આમિર ખાન સાથે ‘કયામત સે કયામત તક’ (૧૯૮૮) કરીને વધુ જાણીતા થનાર દલિપ તાહિલને પહેલી ફિલ્મ ‘અંકુર’ (૧૯૭૪) મળી હતી. પરંતુ એમાં એમની ભૂમિકા સાથે જે થયું એ એમને આંચકો આપી ગયું હતું. દલિપ થિયેટરમાં કામ કરવા સાથે ‘બુનિયાદ’ સિરિયલ કરી રહ્યા હતા ત્યારે નિર્દેશક શ્યામ બેનેગલ ફિલ્મ ‘અંકુર’ માટે કલાકારો શોધી રહ્યા હતા. એમાં અનંત નાગના મિત્રની ભૂમિકા માટે એમણે ઘણા કલાકારો સાથે વાત કરી હતી અને સ્ક્રિન ટેસ્ટ લીધા હતા પરંતુ એ ભૂમિકાની જરૂરિયાત એ પૂરી કરી શકે એમ ન હતા. ત્યારે એ ‘બુનિયાદ’ જોતાં હતા અને એમાં દલિપને જોઈને થયું કે તે મિત્રની ભૂમિકા માટે સૌથી યોગ્ય રહેશે. દલિપને જ્યારે શ્યામ બેનેગલે બોલાવ્યા ત્યારે એમના માટે તો લોટરી લાગવા જેવી બાબત હતી.
બેનેગલે દલિપને ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવી અને કહ્યું કે વાળ સાવ ટૂંકા કરી દઇશ તો મારી ફિલ્મમાં ભૂમિકા આપીશ. દલિપે કોઈને પૂછ્યું ત્યારે એણે સલાહ આપી કે એમની ફિલ્મમાં ભૂમિકા મળે તો કરી જ લેવી જોઈએ. દલિપે હા પાડી દીધી. પછી ઘણા સમય સુધી કોઈ ખબર આવી નહીં અને અચાનક એક દિવસ એક માણસ હૈદરાબાદની ટિકિટ આપી ગયો અને કહ્યું કે બેનેગલે શુટિંગ માટે આવી જવા કહ્યું છે. દલિપે વાળા કપાવ્યા અને હૈદરાબાદ પહોંચી ગયા.
શ્યામ બેનેગલની પદ્ધતિ એ હતી કે ફિલ્મનું શુટિંગ શરૂ કર્યા પછી અંદાજે ૩૫ દિવસમાં પૂરું કરી દેતા હતા. પરંતુ એમની શરત એ હતી કે કલાકારનું શુટિંગ એક દિવસનું હોય કે એક મહિનાનું પણ સમગ્ર શુટિંગ દરમ્યાન હાજર રહેવાનું. એમને હોટેલમાં રાખતા હતા અને જ્યારે જેનું કામ હોય ત્યારે એણે હાજર થઈ જવાનું. ફિલ્મ ‘અંકુર’ માં શબાના આઝમી અને સાધુ મહેર જેવા જાણીતા કલાકારો સાથે કામ મળ્યું હોવાથી દલિપ ખુશ હતા.
દલિપનું કામ ૭ દિવસનું હતું પણ એ ટુકડામાં થતું હતું. ફિલ્મનું શુટિંગ પૂરું થયા પછી બીજા કામમાં વ્યસ્ત દલિપને છ મહિના પછી ‘અંકુર’ ના પ્રિમિયરમાં હાજર રહેવાનું આમંત્રણ મળ્યું. એમને થયું કે ૭ દિવસ શુટિંગ કર્યું છે અને કેટલાક દ્રશ્યો દમદાર હતા. ત્યાં એમનો વટ પડી જશે. ત્યારે દલિપ એક મિત્રને ત્યાં રહેતા હતા. અને એ સમય પર એમને ત્યાં ન્યૂઝીલેન્ડથી એક વિદ્યાર્થિની આવી હતી. મિત્રની મમ્મીએ કહ્યું કે તું પ્રિમિયરમાં એને લઈને જા. દલિપ એની સાથે કારમાં જતાં હતા ત્યારે પોતાની જ પ્રશંસા કરતાં કહ્યું કે ‘અંકુર’ માં મારી મોટી ભૂમિકા છે અને હું હવે સ્ટાર બનવાનો છું. થિયેટરમાં ગયા અને ફિલ્મ શરૂ થઈ ત્યારે દલિપનું એક દ્રશ્ય આવ્યું. એ ખુશ થઈ ગયા અને છોકરીને કહ્યું કે હવે મારા બીજા દ્રશ્યો આવશે. પરંતુ ઇન્ટરવલ આવી ગયો ત્યાં સુધી કોઈ દ્રશ્ય જ ના આવ્યું અને એમાં જે દ્રશ્ય આવ્યા એમાં એ હોવા છતાં દેખાયા ન હતા. એ નાસ્તો લાવવાનું કહી બહાર નીકળ્યા ત્યારે શ્યામ બેનેગલ ત્યાં ઊભા હતા.
દલિપે પૂછ્યું કે ઇન્ટરવલ પછી તો હું છું ને? ત્યારે બેનેગલે માફી માંગતા કહ્યું કે સોરી, ફિલ્મ ખેંચાતી હોવાથી તારો અનંત નાગના મિત્રનો જે ટ્રેક હતો એ કાઢી નાખવો પડ્યો છે. થિયેટરમાં કામ કરતાં દલિપને એ વાતનો ખ્યાલ જ ન હતો કે ફિલ્મોમાં એડિટિંગ જેવું હોય છે. દલિપને ત્યારે એ વાતની ચિંતા ન હતી કે એની ભૂમિકા કપાઈ ગઈ છે પણ સાથે જે છોકરી આવી છે એને કેવી રીતે સમજાવી શકશે કે એ હવે ફિલ્મમાં દેખાશે નહીં. દલિપ થિયેટરમાં ગયા અને એ છોકરીને કહ્યું કે નિર્દેશકે મને કહ્યું છે કે ઇન્ટરવલ પછી મારા દમદાર દ્રશ્યો છે અને એ કારણે લોકો મને મળવા અપાર તૂટી પડશે.
બહુ ભીડ થશે એટલે ફિલ્મ પછી જ્યાં પાર્ટી રાખી છે ત્યાં જતાં રહો. આપણે અહીંથી જતાં રહીએ. એ ગભરાઈ ગઈ અને હા પાડી. જેવી ફિલ્મ શરૂ થઈ કે દલિપ અંધારામાં એ છોકરી સાથે બહાર નીકળી ગયા હતા. ત્યારે દલિપને ખ્યાલ આવ્યો હતો કે નાટક અને સિનેમા બંને અલગ માધ્યમ છે. દલિપ તાહિલની પહેલી ફિલ્મ તરીકે ‘અંકુર’ ગણાય છે પણ ખરી શરૂઆત એનાથી થઈ ન હતી
