ફિલ્મ ‘લવ સ્ટોરી’ થી અભિનેત્રી તરીકે શરૂઆત કરનાર વિજયતા પંડિતને ગાયિકા તરીકે અનેક વખત તક મળી હતી પણ એમણે ગાયેલા ગીત પાછળથી અન્ય ગાયિકાના સ્વરમાં રેકોર્ડ કરવામાં આવ્યા હતા. વર્ષો પછી પણ ગાયિકા બનવાનું સપનું પૂરું થયું ન હતું. વિજયતાની બહેન સુલક્ષણા પંડિત પોતે હીરોઈન હોવાથી અનેક ફિલ્મોમાં ગાવાની તક મેળવી લીધી હતી વિજયતાના ભાઈઓ જતીન-લલિત અને પતિ આદેશ શ્રીવાસ્તવ પણ એક સંગીતકાર હોવા છતાં એમણે ગીતો ડબ કરવાનું જ કામ કરવું પડ્યું હતું.
વિજયતાએ ભારતી પ્રધાન સાથેની એક મુલાકાતમાં પોતે સારું ગાતી હોવા છતાં ગાયિકા તરીકે કેમ આગળ આવી શકી ન હતી એનું રહસ્ય ખોલ્યું હતું. સુલક્ષણા પંડિતને ગાવાની તક મળી રહી હતી તેથી એક ગાયિકા તરીકે નામ થઈ શક્યું હતું. વિજયતાએ બોલીવુડના અનેક હિટ ગીતો ગાયા પણ પછી એને બીજી ગાયિકાઓના અવાજમાં રેકોર્ડ કરવાની નિર્માતા- નિર્દેશકો, સંગીતકારો વગેરની મજબૂરી રહી હતી. એ કારણે એ પોતાને ગાયિકા સાબિત કરી શક્યા ન હતા. વિજયતા નાની હતી ત્યારથી જ ગીતો ગાવાનું શરૂ કર્યું હતું.
મહેમૂદની ફિલ્મ ‘જીની ઔર જોની’ (૧૯૭૬) માં કિશોરકુમાર સાથે ‘જોની કો મૈંને જાના હૈ આજ’ ગાયું હતું. ભાઈ જતીન-લલિતને જ્યારે પહેલી ફિલ્મ ‘જો જીતા વો હી સિકંદર’ (૧૯૯૨) માં કામ મળ્યું ત્યારે ‘પેહલા નશા પેહલા ખુમાર’ વિજયતાએ જ ગાયું હતું. એ ગીત નિર્દેશક મંસૂર ખાનને સંભળાવ્યું ત્યારે એમને પસંદ આવ્યું હતું અને વધુ બહેતર કરવા સૂચના આપી હતી. એ પછી ગીતને ફરીથી તૈયાર કરી વિજયતા અને ઉદીત નારાયણ સાથે રેકોર્ડ કરી મંસૂરને સંભળાવવામાં આવ્યું અને એમણે રેકોર્ડ કરવા પરવાનગી આપી દીધી હતી.
જ્યારે ગીતનું ફાઇનલ રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે પણ મંસૂર ખાન હાજર હતા અને એમણે બરાબર હોવાનું કહી દીધું હતું. થોડા દિવસ પછી લલિત પંડિતે બહેન વિજયતાને કહ્યું કે તારું ગીત અન્ય ગાયિકાના સ્વરમાં ડબ થઈ રહ્યું છે. ત્યારે વિજયતાને નવાઈ લાગી કે એણે સારું જ ગાયું હતું તો પછી આમ કેમ થઈ રહ્યું છે. લલિતે કહ્યું કે સંગીતકાર કલ્યાણજી- આણંદજીની ભલામણથી એમની સાથેની એક નવી છોકરી સાધના સરગમ પાસે એનું ફરીથી રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યું છે. વિજયતાને દુ:ખ થયું. કેમકે આ ગીતથી એનો ગાયિકા તરીકે ઉદય થાય એમ હતો. પણ એમ માનીને મન મનાવ્યું કે સાધનાની પણ ગાયિકા તરીકે પહેલી ફિલ્મ છે. મને તો આગળ બીજી તક મળતી રહેશે.
જતિનને પણ દુ:ખ હતું કે એની બહેન વિજયતાનું ગીત એના હાથમાંથી જતું રહ્યું. એણે કહ્યું કે તેં બહુ સારું ગાયું હતું. સાધનાના અવાજમાં મરાઠી ટોન આવી રહ્યો હોવાથી રેકોર્ડ કરવામાં તકલીફ પડી રહી છે. વિજયતાએ પૂછ્યું કે તો પછી એની પાસે કેમ ડબ કરાવી રહ્યો છે? ત્યારે જતિને કહ્યું કે અમારી પહેલી ફિલ્મ છે અને તેઓ સાધના સરગમ પાસે રેકોર્ડ કરાવવાનો આગ્રહ કરી રહ્યા છે. અમે ના પાડી શકીએ નહીં. આવું અનેક વખત વિજયતા સાથે બન્યું હતું.
જતિન- લલિતના જ સંગીતવાળી ફિલ્મ ‘રાજૂ બન ગયા જેન્ટલમેન’ (૧૯૯૨) ના બધા ગીતો પહેલાં વિજયતાએ ગાયા હતા. પતિ આદેશ શ્રીવાસ્તવે ફિલ્મ ‘કન્યાદાન’ (૧૯૯૩) નું ગીત ‘ઓ સજના દિલબર’ પહેલાં વિજયતા પાસે ગવડાવ્યું હતું. પણ નિર્માતા સુધાકર બોકાડેને લતા મંગેશકર પાસે ગવડાવવું હોવાથી પાછળથી આદેશે એમના અવાજમાં રેકોર્ડ કર્યું હતું. છેલ્લે નિર્દેશક પ્રકાશ ઝાની ફિલ્મ ‘દિલ ક્યા કરે’ (૧૯૯૯) માં પણ વિજયતાએ ગાયેલું ટાઇટલ ગીત જતિન- લલિતે અલકા યાજ્ઞિકના અવાજમાં રેકોર્ડ કરવું પડ્યું હતું. ત્યાર પછી વિજયતાએ પોતાના ગાયનના શોખને તિલાંજલિ આપી દીધી હતી.