નિર્દેશક સુભાષ ઘઈની ફિલ્મોમાં બે વિશેષતા અવશ્ય જોવા મળે છે. એક એ ફિલ્મમાં પોતે ચહેરો બતાવે છે અને બીજું કોઈ એક ગીતની ધૂન સિગ્નેચર ટ્યુન તરીકે આખી ફિલ્મમાં વાગ્યા કરે છે. જે દર્શકને વાર્તા સાથે જોડ્યા કરે છે. સુભાષ ઘઈ કોલેજમાં ભણતા હતા ત્યારે ફિલ્મ ‘ડૉક્ટર ઝીવાગો’ જોઈ હતી એમાં એક થીમ સંગીત આખી ફિલ્મને જોડતું હતું. હીરો ખુશીમાં હોય કે દુ:ખમાં પણ એ ધૂન વાગતી રહેતી હતી. એના પરથી પોતાના નિર્દેશનવાળી ફિલ્મોમાં સિગ્નેચર ટ્યુન મૂકવાની પ્રેરણા મળી હતી.
‘હીરો’ (1983) માં વાંસળીની ધૂન, ‘રામ લખન’ (1989) માં ‘ધીના ધીન ધા’ અને ‘ખલનાયક’ (1993) માં ‘નાયક નહીં ખલનાયક હૂં મેં’ ની ધૂન સતત સંભળાતી રહી છે. એની શરૂઆત ફિલ્મ ‘કર્જ’ (1980) થી થઈ હતી. ‘કર્જ’ માં એમણે ‘ડૉક્ટર ઝીવાગો’ ની સંગીતની થીમનો વિચાર ઉધાર લીધો હતો અને ઓમ શાંતિ ઓમ, તુ કિતને બરસ કી ગીતો સહિત સંગીત ફિલ્મનું જમા પાસું બની ગયું હતું. ‘કાલીચરણ’ (1976) જેવી ક્રાઇમ થ્રીલર બનાવ્યા પછી ઘઈએ એક સંગીતમય ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું અને સંગીતકાર લક્ષ્મીકાન્ત – પ્યારેલાલ પાસે જઈને કહ્યું હતું કે એક મર્ડર મિસ્ટ્રી ફિલ્મ ‘કર્જ’ બનાવવા માંગુ છું પણ એ સંગીતમય હોવી જોઈએ. સંગીતકારનું કહેવું હતું કે લવસ્ટોરીને કે સામાજિક ફિલ્મને સંગીતમય બનાવવાનું સરળ હોય છે.
મર્ડર મિસ્ટ્રીને સંગીતમય બનાવવાનું મુશ્કેલ હોય છે. એકાદ ગીત મૂકી શકાય પણ આખી ફિલ્મ સંગીતમય બનાવવી મુશ્કેલ છે. ઘઇએ સૂચન કર્યું કે જો આવી સમસ્યા હોય તો પહેલાં આપણે ફિલ્મનું થીમ સંગીત તૈયાર કરીશું. અને ગીતો પહેલાં ફિલ્મની સિગ્નેચર ટ્યુન બનાવવાનું શરૂ કર્યું. સંગીતકાર પ્યારેલાલે એમના સ્ટુડિયો પર બોલાવ્યા અને કહ્યું કે છ સિગ્નેચર ટ્યુન તૈયાર કરી છે. એમાં ત્રીજા નંબરની ‘ટન ટીડાંગ ટીન ટીન’ ધૂન ઘઈને પસંદ આવી. પણ પ્યારેલાલે કહ્યું કે પાંચ નંબરની વધુ સારી છે અને એ ચાલશે. ઘઈને પહેલાં તો લાગ્યું કે એ ખરેખર વધુ સારી છે. પણ થોડો સમય એ સાંભળ્યા પછી થયું કે ત્રણ નંબરની ધૂન જ વધુ યોગ્ય રહેશે. પ્યારેલાલ પાંચ નંબર પર વધુ ભાર મૂકવા લાગ્યા. બંને વચ્ચે ધૂન બાબતે બહુ રકઝક ચાલી.
બીજા દિવસે ઘઇએ કહ્યું કે ત્રીજા નંબરની ધૂન ભૂતિયા જેવી હોવાથી ફિલ્મની વાર્તા પર વધુ બંધ બેસે એવી છે. અને એમણે જીદ કરીને એ જ ધૂન રાખી હતી. જે બહુ લોકપ્રિય રહી છે. ફિલ્મ પૂરી થઈ ગઈ ત્યારે ઘઈને અંતમાં એક ગીત જોઈતું હતું. એટલે એવો વિચાર કર્યો કે આ થીમ સંગીત પર જ એક ગીત બનાવવું જોઈએ. સંગીતકારે કહ્યું કે કેટલીક સંગીતમય ધૂન એવી હોય છે જેના પર શબ્દો આવતા નથી. ઘઇએ આનંદ બક્ષીને વાત કરી અને એમણે કહ્યું કે તે ગીત લખી શકે છે. આમ એ જ ધૂન પર ‘એક હસીના થી’ ગીત આવ્યું. ફિલ્મને સેન્સરમાં પાસ કરવા મોકલવાની હતી અને એના ટાઈટલ્સ તૈયાર થયા ન હતા.
એ સમય પર તકનીક એટલી વિકાસ પામી ન હતી કે તાત્કાલિક તૈયાર થઈ જાય. એટલે એવું નક્કી કર્યું કે શરૂઆતની બે મિનિટ પછી જે ગીત ફિલ્મમાં ન હતું એ ‘પૈસા યે પૈસા’ સ્ટેજ ગીત તરીકે તૈયાર કરી એના પર ટાઈટલ્સ મૂકવાનું નક્કી કર્યું. માત્ર દોઢ દિવસમાં ભાઈદાસ કોલેજના હોલમાં રિશી કપૂર પર ગીતનું ફિલ્માંકન કરવામાં આવ્યું. એ ગીતમાં ભારે અવાજમાં વચ્ચે ‘પૈસા’ શબ્દ બોલાતો હતો. ઘઇએ વિચાર્યું કે સ્ટેજ કાર્યક્રમમાં કોઈ જાડી વ્યક્તિ ઊંઘતી હોય અને એને અચાનક જાગીને બોલતો બતાવવામાં આવે તો મજા આવશે. એની સૂચના સહાયક નિર્દેશકને આપી હતી. પણ એને કોઈ જાડી વ્યક્તિ મળી ન હતી. એણે કહ્યું કે હવે તમે જ બેસી જાવ!
કોઈ વિકલ્પ ન હોવાથી સુભાષ ઘઈ એક દર્શક તરીકે ઓડિયન્સમાં બેસી ગયા અને એમના પર ‘પૈસા’ શબ્દ વખતે કેમેરો ફેરવવામાં આવ્યો. ત્યાર પછી એ પરંપરા શરૂ થઈ ગઈ હતી. દર્શકો પણ એ વાતની રાહ જોતા થઈ ગયા હતા કે ઘઈ કયા ગીતમાં દર્શન આપશે. સુભાષ ઘઇએ આ બાબતે એવું ધ્યાન રાખવાનું નક્કી કર્યું હતું કે પોતાનો ચહેરો ઇન્ટરવલ પહેલાં આવી જાય. જેથી દર્શકને વધારે રાહ જોવી ના પડે અને એનું ધ્યાન ફિલ્મની વાર્તામાં રહે.