ફિલ્મ ‘દેવ ડી’ (૨૦૦૯) ના ‘ઈમોશનલ અત્યાચાર’ થી ‘સ્ત્રી 2’ ના ‘આજ કી રાત’ (૨૦૨૪) સુધીના ગીતોથી લોકપ્રિય રહેલા ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય અસલમાં બોલીવુડમાં ગાયક બનવા આવ્યા હતા. નાનપણથી ગાયનમાં રસ ધરાવતા અમિતાભે સ્કૂલનો અભ્યાસ કર્યા પછી હોટલ મેનેજમેન્ટમાં જવાનું નક્કી કર્યું હતું. કેમકે એના બહેન અને બનેવી એમાં હતા. પરંતુ અભ્યાસ માટે ભુવનેશ્વર જવાના દિવસે એ એકદમ ઉદાસ હોવાથી માતાએ કારણ પૂછ્યું અને અમિતાભે પોતાના ગાયનના શોખની ચિંતા વ્યક્ત કરી.
પરિવારે એની લાગણીને સમજી લખનઉમાં જ આર્ટસ વિષયમાં સ્નાતક કરવા સાથે એના ગાયનના શોખને વિસ્તાર આપવા સંમતિ આપી દીધી. અમિતાભ અભ્યાસ સાથે ઓરકેસ્ટ્રામાં પણ ગાવા લાગ્યા હતા. સ્નાતક થયા પછી ગાયક તરીકે કારકિર્દી બનાવવા મુંબઈની વાટ પકડવાનો નિર્ણય કર્યો. એ માટે કિશોરકુમાર વગેરેના ગીતો ગાઈ એક ડેમો કેસેટ તૈયાર કરવા ઓળખીતાના સ્ટુડિયોમાં ગયા. ત્યાં ગીતો ગાઈને કેસેટ તૈયાર કરી ત્યારે એમણે સલાહ આપતા કહ્યું કે આ બધા સાથે તારું પોતાનું કોઈ મૌલિક ગીત બનાવીને લઈ જા. અમિતાભે હાર્મોનિયમ પર ધૂન બનાવી દીધી પણ એના પર શબ્દો (ગીત) કયા આવશે? એ સમજાતું ન હતું. ધૂન પર શબ્દો મૂકવા એ શાયરીનું એક પુસ્તક લઈ આવ્યા. પણ પુસ્તકની કોઈ પંક્તિ એ ધૂન પર બંધબેસતી ન હતી.
લખવાની કોઈ આદત ન હતી એટલે ગીત કેવી રીતે તૈયાર કરવું એની મથામણમાં બે મહિના નીકળી ગયા. દરમ્યાનમાં અમિતાભ જાતે શબ્દો મૂકવાનો પ્રયત્ન કરતાં રહ્યા. એમાં ‘યે જિંદગી ખ્વાબ હૈ’ જેવું કશુંક લખ્યું એ યોગ્ય લાગ્યું. અમિતાભને ત્યારે અંદાજ ન હતો કે તેના ગીતકાર બનવાનું બીજ રોપાઈ રહ્યું છે. ગીતોની એક કેસેટ તૈયાર કરીને મુંબઈ પહોંચી ગયા. ત્યાં મામા રહેતા હોવાથી થોડા મહિના સંઘર્ષ કરવામાં કોઈ સમસ્યા ના આવી.
ગાયક બનવા શરૂઆતમાં સંગીતકારોના સ્ટુડિયોના ચક્કર કાપવાનું શરૂ કર્યું. તે અનુ મલિક, બપ્પી લહેરી વગેરેના સ્ટુડિયોમાં જતા રહેતા હતા. તે મહેબૂબ સ્ટુડિયો, સની સુપર સાઉન્ડ વગેરેમાં જઈને પણ બેસતા હતા. ત્યાં જે ટેક્નિશિયન કે રેકોર્ડીસ્ટ હોય એમણે એને સાંભળ્યો અને સલાહ આપી કે આ રીતે તારું કશું થવાનું નથી. અહીં બધા વ્યસ્ત હોય છે. કોઈ પોતાનું કામ છોડીને તારું ગીત સાંભળવાના નથી. તું એક કામ કર. જે લોકો આ ક્ષેત્રમાં નવા આવી રહ્યા છે એમની સાથે મુલાકાત કર. એમની સાથે મિત્રતા કરવાથી શીખવા મળશે અને પછી કામ પણ મળશે. અમિતાભે સવાલ કર્યો કે હું એમને કેવી રીતે મળી શકું? સંપર્ક કેવી રીતે કરવો? ત્યારે સૂચન થયું કે ‘ફિલ્મ ઈન્ડિયા’ ની એક ડિરેક્ટરી છે. એમાં સંગીતકારોના નામ અને ફોન નંબર મળશે.
અમિતાભે ડિરેક્ટરી ખરીદી લીધી. અમિતાભ ત્યારે મામાના ઘરે રહેતા હતા. ટીવી પર ગીતો જોતા હતા ત્યારે એક ગીતની નીચે ‘મ્યુઝિક કંપોઝર’ તરીકે પ્રીતમ ચક્રવર્તીનું નામ વાંચ્યું. અને વિચાર કર્યો કે આ ભાઈ નવો છે અને મારી જેમ બંગાળી પણ છે! અને ડિરેક્ટરીમાંથી નંબર શોધી પ્રીતમદાને ફોન લગાવ્યો.
(અમિતાભ ભટ્ટાચાર્યની ગાયક બનવાની ધૂનમાં પ્રીતમનો શું પ્રતિભાવ મળ્યો? અને ગાયકને બદલે ગીતકારના રસ્તે કેવી રીતે ફંટાઈ ગયા? એની રસપ્રદ વાતો આગામી લેખ ‘અમિતાભ ભટ્ટાચાર્યએ ગાયક બનવા બીજા નામે ગીતો લખ્યા’ માં જાણીશું.)