ઝરીના વહાબે હીરોઈન બનવાની ઇચ્છા કરી ન હતી. એ એટલી કિશોરવયે અભિનયમાં આવી હતી કે એવું વિચારી શકે એમ ન હતી. એ નાની ભૂમિકાઓ કરીને સંતુષ્ટ રહેવાની હતી. ઝરીના આંધ્રપ્રદેશની સ્કૂલમાં ભણતી હતી ત્યારે એક જાહેરાત વાંચી કે પૂના ફિલ્મ અને ટીવી ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ પાસેથી આવેદન મંગાવવામાં આવે છે. ઝરીનાએ અરજી કરી અને એ પસંદ થઈ ગઈ. બે વર્ષનો ફિલ્મ ઇન્સ્ટીટ્યુટનો કોર્ષ પૂરો કરી કામ મેળવવા મુંબઇ આવી ગઈ અને પોતાની માતાને પણ બોલાવી લીધી. એમને પોતાનું વિશાળ ઘર છોડીને એક રૂમમાં અતિથિ તરીકે રહેવાનું થયું. થોડા દિવસ પછી માએ કહ્યું કે પાછા ઘરે જતાં રહીએ પણ ઝરીનાએ રાહ જોવા કહ્યું.
એ રહેતી હતી ત્યાં કોઈએ માહિતી આપી કે મહેબૂબ સ્ટુડિયોમાં દેવ આનંદની ફિલ્મ ‘ઈશ્ક ઈશ્ક ઈશ્ક’ (૧૯૭૪) નું શૂટિંગ ચાલી રહ્યું છે. એમાં ઝીનત અમાનની બહેનોની ભૂમિકાઓ માટે શોધ ચાલી રહી છે. ઝરીના સ્ટુડિયો પર ગઈ અને દેવ આનંદના મેનેજર વિશવાજીને મળીને પોતાના ફોટા બતાવ્યા. એ સાથે પોતાના પરિચયમાં એ વાતનો ખાસ ઉલ્લેખ કર્યો કે પૂના ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાંથી તાલીમ મેળવેલી છે. ત્યારે એની ઓળખ મોટી હતી. દેવ શુટિંગમા વ્યસ્ત હોવાથી વિશ્વાજીએ એને બેસવા કહ્યું. થોડીવાર પછી દેવ આનંદ આવ્યા અને એને કહીને જતાં રહ્યા કે તું પૂના ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાંથી આવી છે ને? આપણે સાથે ફિલ્મ કરી રહ્યા છે. બીજી કોઈ વાત કર્યા વગર એ નીકળી ગયા.
ઝરીના આશ્ચર્યચકિત થઈ ગઈ. તે પોતાનું સરનામું લખાવીને ઘરે આવી ગઈ. અઠવાડીયા પછી દેવના માણસો ઘરે આવ્યા અને નવકેતનની ઓફિસમાં લઈ ગયા. ઝરીનાએ દેવને પોતાના ફોટા બતાવવા કાઢ્યા ત્યારે એમણે કહ્યું કે એ જોવાની જરૂર નથી. તારો ચહેરો ફોટોજેનિક છે. તને ફિલ્મ માટે સાઇન કરવામાં આવે છે. ‘ઈશ્ક ઈશ્ક ઈશ્ક’ પછી ઝરીનાને બે વર્ષ સુધી કોઈ ફિલ્મ મળી નહીં. એનું કારણ એ હતું કે એની ઉંમર એવી હતી કે બહેનની ભૂમિકા જ કરી શકતી હતી. એ ઉંમરની છોકરીઓને હીરોઇનની ભૂમિકા મળતી ન હતી. ઝરીનાની એવી તમન્ના પણ ન હતી. કોઈ કામ ના મળતાં એ આંધ્રપ્રદેશના ઘરે પાછી ફરી.
થોડા સમય પછી ફરી મુંબઈ ગઈ. ત્યારે શત્રુધ્ન સિંહાની ફિલ્મ ‘અનોખા’ (૧૯૭૫) બની રહી હતી. ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં એ આવ્યા ત્યારે ઝરીનાની મુલાકાત એમની સાથે થઈ હતી. ઝરીનાએ એમની સાથે ફિલ્મ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. શત્રુધ્ને યાદ કરીને ઝરીનાને પોતાની ફિલ્મમાં ભૂમિકા અપાવી દીધી. દરમ્યાનમાં ભાઈ માનેલા રાજ ગ્રોવર અને એની પત્ની શશીબેન સાથે ઝરીનાને મિત્રતા હતી. એ ઝરીનાને લઈને રાજશ્રીના તારાચંદ બડજાત્યા પાસે ગયા. એમણે તરત જ કહ્યું કે છત ઉપર અત્યારે સ્ક્રીન ટેસ્ટ ચાલે છે ત્યાં પહોંચી જા. ત્યારે ‘ચિતચોર’ (૧૯૭૬) માટે બીજી બે છોકરી પણ ત્યાં આવી હતી.
ઝરીનાએ આત્મવિશ્વાસથી સ્ક્રીન ટેસ્ટ આપ્યો અને દસ દિવસ પછી સંદેશ મળ્યો કે એ પસંદ થઈ ગઈ છે. અને પહેલી વખત એ હીરોઈન તરીકે ચમકી ગઈ. મુંબઈમાં પોતાના મોટા પોસ્ટર જોઈને એને નવાઈ લાગી હતી. તારાચંદજીને ઝરીનાનું કામ પસંદ આવ્યું હતું. ફિલ્મ ‘ગોપાલ ક્રિશ્ના’ (૧૯૭૯) માં બીજી હીરોઈન લીધી હતી પરંતુ એ અચાનક નીકળી જતાં પહેલાં ઝરીનાને યાદ કરી હતી. એમણે કહ્યું હતું કે સેટ તૈયાર છે અને આજે એ હીરોઇનના કપડાં પહેરી લે. આવતીકાલથી નવા બનાવડાવીશું. ઝરીનાએ તરત જ એમની વાત સ્વીકારી લીધી. એ દિવસના શુટિંગ પછી એમણે એક વિનંતી કરી હતી કે ‘રાધા’ ની ભૂમિકા હોવાથી ફિલ્મનું શુટિંગ ચાલે ત્યાં સુધી માંસમચ્છી ખાવાના નહીં. ઝરીનાએ એમની એ વિનંતીનું પાલન પણ કર્યું હતું.