ લાગશે, થોડા વિસ્તારથી કરવા 45 મિનિટ અને આખી વાર્તા સાંભળવી હોય તો સાડા ત્રણ કલાક લાગશે. અમિતાભે ‘અક્સ’ ના નિર્દેશક રાકેશ મહેરાને પૂછાવ્યું કે હવે પછીનું શુટિંગ કેટલી વાર પછી છે. અને એમણે સમય આપ્યો હતો એને ધ્યાનમાં રાખીને 15 મિનિટ આપી. વિપુલ શાહે 15 મિનિટમાં વાર્તા સંભળાવી. એમાં પાત્ર ગ્રે શેડવાળું હોવા છતાં અમિતાભે ફિલ્મ કરવાની સૈધ્ધાંતિક મંજુરી આપી દીધી અને કહ્યું કે આખી સ્ક્રિપ્ટ સાંભળવી છે. રાત્રે ફાવશે? વિપુલે હા પાડી અને ત્રણ દિવસ પછી રાત્રે સાડા દસ વાગે પોતાના બંગલા પર આવી જવા કહ્યું.
અસલમાં વિપુલ શાહ પાસે સ્ક્રિપ્ટ લખેલી તૈયાર હતી જ નહીં. ગુજરાતી નાટક હતું પણ ફિલ્મની સ્ક્રિપ્ટ અલગ બાબત હતી. વિપુલે લેખક આતિશ કાપડિયાને ફોન કર્યો અને બંને બે દિવસ ખંડાલા ગયા ત્યાં રાતદિવસ બેસીને સ્ક્રિપ્ટ તૈયાર કરી દીધી. નિશ્ચિત તારીખે અમિતાભના ઘરે રાત્રે સાડા દસ વાગે ગયા અને એમણે સવારે પાંચ વાગ્યા સુધી સ્ક્રિપ્ટ સાંભળીને કહી દીધું કે હું આ ફિલ્મ કરી રહ્યો છું. તમે મારા નામની જાહેરાત કરી શકો છો.
વિપુલની નિર્દેશક તરીકેની આ પહેલી ફિલ્મ હતી અને એમાં નકારાત્મક લાગે એવું પાત્ર હોવા છતાં સ્ક્રિપ્ટથી પ્રભાવિત થઈને અમિતાભે હા પાડી દીધી હતી. એ પછી અક્ષયકુમારનો સંપર્ક કર્યો. અક્ષયે પણ રાત્રે સ્ક્રિપ્ટ સાંભળવા બોલાવ્યા અને વહેલી સવાર સુધી સાંભળીને હા પાડી દીધા પછી કહ્યું કે મેં ના પાડવા માટે સ્ક્રિપ્ટ સાંભળી હતી પણ પછી પસંદ આવી એટલે હા પાડી છે. જ્યારે પરેશ રાવલને એમની ભૂમિકા માટે વાત કરી ત્યારે એમણે કહ્યું કે જે પણ અને જેવો રોલ હશે એ કરવા હું તૈયાર છું. પણ જ્યારે નિર્માતાને વાત કરી ત્યારે એ પહેલાં તૈયાર થયા નહીં.
કેમકે વિપુલની પહેલી ફિલ્મ હતી અને અમિતાભ ગ્રે શેડવાળી ભૂમિકામાં હતા. તેથી જોખમ લાગ્યું હતું. પણ પછી સ્ક્રિપ્ટ સાંભળી એમ વિચારીને હા પાડી કે વિપુલની વાર્તામાં દમ હશે તો જ અમિતાભે હા પાડી હશે. ‘ફિલ્મફેર’ એવોર્ડસમાં ‘આંખેં’ માટે અમિતાભનું શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે નામાંકન થયું હતું. ફિલ્મ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત એ છે કે એનો ભારત માટે અલગ અને વિદેશી બજાર માટે અલગ અંત રાખવામાં આવ્યો હતો. ભારતની ફિલ્મ માટે રૂઢિચુસ્ત માહોલને કારણે નૈતિક અંત હતો.
