‘એતબાર’ (૧૯૮૫) જેવી ફિલ્મોથી જાણીતા રહેલા અભિનેતા સુરેશ ઓબેરૉયે અભિનયની તાલીમ લીધી હોવા છતાં અવાજને કારણે જ અભિનયમાં કામ મેળવવા સાથે પ્રગતિ કરી શક્યા હતા. અભિનેતા બનવાની પ્રક્રિયા દરમ્યાન તેમના અંગત જીવનમાં ઘણી ઘટનાઓ બની હતી. અસલમાં ઘરમાં વાતાવરણ એવું હતું કે સુરેશે ડૉકટર બનવાનું નક્કી કર્યું હતું. ભાઇ દાંતના ડૉકટર બન્યા તો બહેન પીએચડી કરીને ડૉકટર બન્યા હતા. પરંતુ સુરેશ માટે વિજ્ઞાનમાં આગળ વધવાનું મુશ્કેલ બન્યું હતું. તે દેડકાં કાપી શકયા ન હતા.
એન્જીનીયર બનવાનું નક્કી કર્યું ત્યારે પિતાએ સૂચન કર્યું કે તારો અવાજ કડક છે એટલે આર્મીમાં ભરતી થઇ જા. સુરેશ આર્મીમાં પ્રવેશ મેળવવા પરીક્ષાઓ આપવા લાગ્યા. બધી જ પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરી લીધા પછી છેલ્લે પૂનામાં ઇન્ટરવ્યુ વખતે એક સવાલ પૂછાયો કે,’કોના કહેવાથી તમે આવ્યા છો અને આર્મીમાં જોડાવા માગો છો?’ ત્યારે સુરેશે સ્વાભાવિકતાથી કહી દીધું કે,’પિતાના કહેવાથી આર્મીમાં જોડાવા આવ્યો છું.’ આ જવાબને કારણે સુરેશ નાપાસ થઇ ગયો. એ રસ્તો બંધ થઇ ગયો ત્યાં અભિનયનો ખૂલી ગયો. આર્મીમાં પ્રવેશ પ્રક્રિયા માટે પ્રયત્ન કરતા સુરેશના વર્ગમાં મિર્ઝા મહેમૂદ બેગ નામનો એક છોકરો હતો. તે પૂનામાં ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં જોડાવાનો હતો.
સુરેશને પણ અભિનય શીખવાની ઇચ્છા થઇ ગઇ. કેમકે તેણે નાટકોમાં અભિનય કરવાનું શરૂ કરી દીધું હતું. બાળપણથી રેડિયો ઉપર કાર્યક્રમો આપ્યા હતા. પોતે અભિનય માટે યોગ્ય છે કે નહીં એ ચકાસવા પોતાના ફોટાનો પોર્ટફોલિયો તૈયાર કરાવ્યો. મોડેલ તરીકે પણ સફળ થઇ ગયો હતો. તેને થયું કે અવાજ સારો છે અને મોડેલ તરીકે લોકપ્રિય છે. તે ફિલ્મના સ્ક્રીન પર ચમકવા માટે બધી રીતે યોગ્ય છે. નસીબજોગે સુનીલ દત્તની ‘મિલન’ (૧૯૬૭) ના એક દ્રશ્યમાં કામ મેળવી લીધું. તે અભિનય શીખવા જવાની તૈયારી કરતો હતો ત્યારે છોકરી પસંદ આવી જતાં લગ્ન થઇ ગયા.
પિતાના અવસાન પછી ઘરના ધંધામાં ધ્યાન આપતા સુરેશને ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં જવાની લગની લાગી હતી. તેણે પત્નીને એમ કહીને ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મેળવી લીધો કે કારકિર્દી માટે નહીં પણ શોખથી નિર્દેશનનો કોર્ષ કરવા ચાર-પાંચ મહિના જઇ રહ્યો છે. અને ત્યાં બે વર્ષંનો કોર્ષ કરી લીધો. એ પછી ફિલ્મોમાં કામ શોધી રહ્યો હતો ત્યારે ‘જીવન મુક્તિ’ (૧૯૭૭) માં કામ મળ્યું. દરમ્યાનમાં પ્રકાશ મહેરાએ તેનો અવાજ સાંભળીને ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’ (૧૯૭૮) ની પ્રચાર માટેની રેકોર્ડની કોમેન્ટ્રીમાં કામ આપ્યું. એની પ્લેટીનમ ડિસ્ક થઇ હતી. પાછળથી મહેરાએ સુરેશને ‘લાવારિસ'(૧૯૮૧) માં કામ આપ્યું હતું. એ ભૂમિકા માટે ફિલ્મફેર એવોર્ડસમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતાનું નામાંકન મળ્યું હતું. સુરેશ ઓબેરૉયની અભિનય સાથે અવાજને કારણે એક ખાસ ઓળખ ઊભી થઇ હતી. સુરેશને અવાજને કારણે નિર્દેશક વિનોદ પાંડેએ ફિલ્મ ‘એક બાર ફિર’ (૧૯૮૦) માં મુખ્ય ભૂમિકા આપી. ફિલ્મ સફળ ના રહી પરંતુ પછી ચરિત્ર અભિનેતા તરીકે કામ મળતું રહ્યું.