નિર્દેશક એન. ચંદ્રાને ‘અંકુશ’ (૧૯૮૬) ને કારણે જ રીમેક ‘પ્રતિઘાત’ (૧૯૮૭) મળી હતી. બાકી મૂળ તેલુગુ ફિલ્મ ‘પ્રતિઘાતન’ ના જે નિર્દેશક હતા એ ટી. કૃષ્ણા જાતે નિર્દેશિત કરવા માગતા હતા. એન. ચંદ્રાની એક મુલાકાતમાં આ વાત જાણ્યા પછી એમ ચોક્કસ કહેવું પડે કે ‘પ્રતિઘાત’ એમના જ નસીબમાં હતી. ફિલ્મ ‘અંકુશ’ ની સફળતા પછી ઘણા નિર્માતાઓ એમને પોતાની ફિલ્મો ઓફર કરી રહ્યા હતા. મનમોહન દેસાઇએ તો પહેલી વખત પોતાના બેનરની કોઈ ફિલ્મ બહારના નિર્દેશકને આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ એન. ચંદ્રાએ કોઈ નિર્માતાની ફિલ્મ કરી નહીં. કેમકે ‘પ્રતિઘાત’ મળી ગઈ હતી. અસલમાં વાત એવી બની કે એ. પૂર્ણચંદ્ર રાવ ‘અંકુશ’ જોઈને એન. ચંદ્રાને મળ્યા અને પોતાની સાથે એક ફિલ્મ બનાવવા જણાવ્યું. એમણે કહ્યું કે ‘પ્રતિઘાતન’ નામની એક તેલુગુ ફિલ્મ હિટ થઈ ગઈ છે.
મને લાગે છે કે એને હિન્દીમાં તમે જ બનાવી શકો છો. એન. ચંદ્રાને એ ગમી ગઈ અને હા પાડી દીધી. એમણે ઘરે આવીને પરિવારમાં વાત પણ કરી કે આવી ફિલ્મ મળે તો બહુ સારું કહેવાય. પછી એમને જાણવા મળ્યું કે તેલુગુના નિર્દેશક ટી. કૃષ્ણા જ હિન્દીમાં નિર્દેશિત કરવા માગે છે. એટલે આશા છોડી દીધી હતી. દરમ્યાનમાં ‘પ્રતિઘાત’ ફ્લોર પર જાય અને શૂટિંગ શરૂ થાય એ પહેલાં ટી. કૃષ્ણાને બ્લડ કેન્સર થયું. નિર્માતા રામોજી રાવે એમને અમેરિકા મોકલીને સારવાર અપાવી. સારવાર લઈને પાછા આવ્યા અને ફરી હિન્દીમાં ફિલ્મ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી. એમની તબિયત જોતાં રામોજી રાવ ગૂંચવાતા હતા. ત્યારે એક દિવસ ‘રાજશ્રી પ્રોડકશન’ ના તારચંદ બડજાત્યાએ એન. ચંદ્રાને મળવા બોલાવ્યા.
એ વિતરક હતા અને કહ્યું કે ‘પ્રતિઘાતન’ નામની ફિલ્મ પરથી ‘પ્રતિઘાત’ બનાવવા જઈ રહ્યા છે એનું નિર્દેશન તમે કરો! એન. ચંદ્રાને આનંદ થવા સાથે નવાઈ લાગી. કેમકે ટી. કૃષ્ણા નિર્દેશન કરવાના હતા. બન્યું એવું કે ટી. કૃષ્ણાએ ‘અંકુશ’ જોઈ અને એમણે સામે ચાલીને નિર્માતા રામોજી રાવ અને વિતરક તારચંદ બડજાત્યાને કહ્યું કે જો એન. ચંદ્રા ‘પ્રતિઘાત’ નું નિર્દેશન કરશે તો એ છોડવા તૈયાર છે. અને એન. ચંદ્રા પાસે આખરે ‘પ્રતિઘાત’ આવી ગઈ. ફિલ્મની પટકથા એમણે ટી. કૃષ્ણા સાથે મળીને હિન્દીમાં તૈયાર કરી દીધી. જ્યારે હીરોઈનની પસંદગીની વાત આવી ત્યારે નિર્માતા અને વિતરકને એન. ચંદ્રાએ કહ્યું કે ‘પ્રતિઘાતન’ ની વિજયા શાંતિને હિન્દી બિલકુલ આવડતું નથી. એને શીખવવું અને સમજાવવું પડશે.
એમ કરવાથી પાત્રના જે ઇમોશન છે એ બહાર લાવી શકાશે નહીં. વિજયાને હિન્દી ભાષા આવડતી નથી એટલે એ સારી અભિનેત્રી હોવા છતાં પાત્રને ન્યાય આપી શકશે નહીં. રામોજી રાવે એમની વાત માની લીધી. એન. ચંદ્રાએ સુજાતા મહેતાનું ‘ચિત્કાર’ નાટક જોયું હતું. ‘પ્રતિઘાત’ ની ‘લક્ષ્મી જોશી’ ની ભૂમિકા માટે એ યોગ્ય લાગી હતી. ફિલ્મમાં નાના પાટેકર સાથે બીજા ઘણા નવા કલાકારોને લઈને એન. ચંદ્રાએ ‘પ્રતિઘાત’ બનાવી હતી. ‘રાજશ્રી પિક્ચર્સ’એ ‘પ્રતિઘાત’ ના નિર્માણ અને વિતરણ ઉપરાંત સંગીતના અધિકાર મેળવ્યા હતા. એ સાથે રસપ્રદ વાત એ છે કે ફિલ્મમાં એન. ચંદ્રાના સહાયક તરીકે એમ. રામાકોટી ઉપરાંત સૂરજ બડજાત્યા પણ હતા.