વાત ગીતકાર સમીરના સુપરહિટ બે ગીતોની

ગીતકાર સમીરને ઘણી વખત સંગીતકાર નદીમ- શ્રવણનો સાથ મળ્યો હતો. સમીરના ગીતો માટે નદીમ- શ્રવણે સંગીત તો તૈયાર કર્યું જ હતું પણ એને ફિલ્મમાં રાખવા માટે ઘણી વખત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જો આમ ના બન્યું હોત તો સમીરના અનેક જાણીતા ગીતો ફિલ્મમાં આવી શક્યા ના હોત. સમીરે એક મુલાકાતમાં આવા અનેક કિસ્સા સંભળાવ્યા છે. આમિર ખાનની ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ (૧૯૯૬) માટે સમીરે ‘પરદેસી પરદેસી જાના નહીં મુઝે છોડકે…’ લખીને સાંભળાવ્યું ત્યારે નિર્માતાને ‘પરદેસી’ શબ્દમાં ‘પઅઅર દેસી’ ઉચ્ચાર બરાબર લાગ્યો નહીં અને ‘પરદેસી’ શબ્દ જ કાઢી નાખવા કહ્યું.

ગાયનમાં ‘પરદેસી’ શબ્દનો થ્રો ‘પઅઅર દેસી’ એમને ખોટો લાગતો હોવાથી એના સ્થાને બીજો શબ્દ વાપરવા સૂચન કર્યું. સંગીતકાર નદીમ- શ્રવણનો આગ્રહ હતો કે આ ગીતમાં ‘પરદેસી’ શબ્દ જ હોવો જ જોઈએ. એ માટે પહેલાં આ ગીત ઉદીત નારાયણ પાસે ગવડાવવામાં આવ્યું. ત્યારે ‘પરદેસી’ શબ્દનો થ્રો એમને ગમ્યો નહીં. એટલે ગાયક બદલ્યા અને કુમાર સાનૂને બોલાવવામાં આવ્યા. એમની પાસે ગીત ગવડાવી ‘પરદેસી’ શબ્દનો ઉચ્ચાર કરાવવામાં આવ્યો ત્યારે પણ ‘પઅઅર દેસી’ ઉચ્ચાર જ આવતો હતો. કેમકે ગીતનું મીટર જ એવું હતું. નિર્માતા ‘પરદેસી’ શબ્દ રાખવા રાજી ન હતા ત્યારે નદીમ- શ્રવણ એવા અડી ગયા અને શરત કરી કે જો આ ગીત ચાલશે નહીં તો એના રેકોર્ડિંગના ખર્ચના પૈસા એ ચૂકવી દેશે. પણ જો ગીતને પસંદ કરવામાં આવશે તો નિર્માતાએ ગીતના ખર્ચની બમણી રકમ એમને આપવી પડશે. અને નદીમ- શ્રવણે ‘પરદેસી પરદેસી જાના નહીં’ ગીતની બમણી રકમ લીધી હતી. કેમકે એ ફિલ્મનું સૌથી લોકપ્રિય ગીત બન્યું હતું.

કેસેટમાં ‘પરદેસી’ ગીતને કુમાર સાનૂ અને ઉદીત નારાયણ એમ બંનેના અવાજમાં અલગ રાખવામાં પણ આવ્યા હતા. માધુરી દીક્ષિતની ફિલ્મ ‘રાજા’ (૧૯૯૫) વખતે પણ આવું જ કંઈક બન્યું હતું. એના ‘અંખિયાં મિલાઉં કભી અંખિયાં ચૂરાઉં ક્યા તુને કિયા જાદૂ’ વખતે ભૂલ કાઢવામાં હતી. નિર્માતાનું કહેવું હતું કે એમાં છેલ્લે ‘બીના પાયલ કે હી બજે ઘૂંઘરુ’ માં વ્યાકરણની ભૂલ છે. પાયલ વગર ઘૂંઘરુ વાગી ના શકે. ત્યારે સમીરે પોતાના પિતાના ‘બંધન’ (૧૯૬૯) ના એક ગીત ‘બીના બદરા કે બિજૂરિયા કૈસે ચમકે’ નું ઉદાહરણ આપીને કહ્યું હતું કે જો વાદળો વગર વીજળી ચમકી શકે તો પાયલ વગર ઘૂંઘરું કેમ ના વાગી શકે?! અને ગીત સાંભળીને કોરિયોગ્રાફર સરોજ ખાને પણ પહેલાં કહ્યું હતું કે એનું શૂટિંગ કરાવી શકશે નહીં. કેમકે એમાં એકસરખી બીટ આવે છે.

એક જ પ્રકારની બીટ અને એકસરખા ડાન્સ પર આખા ગીતમાં હીરોઈન નાચતી રહે તે યોગ્ય નથી. ત્યારે નદીમે સરોજ ખાનને કહી દીધું હતું કે તમારું કામ ગીત પર નૃત્ય કરાવવાનું છે. ગીત કેવું બનાવવું એ અમારું કામ છે. અમને અમારું કામ કરવા દો. જ્યારે ગીત ચાલશે નહીં ત્યારે અમે તમારી સાથે આ બાબતે વાત કરીશું. અને ‘અંખિયાં મિલાઉં કભી અંખિયાં ચૂરાઉં’ ગીત પણ જબરદસ્ત લોકપ્રિય રહ્યું હતું.