અજીત ખાનને વિલનના રૂપમાં તેના ‘જંજીર’ ના ‘મોના ડાર્લિંગ’, ‘યાદોં કી બારાત’ ના ‘લીલી! ડોન્ટ બી સિલી’ કે ‘કાલીચરણ’ ના ‘સારા શહર મુઝે લૉયન કે નામ સે જાનતા હૈ’ ના સંવાદોથી ભલે જાણીતો રહ્યો હોય અને વિલન તરીકે ૫૭ જેટલી ફિલ્મો કરી પણ શરૂઆતમાં હીરો તરીકે તે કોઇનાથી કમ ન હતો. અને ‘કુમાર’ હીરોના જમાનામાં થોડો સમય નામ સાથે ‘કુમાર’ લટકણિયું લગાવ્યું હતું. જેની પાછળથી તેને જરૂર ના રહી. અજીતનું મૂળ નામ હાજિદ અલી ખાન હતું. તેનું અભ્યાસમાં મન લાગ્યું નહીં અને ૧૯૪૪ ના અરસામાં એક દિવસ કોલેજના પુસ્તકો વેચીને હીરો બનવાની ધૂનમાં ટ્રેનની ટિકિટ કઢાવી મુંબઇ આવી ગયો.
તેને ખબર પડી કે પૂનાના શાલીમાર સ્ટુડિયોમાં ફિલ્મ ‘મન કી જીત’ માટે કલાકારોની પસંદગી થઇ રહી છે. એ ત્યાં પહોંચ્યો ત્યારે એના જેવા ઉમેદવારોની મોટી કતાર હતી. તેને આશા એટલે જાગી કે ત્યાં જાણીતા શાયર જોશ મલીહાબાદી અને સાગર નિઝામી નોકરી કરતા હતા. તેમની સાથેની ઓળખાણનો ઉપયોગ કરવા છતાં હામિદ નાપાસ થઇ ગયો. પણ તેણે આશા છોડી નહીં.
તેને નાના-મોટા રોલ મળવા લાગ્યા અને એ કોઇ અફસોસ વગર કરતો રહ્યો. બહુ જલદી ‘શાહે મિસ્ત્ર’ (૧૯૪૬) માં તેને ગીતા બોઝના હીરો તરીકે તક મળી ગઇ. અને પડદા પર તેનું નામ હામિદ જોઇ અપૂર્વ ખુશી અનુભવી. થોડો સમય હામિદ તરીકે કામ કર્યા પછી મધુબાલા સાથેની ફિલ્મ ‘બેકસૂર’ (૧૯૫૦) ના નિર્માતા- નિર્દેશક કે. અમરનાથની સલાહ માનીને જલદીથી હોઠ પર ચઢી જાય એવું ‘અજીત’ નામ રાખી લીધું. અને મેહરબાની (૧૯૫૦), સૈંયા(૧૯૫૧), મોતી મહલ(૧૯૫૦), સમ્રાટ (૧૯૫૪), શાહજાદા (૧૯૫૬), નાસ્તિક (૧૯૫૭) જેવી ઘણી ફિલ્મો કરી. પરંતુ ૧૯૫૯ ના અરસામાં ‘કુમાર’ નામવાળા હીરોની લોકપ્રિયતા જોઇને દેખાદેખીમાં પોતાના નામને ‘અજીત કુમાર’ કરી દીધું. જોકે. ‘મોગલે આઝમ'(૧૯૬૦) ની ‘રાજપૂત દુર્જનસિંહ’ ની ‘રાજપૂત જાન હારતા હૈ શહજાદે! વચન નહીં હારતા’ અને ‘જબ તક દુર્જન કે હાથ મેં તલવાર ઉઠાને કી તાકત હૈ, મોત સાહિબ-એ-આલમ કે કરીબ નહીં આ સકતી’ જેવા સંવાદો સાથેની ભૂમિકાએ એટલી પ્રસિધ્ધિ અપાવી કે ‘કુમાર’ નું લટકણિયું કાઢી નાખ્યું.
કે.આસિફને પહેલી વખત ‘મોગલે આઝમ’ શરૂ કરી ત્યારે અજીત પસંદ આવ્યો ન હતો. પરંતુ એ અધૂરી રહી અને ફરીથી નવા કલાકારો સાથે ૧૯૫૨ માં જ્યારે ફરી અજીતને પસંદ કરવાનું મન બનાવ્યું ત્યારે એણે પોતાની હીરોની ઇમેજને જોતાં ના પાડી દીધી હતી. જ્યારે દિલીપાકુમારે તેને હિંમત આપી ત્યારે તે તૈયાર થયો હતો. ‘મોગલે આઝમ’ ની સફળતા પછી અજીત પાસે રાજપૂત યોધ્ધાની અનેક ભૂમિકાઓની ઓફર આવી ત્યારે તેને રાજી કરવા માટે તેણે દિલીપકુમારનો આભાર માન્યો હતો. જો અજીતે નાસિર હુસેનની ‘તુમસા નહીં દેખા’ (૧૯૫૭) સ્વીકારી હોત તો તેની કારકિર્દી વળી અલગ જ રહી હોત.
એ સમય પર તેની પાસે એટલી ફિલ્મો હતી કે તારીખો ફાળવી શક્યો ન હતો. અને એ ફિલ્મથી શમ્મી કપૂર રાતોરાત સ્ટાર બની ગયો હતો. અને હીરો તરીકે સફળ રહેલા અજીતે ‘કુમાર’ હીરોની જેમ કામ કરતા રહેવાને બદલે અમિતાભની ‘જંજીર’ (૧૯૭૩) થી ફિલ્મોમાં હસતા-હસાવતાં ખોટા કામો કરતા એક નવા જ વિલનને જન્મ આપ્યો હતો.
-રાકેશ ઠક્કર (વાપી)