રાજકુમાર સાથેની ‘તિરંગા’ માટે ‘નાના’ એ હા પાડી

નિર્દેશક મેહુલકુમારે ફિલ્મ ‘તિરંગા’ (૧૯૮૩) નાના પાટેકરને ઓફર કરી ત્યારે પહેલાં એક કારણથી તો ના પાડી દીધી હતી. અને રાજકુમાર હોવા છતાં હા પાડી ત્યારે એક શરત મૂકી હતી. મેહુલકુમાર પોતાની દરેક ફિલ્મની બાઉન્ડ સ્ક્રિપ્ટ તૈયાર કર્યા પછી જ કલાકારો પસંદ કરતાં હતા. એ કારણે ફિલ્મ ‘તિરંગા’ માટે રાજકુમાર અને નવા ત્રણ યુવાનો પસંદ થઈ ગયા હતા. પરંતુ ‘ઈન્સ્પેકટર શિવાજીરાવ’ ની ભૂમિકા માટે કોઈ અભિનેતા તૈયાર થઈ રહ્યો ન હતો. એટલે એની જાહેરાત કરી હતી એમાં એ પાત્રનો ચહેરો બતાવ્યો ન હતો.

મેહુલકુમારે એ ભૂમિકા માટે પહેલાં રજનીકાંતનો સંપર્ક કર્યો હતો. મદ્રાસ જઈને એમને વાર્તા સંભળાવી એ એમને પસંદ આવી. રજનીકાંતને ઈન્સ્પેકટરનું પાત્ર પસંદ આવ્યું હતું. કેમકે એમનું અસલ નામ રાખ્યું હતું. પણ બીજા અભિનેતા રાજકુમાર હોવાનું જાણી એ ડરી ગયા હતા અને કહ્યું હતું કે મેં એમની સાથે કોઈ ફિલ્મ કરી નથી એટલે આ વખતે માફ કરી દો. ફરી ક્યારેક કામ કરીશું. એ પછી નસીરુદ્દીન શાહનો સંપર્ક કર્યો ત્યારે રાજકુમાર હોવાના કારણે જ એમણે ના પાડી દીધી. ત્યારે મેહુલકુમારને કોઈએ સલાહ આપી કે નાના પાટેકરને લઈ શકો છો. કેમકે એમની પાસે અત્યારે કોઈ નવી ફિલ્મ નથી. જે બની હતી એ રજૂ થઈ ગઈ છે.

મેહુલકુમારે નાનાને ફોન કર્યો ત્યારે સીધું જ કહી દીધું કે હું કમર્શીયલ ફિલ્મો કરતો નથી. મેહુલકુમારે નાનાને સમજાવ્યા કે કમર્શીયલ ફિલ્મ જ તને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ અપાવી શકે છે. આર્ટ ફિલ્મ તો મુંબઇથી બોરીવલી સુધી રજૂ થાય છે. જો હિટ થાય તો બીજે રજૂ થાય છે. નહીંતર રજૂ પણ થતી નથી. નાના એ પછી સ્ક્રિપ્ટ સાંભળવા તૈયાર થઈ ગયા. સ્ક્રિપ્ટ સાંભળીને નાના ખુશ થઈ ગયા. મહારાષ્ટ્રીયન અને સારું પાત્ર હોવાથી નાનાને વધારે ગમ્યું હતું.

નાનાએ ફિલ્મ કરવાની હા પાડી પણ કહ્યું કે મારી એક શરત રહેશે. મેહુલકુમારે શરત પૂછી ત્યારે કહ્યું કે જો ફિલ્મના શુટિંગમાં ક્યારેય પણ રાજકુમારે દખલઅંદાજી કરી તો હું સેટ છોડીને જતો રહીશ અને ફરી પાછો આવીશ નહીં. મેહુલકુમારે વિશ્વાસ આપ્યો કે રાજકુમાર દખલ કરશે નહીં. નાનાએ હા પાડી દીધી અને સાઇનિંગ એમાઉન્ટ આપી નક્કી કરી લીધા. એ રાત્રે જ મેહુલકુમારે રાજકુમારને ફોન કરીને કહ્યું કે ઈન્સ્પેકટરના પાત્ર માટે અભિનેતા સાઇન થઈ ગયો છે. રાજકુમારે નામ પૂછ્યું અને જ્યારે જાણ્યું કે નાના છે ત્યારે એ ચમકી ગયા અને કહ્યું કે નાનાને લીધો છે? એ તો સેટ પર મારપીટ કરે છે અને ગાળો બોલે છે. મેહુલકુમારે કહ્યું કે બધો ખુલાસો થઈ ગયો છે. એણે શરત કરી છે કે સેટ પર રાજકુમાર કોઈ દખલઅંદાજી કરશે નહીં.

રાજકુમારે કહ્યું કે તારી ફિલ્મમાં હું ક્યાં દખલઅંદાજી કરું છું? મેહુલકુમારે કહ્યું કે નથી કરતાં એટલે જ નાનાને હા પાડી છે. પહેલી વખત રાજકુમાર- નાના સાથે કામ કરી રહ્યા હોવાથી મહુરતના દિવસે એક નિર્માતા- નિર્દેશકે શંકા વ્યક્ત કરીને કહ્યું હતું કે ભગવાન કરે તારો આ તિરંગો લહેરાય! મેહુલકુમારે નિર્ધારિત છ માસમાં કોઈ સમસ્યા કે અડચણ વગર ફિલ્મ પૂરી કરી દીધી અને રજૂ થતાં સુપરહિટ પણ થઈ ગઈ.

મેહુલકુમારે એક મુલાકાતમાં ‘તિરંગા’ વિશે વાત કરતાં વધુમાં કહ્યું હતું કે બંને વિચિત્ર કહેવાતા અભિનેતા શરૂઆતમાં એકબીજાથી અલગ બેસતા હતા અને વાત ઓછી કરતા હતા. પણ ‘પી લે પી લે ઓ મોરે રાજા, પી લે પી લે ઓ મોરે જાની’ ગીતના શુટિંગથી બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. એ ગીતમાં મેહુલકુમારે રાજકુમાર માટે ‘જાની’ શબ્દ વાપર્યો હતો. જે આજ સુધી એમના કોઈ ગીતમાં આવ્યો ન હતો. તેથી એ વધારે ખુશ થયા હતા. એ ગીત પછી તો સેટ પર બંને વચ્ચે કોઈ સમસ્યાની ચિંતા જ રહી ન હતી.