મનોજકુમારને સંતોષ આનંદના ગીતોથી આનંદ આવ્યો

નિર્દેશક મનોજકુમારને ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’ (1970) બનાવવાનો વિચાર પોતાના જીવનની ઘટનાઓથી આવ્યો હતો. તે લાહોરથી દિલ્હી આવ્યા ત્યારે એમને લાહોરની યાદ સતાવતી હતી. પછી જ્યારે મુંબઇ આવ્યા ત્યારે દિલ્હીની યાદ સતાવવા લાગી હતી. ત્યારે વિચાર આવ્યો કે જે લોકો વિદેશ ભણવા માટે જાય છે અને ત્યાં જ વસી જાય છે ત્યારે એમને ભારતની કેટલી યાદ આવતી હશે? જ્યારે મનોજકુમારે પત્ની શશીને આ જણાવ્યું ત્યારે એમણે કહ્યું કે આ વિચાર પર ફિલ્મ બનાવવી જોઈએ.

મનોજકુમારે ‘પૂરબ ઔર પશ્ચિમ’ નું આયોજન કર્યું હતું. એમણે ફિલ્મના ક્રેડિટમાં વાર્તા માટે પત્ની શશી ગોસ્વામીનું નામ આપ્યું. પહેલાં ફિલ્મનું નામ ‘હરે રામા હરે ક્રિષ્ના’ રાખવામાં આવ્યું હતું. પરંતુ એમને થતું હતું કે બીજું કોઈ ટાઇટલ હોવું જોઈએ. દરમ્યાનમાં દેવ આનંદ એક ફિલ્મ બનાવવા માગતા હતા અને એ માટે આ શિર્ષકની જરૂર હતી. એમણે મનોજકુમાર પાસે શિર્ષક માગ્યું એટલે એમણે ખુશીથી આપી દીધું હતું. પછી ‘પૂરબ ઔર પશ્ચિમ’ નામ રાખ્યું હતું.

મનોજકુમારે ફિલ્મની વાર્તા અને એના શિર્ષકને ટાઇટલ્સથી અને પોતાની સૂઝબૂઝથી સાકાર કર્યા હતા. ફિલ્મની શરૂઆતનો ભાગ જે આઝાદી પહેલાનો હતો એને શ્વેત-શ્યામ ફિલ્માવ્યો હતો. નામ પણ એકસાથે બતાવ્યું નથી. લગભગ 17 મિનિટ પછી શ્વેત-શ્યામ ભાગ પૂરો થાય છે અને આઝાદીનો સમય શરૂ થાય છે ત્યારે પિકચર રંગીન બતાવ્યું અને માત્ર ‘પૂરબ’ લખાવ્યું. ફિલ્મની 35 મિનિટ પછી મનોજકુમાર વિદેશ પહોંચીને જ્યારે સાયરા બાનુને સિગારેટ પીતા જુએ છે ત્યારે ‘ઔર પશ્ચિમ’ શબ્દ લખાવ્યો હતો. અને પશ્ચિમના દ્રશ્યો બતાવ્યા હતા. ફિલ્મના સંગીતકાર કલ્યાણજી- આણંદજી હતા. એમાં એક જ ગીત સંતોષ આનંદનું છે.

અસલમાં મનોજકુમાર એક કવિ સંમેલનમાં ગયા હતા અને સંતોષની રચનાઓ સાંભળી ફિલ્મનું ગીત-સંગીતનું કાર્ય પૂર્ણ થઈ ગયું હોવા છતાં એક ગીત ‘પૂરવા સુહાની આઈ રે’ લખાવ્યું હતું અને પડદા પર ‘નવા ગીતકાર’ તરીકે નામ આપ્યું હતું. સામાન્ય રીતે અભિનયમાં પહેલી વખત આવનાર માટે ‘ઇન્ટ્રોડ્યુસીંગ’ શબ્દ વપરાતો હતો. ફિલ્મ જગતમાં પહેલી વખત કોઈ ગીતકારને એની પહેલી ફિલ્મ માટે આવું સન્માન મળ્યું હતું. ગીતકાર સંતોષ આનંદે એક મુલાકાતમાં કહ્યું છે કે ‘પૂરબ ઔર પશ્ચિમ’ પછી સતત બાર વર્ષ સુધી માત્ર મનોજકુમાર સાથે જ કામ કર્યું હતું. સંતોષને એમનો પહેલો ફિલ્મફેર એવોર્ડ મનોજકુમારની ‘રોટી કપડા ઔર મકાન’ ના ‘મૈં ના ભૂલૂંગા’ ગીત માટે મળ્યો હતો.