રેહાના સુલતાને ‘ચેતના’ (૧૯૭૦) જેવી બોલ્ડ ફિલ્મમાં વેશ્યાની ભૂમિકાથી લોકપ્રિયતા મેળવી હતી પણ પાછળથી એ પ્રસિધ્ધિ મોંઘી પડી હતી. રેહાનાએ સત્તર વર્ષની ઉંમરે ‘ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા’ પુણેમાં પ્રવેશ મેળવ્યો હતો. અને પહેલા જ વર્ષે ડિપ્લોમા ફિલ્મ ‘શાદી કી પેહલી સાલગિરહ’ માં કામ કર્યું હતું. સંસ્થાની વિદ્યાર્થીની તરીકેની તેની એક ફિલ્મમાં અભિનય જોઇને નિર્દેશક રાજેન્દ્ર સિંહ બેદીએ સૌપ્રથમ પોતાની ફિલ્મ ‘દસ્તક’ (૧૯૭૦) માટે સંજીવકુમારની હીરોઇન તરીકે તેને લીધી હતી.
તે પુણેની અભિનય સંસ્થાની પહેલી એવી વિદ્યાર્થીની બની હતી જેને કોઇ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા મળી હોય. જોકે, તેની પહેલી રજૂ થયેલી ફિલ્મ ‘ચેતના’ બની હતી. ‘દસ્તક’ ને શ્વેત-શ્યામ ફિલ્મ તરીકે બનાવવામાં આવી રહી હતી. કેમકે નિર્દેશક એમ કરીને એક પરિવારની કઠોરતાને બતાવવા માગતા હતા. શરૂઆતમાં બધા એવું માનતા હતા કે આ સામાન્ય ફિલ્મ છે. એ કારણે રેહાનાના મનમાં ફિલ્મ માટે ખોટી છાપ ઊભી થઇ હતી. એટલે બી.આર. ઇશારાની ફિલ્મની વાત આવી ત્યારે તેણે પહેલાં તે શ્વેત-શ્યામ નથી એની ખાતરી કરી હતી.
એક ફોટોગ્રાફર મિત્રએ રેહાનાને કહ્યું હતું કે બી.આર. ઇશારા તેમની આગામી ફિલ્મ ‘ચેતના’ માટે વાત કરવા હોટલમાં બોલાવે છે. રેહાનાએ નિર્દેશક અને હીરોઇનની ઘણી સાચી-ખોટી વાતો સાંભળી હતી એટલે હોટલમાં જવા તૈયાર ના થઇ અને ઇશારાને પોતાના ઘરે બોલાવ્યા. એમણે પહેલી જ મુલાકાતમાં એ ફોટોગ્રાફર મિત્રને રેહાનાનો રવૈયો જોઇ કહી દીધું કે મારી ‘ચેતના’ ની આ ‘સીમા’ છે. ઇશારાએ ‘ચેતના’ ની વાર્તા સંભળાવી ત્યારે રેહાનાની આંખમાં પાણી આવી ગયા હતા. રેહાનાએ અનિલ ધવન સાથેની એ ફિલ્મ કરવા હા પાડી દીધી પરંતુ શરત કરી હતી કે તે પહેલી ફિલ્મ ‘દસ્તક’ ને પ્રાથમિક્તા આપશે. બંને ફિલ્મોના પાત્ર એકબીજાથી વિરોધી હતા. ‘દસ્તક’ માં તે મધ્યમ વર્ગની પત્ની હતી જ્યારે ‘ચેતના’ માં વેશ્યા બની હતી. એ કારણે બેદીને એમ હતું કે ‘દસ્તક’ ને નુકસાન થશે. પણ પછી એવું કંઇ બન્યું નહીં. રેહાના જ્યારે થિયેટરમાં ‘ચેતના’ જોવા ગઇ ત્યારે પુખ્ત વયનાની ફિલ્મ હોવાથી તેને ટિકિટ આપવામાં આવી નહીં પરંતુ તે ફિલ્મની હીરોઇન હોવાથી પ્રવેશ મળ્યો હતો.
‘ચેતના’ પછી રજૂ થયેલી ‘દસ્તક’ના અભિનય માટે રેહાનાને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. એક અભિનેત્રી તરીકે તેની પ્રશંસા થઇ પણ વ્યાવસાયિક રીતે ‘ચેતના’ સફળ રહી હોવાથી એવી જ સેક્સી ભૂમિકાઓ ઓફર થવા લાગી. ‘ચેતના’ જેવી ભૂમિકાઓ તે નકારતી રહી ત્યારે નિર્માતાઓએ દર્શકોને આકર્ષવા ફિલ્મના પોસ્ટર પર કારણ વગર તેના સેક્સી ફોટા મૂકવાનું શરૂ કર્યું. ‘હાર જીત’ (૧૯૭૦) એક ઇમોશનલ ફિલ્મ હોવા છતાં તેના પોસ્ટર પર પાલવ છોડી દેતો ફોટો મુકાયો. ‘સવેરા’ (૧૯૭૨) અને ‘બડા કબૂતર’ (૧૯૭૩) માં સેક્સી પોઝ જ્યારે ‘ઉપરવાલા જાને’ (૧૯૭૭) માં ઉઘાડી પીઠવાળો ફોટો મુકાયો. પોસ્ટરથી આકર્ષાઇને જોવા જતા દર્શકો એમાં અલગ વિષય નીકળતા છેતરાતા હોવાથી ફિલ્મો ફ્લોપ થવા લાગી. અને એક પ્રતિભાશાળી અભિનેત્રીને પહેલી જ રજૂ થયેલી સફળ ફિલ્મથી લાભ થવાને બદલે નુકસાન જ થયું.