શક્તિ કપૂર હીરો બનીને પસ્તાયો હતો

શક્તિ કપૂરે વિલન બન્યા પછી સારા દેખાવને કારણે હીરો બનવાનો પ્રયત્ન કરી જોયો હતો. શક્તિએ જ્યારે વિલન તરીકે કામ શરૂ કર્યું અને કુર્બાની (૧૯૮૦), રૉકી (૧૯૮૧) વગેરેમાં ખલનાયિકીની ધાક જમાવી ત્યારે એનો ચહેરો જોઈને લોકો કહેવા લાગ્યા કે એણે હીરો બનવું જોઈએ. ઈન્ડસ્ટ્રીમાં પણ ચર્ચા હતી કે પહેલી વખત કોઈ હેન્ડસમ હીરો આવ્યો છે. શક્તિ હીરો બનવાનું વિચારતો હતો અને સામેથી હીરો બનવાની ઓફર આવી પણ ખરી. નિર્દેશક દીપક બલરાજ વિજે શક્તિને હીરો તરીકે ચમકાવતી ફિલ્મ ‘જખ્મી ઇન્સાન’ (૧૯૮૨) બનાવી હતી. એના નિર્માણ દરમ્યાન શક્તિએ બીજા નિર્માતાઓને એમ કહેવાનું શરૂ કરી દીધું હતું કે એ હવે હીરોનું જ કામ કરશે નકારાત્મક ભૂમિકાઓ કરશે નહીં.

નિર્માતાએ ફિલ્મનો સારો પ્રચાર કર્યો હતો. છતાં એ મોટી ફ્લોપ રહી હતી. ત્યારથી શક્તિએ નક્કી કર્યું કે વિલન તરીકે જ આગળ વધતા રહેવું જોઈએ. શક્તિએ ફરી બધા નિર્માતાઓને કહ્યું કે એ વિલન તરીકે જ કામ કરશે. એની ભૂલ થઈ ગઈ હતી. શક્તિનું નસીબ સારું હતું કે પછીથી ધીમે ધીમે આપમેળે જ હકારાત્મક અને હાસ્ય ભૂમિકાઓ મળવા લાગી. એ જ વર્ષે સત્તે પે સત્તા (૧૯૮૨) આવી હતી. જ્યારે નિર્દેશક રાજ એન. સિપ્પીએ આ ફિલ્મ માટે સાઇન કર્યો ત્યારે શક્તિએ કહ્યું કે એક વિલન પાસે તમે કેવું કામ કરાવશો? ત્યારે રાજે કહ્યું કે ફિલ્મમાં સાત હીરો છે અને અમિતાભના ભાઈઓ તરીકે અલગ- અલગ પ્રકારના વ્યક્તિઓ લઈ રહ્યો છું, એમાં તું અમિતાભના ભાઈ જેવો દેખાશે. શક્તિએ ફિલ્મમાં કામ શરૂ કરી દીધું પછી વિચાર આવ્યો કે ફિલ્મમાં બધા સરખું જ કરી રહ્યા છે. એટલે રાજની સાથે બેઠક કરી કહ્યું કે એના ‘મંગલ આનંદ’ ના પાત્રમાં ફેરફાર કરવા માગે છે.

રાજે કોઈ વિચાર હોય તો જણાવવા કહ્યું. શક્તિએ પાત્ર તોતડું બોલતું હોય એમ બોલવાનો અભિનય કર્યો. રાજને એ વાત ગમી ગઈ અને ફરીથી એનું શુટિંગ કર્યું. શક્તિની જેમ બીજા કલાકારોને પણ પોતાના પાત્રમાં થોડો ફેરફાર કરવાની પ્રેરણા મળી ગઈ હતી. ‘સોમ’ તરીકે સુધીર સંભળાતું ના હોય એમ મોટા અવાજે બોલવા લાગ્યો હતો. શક્તિએ એક કિસ્સો યાદ કરી કહ્યું છે કે જ્યારે ‘દુક્કી પે દુક્કી હો’ ગીત લખવામાં આવ્યું ત્યારે એમાં શક્તિ કપૂરના તોતડા પાત્ર મુજબ ‘અટક ગયા… ક..ક…ક… કોઈ ફરક નહીં અલબત્તા’ પંક્તિ રાખવામાં આવી હતી. એક દિવસ શક્તિ શુટિંગમાં હતો ત્યારે એ પંક્તિ અમિતાભને બોલતા જોઈ નિરાશ થયો હતો અને રડી પડ્યો હતો. એ જોઈ સેટ પર હાજર બધાં હસી પડ્યા હતા. કેમકે શક્તિની મજાક કરવા કેમેરા બંધ રાખીને અમિતાભે એ પંક્તિ બોલી હતી. એટલું જ નહીં અમિતાભે ફિલ્મમાં શક્તિને વધુ બે- ચાર સીન આપવા ભલામણ કરી હતી. જેમાં એક લોલીપોપવાળું દ્રશ્ય હતું.